ભૂતનાથ રિટર્ન્સ

અબ કી બાર, ભૂત કી સરકાર?

***

ધારો કે, મિસ્ટર ઈન્ડિયા ભૂતનાથ બનીને ચૂંટણી લડે, તો ‘ભૂતનાથ રિટર્ન્સ” બને અને બાવાનાં બેય બગડે!

 ***

bhoothnath-returns-poster_139334774000છેલ્લા કેટલાય સમયથી શેખર કપૂરની સુપરહીટ ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ની સિક્વલ બનાવવાની વાતો ચાલે છે, પણ સરકારી ફાઈલની જેમ હજુ સુધી એ આગળ વધી નથી. પરંતુ 2008ની ફિલ્મ ‘ભૂતનાથ’ની સિક્વલના નામે કંઈક અંશે મિ. ઈન્ડિયાની સિક્વલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે. લોચો એ છે કે બાળકો માટે બનાવાયેલી આ ફિલ્મ ઈન્ટરવલ પછી ઈલેક્શન માટે વોટર્સ અવેરનેસનું કેમ્પેઈન બનીને રહી જાય છે.

ભૂતવર્લ્ડ સે ટપકે પૃથ્વી પે અટકે

કૈલાશનાથ ઉર્ફે ભૂતનાથ (અમિતાભ બચ્ચન) જ્યારે મોક્ષ પામીને હેરી પોટરની સ્કૂલ જેવા દેખાતા ભૂતવર્લ્ડમાં પહોંચે ત્યારે બિચારા મજાક બનીને રહી જાય છે. ભૂતોની સામે એમની ઈજ્જતનો ફાલુદો થઈ જાય છે કે એ એક નાના બચ્ચાથી ડરીને આવી ગયો. ત્રાસેલા ભૂતનાથને એમના બોસ એવું સજેશન આપે છે કે તું ફરી પાછો પૃથ્વી પર જા અને બીજાં બે-ચાર બચ્ચાઓને ડરાવીને આવી જા, જેથી તારી બચીકૂચી ઈજ્જત સચવાઈ જાય. એ કામ માટે ભૂતનાથ મુંબઈના ધારાવીમાં ટપકે છે, ત્યારે ફરી પાછો એ જ લોચો, અખરોટ (સુપર્બ પાર્થ એસ. ભાલેરાવ) નામનો માથાભારે ટેણિયો એને જોઈ શકે છે. ભૂત હોય કે માણસ, કોઈને પણ ટોપી પહેરાવી શકતા આ અખરોટ સાથે ભૂતનાથને દોસ્તી થઈ જાય છે.

અખરોટના અને બીજા બે-ચાર ભટકેલાં ભૂતોનાં ફેમિલીના પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા પછી ભૂતનાથભાઈને પરમજ્ઞાન પ્રાપ્ત થાય છે કે ઈન્ડિયા નામના આ દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ ભ્રષ્ટાચારનો છે, અને એ કેન્સરની જેમ આખા દેશમાં ફેલાયેલો છે. જો આ કેન્સરનો ઈલાજ કરવો હોય તો કિમોથેરપી જેવી એની એકમાત્ર અસરકારક દવા છે, ચૂંટણીમાં ઊભા રહેવું અને દેશના લોકો માટે એકદમ પ્રામાણિક શાસન આપવું. એટલે ભૂતનાથભાઈ ધારાવીમાંથી ઈલેક્શનમાં ઊભા રહે છે. પરંતુ એમની સામે સ્થાનિક ડોન કમ નેતા ભાઉસાહેબ (બોમન ઈરાની) ઊભા રહે છે. રેગ્યુલર નેતાઓ તો ઈલેક્શન જીત્યા પછી દેખાતા નથી, જ્યારે આ ભૂતનાથ તો ઈલેક્શન પહેલાં પણ દેખાતા નથી. તો પછી લોકોને કઈ રીતે વિશ્વાસ અપાવવો કે ભૂતભાઈ એમના પ્રોબ્લેમ્સ સોલ્વ કરશે? છતાં એક ઈમાનદાર ઉમેદવારની જેમ ભૂતનાથબાબા ઈલેક્શન જીતવા માટે વિરાટ કોહલી જેવી મહેનત કરે છે.

ઘોસ્ટ ઈન ધ ટાઈમ ઑફ ઈલેક્શન

શર્ટની નીચે સ્કર્ટ પહેરો તો કેવું લાગે? દાળમાં બોળીને ખાવા માટે બિસ્કિટ ધરો તો કેવું લાગે? બીજા ધોરણના ક્લાસમાં એન્જિનિયરિંગનો વિષય શરૂ થઈ જાય તો કેવું લાગે? ત્રણેય સવાલનો એક જ જવાબઃ ભૂતનાથ રિટર્ન્સ જેવું લાગે! એકદમ મિસમેચ. શરૂઆતમાં ભૂતનાથ ભૂતવર્લ્ડમાં ધડાધડી બોલાવે છે, એ પછી નીચે પૃથ્વી પર ભૂતનાથ અને ટેણિયો અખરોટ સટાસટી બોલાવે છે. એક પછી એક જોરદાર પંચલાઈન્સ અને હસતાં હસતાં આંખમાંથી પાણી નીકળવા માંડે એવી સિચ્યુએશન્સ. પરંતુ હોટએર બલૂન હવામાં ગયા પછી એની હવા નીકળવા માંડે અને એ ધરતી પર આવવાનું શરૂ થઈ જાય, એ જ રીતે ભૂતનાથ રિટર્ન્સ નીચે પટકાવા માંડે છે. ઈન્ટરવલ પછી તો એ ફિલ્મ મટીને રીતસર મતદાતા જાગૃતિ અભિયાન બનીને રહી જાય છે.  એક તો અઢી કલાક પ્લસ લાંબી ફિલ્મ, ઉપરથી દર થોડી વારે ઈલેક્શન એડ્સની જેમ પજવવા આવી જતાં ગીતો અને ઈન્ટરવલ પછી આડા પાટે ચડીને કંટાળાના સ્ટેશન પર પહોંચી જતી આ ફિલ્મ સેકન્ડ હાફમાં લાંબું બગાસું બનીને રહી જાય છે.

નાનો, પણ રાયનો દાણો

અમિતાભ બચ્ચને ઈન્ટરવ્યૂઝમાં કહ્યું છે કે ભૂતનાથ રિટર્ન્સનો અસલી હીરો અખરોટ બનતો પાર્થ ભાલેરાવ છે. તદ્દન સાચી વાત છે. ચાર ફૂટનો પાર્થ છ ફૂટના બચ્ચન સાહેબ સામે કુતુબ મિનાર જેવા આત્મવિશ્વાસથી એક્ટિંગ કરે છે. એની ટપોરી સ્ટાઈલ લેંગ્વેજ, કોમિક ટાઈમિંગ અને ઈમોશનલ સીન્સમાં પણ એનું કાબિલેદાદ પરફોર્મન્સ સિનિયર બચ્ચનને પણ હંફાવી દે છે. વળી, અહીં બિગ બી અને છોટા અખરોટ વચ્ચેની કેમિસ્ટ્રી અમિતાભ-જયા કે અમિતાભ-રેખા કરતાં પણ વધારે જામે છે! જો આ ટાબરિયો પાર્થ ભાલેરાવ યોગ્ય રીતે ગ્રૂમ થશે તો લંબી રેસનો ઘોડો છે.

ભૂતનાથ છે કે મિસ્ટર ઈન્ડિયા?

માત્ર એક ટેણિયાને જ દેખાય એવો, પણ જેને સૌ સાંભળી શકે એવો ભૂતનાથ, ભૂત કમ અને મિસ્ટર ઈન્ડિયા વધારે લાગે છે. એની જેમ તે આખી ફિલ્મમાં કપડાં પણ બદલતો નથી. વળી, અહીં પણ અત્યારના મોગેમ્બો જેવો બોમન ઈરાની છે, જે ભ્રષ્ટાચારી નેતા બનીને દેશને બરબાદ કરવા નીકળ્યો છે. મિસ્ટર ઈન્ડિયાનાં ડઝનબંધ બાળકોની સામે અહીં એકલો પાર્થ ભાલેરાવ જ પૂરતો છે. ઘણી સિચ્યુએશન્સ પણ મિસ્ટર ઈન્ડિયાની યાદ અપાવે એવી છે. લેકિન સલીમ-જાવેદ, શેખર કપૂર અને ‘મિસ હવાહવાઈ’ શ્રી દેવી જેવો જાદુ પણ મિસ્ટર ઈન્ડિયાની જેમ જ અદૃશ્ય છે!

ઈરાદો સારો, એક્ઝિક્યુશનમાં લોચા

અગાઉ ‘ચિલ્લર પાર્ટી’ બનાવી ચૂકેલા રાઈટર-ડિરેક્ટર નિતેશ તિવારી અને એમના સહલેખક પીયૂષ ગુપ્તાનું રાઈટિંગ પરફેક્ટ છે. એમની દરેક પંચલાઈન જલસો કરાવે છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ અહીં પાત્રો માટે કલાકારો પણ એકદમ પરફેક્ટ પસંદ કર્યા છે. જેમ કે, બિગ બી અને પાર્થ ભાલેરાવ ઉપરાંત બોમન ઈરાની, સંજય મિશ્રા, (બોમનના માણસ બનતા) બ્રિજેન્દ્ર કાલા વગેરે. અરે, સરપ્રાઈઝ પેકેજ તરીકે અહીં અનુરાગ કશ્યપ, શાહરુખ ખાન, રણબીર કપૂર પણ સ્ક્રીન પર આંટો મારી જાય છે. એકદમ સાફસૂથરી, બેસ્ટ મેસેજવાળી અને એક પરફેક્ટ વેકેશન એન્ટરટેઈનર બની શકવાની ક્ષમતા ધરાવતી આ ફિલ્મ તો પછી ક્યાં માર ખાઈ જાય છે? જવાબ છે, એક્ઝિક્યુશનમાં.

પહેલી વાત, આ બાળકોને કેન્દ્રમાં રાખીને બનાવી હોય એવી ફિલ્મની લંબાઈ અઢી કલાક પ્લસની? એમાં પણ પાંચ-પાંચ ગીતો? જેમાંથી માત્ર એક જ ગીત (‘પાર્ટી તો બનતી હૈ’) સહન થાય એવું હોય. બીજું, ભારતની સિસ્ટમ સુધારવા માટે એક ભૂત ચૂંટણીમાં ઊભું રહે એ થીમ સરસ છે, પણ એમાં અડધી ફિલ્મમાં ‘વોટ કરો… વોટ કરો’ની રેકર્ડ વગાડવાની શી જરૂર હતી? એ પણ બાળકોની ફિલ્મમાં? કોઈપણ ધાકધમકી કે લાલચને વશ થયા વિના મતદાન કરવાના મેસેજના નામે પણ એટલી બધી ભાષણબાજી છે કે માથા પર રીતસર હથોડા પડવા માંડે. એટલે અહીં બાળકો કે મોટેરાં બેમાંથી એકેય વોટબેંક સચવાઈ નથી.

તો વોટ ફોર ભૂતનાથ કરવા જેવું?

સીધી વાત છે, ઈન્ટરવલ પહેલાંની ફિલ્મ બાળકો માટે છે, જ્યારે સેકન્ડ હાફ સાથે બાળકોને કશી લેવાદેવા નથી અને મોટેરાંને મજા નહીં પડે. એના કરતાં વેકેશનના આ માહોલમાં બાળકોને મજા પડે એવી બીજી ફિલ્મો પણ રિલીઝ થઈ જ છે, એ ટ્રાય કરી શકાય. હા, તમે બચ્ચનના નક્કર મૃત્યુ (એટલે કે ડાઈ હાર્ડ!) પ્રકારના ફેન હો તો, અને પાર્થ ભાલેરાવ કે બોમન ઈરાનીનાં ફુલ થ્રોટલ પરફોર્મન્સ જોવા માગતા હો, તો તમારા હિસાબે અને જોખમે આ ફિલ્મ જોવા જઈ શકો. તેમ છતાં દરેકે નિષ્પક્ષ રહીને દેશ માટે મતદાન અવશ્ય કરવું જોઈએ એવો આ ફિલ્મનો ઉદ્દેશ ખરેખર કાબિલેદાદ છે. એ જોતાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી શકાય. બાય ધ વે, તમે આ ફિલ્મ જોવા જાવ કે ન જાવ, ચોવીસમી એપ્રિલે કોઈ બહાનું કાઢ્યા વિના મતદાન કરવા અવશ્ય જજો.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s