ધવન કરેંગે, ધવન કરેંગે, ધવન કરેંગે!

***

લોજિકને મારો ગોળી, ફુલ્ટુ વેકેશન એન્ટરટેઇનર ફિલ્મ અને નેક્સ્ટ જનરેશન ગોવિંદા ઇઝ હિઅર!

***

03-main-tera-heroઇતિહાસ ગવાહ છે, જ્યારે હૈયું ભારતમાં પ્રામાણિકતાની જેમ તળિયે જઇને બેઠું હોય, મૂડ દેવદાસ જેવો થઇ ગયો હોય, કે. એલ. સાયગલ કે દર્દભરે નગ્મે ગાવાની ઇચ્છાઓ થતી હોય અને જીવતર રાજકારણીઓની ભાષાની જેમ કડવું ઝેર જેવું લાગતું હોય, ત્યારે તેમાંથી બહાર આવવાનો એક જ રસ્તો હોય છે (ના, માંકડ મારવાની દવા નહીં), ડેવિડ ધવનની કમ્માલ ધમ્માલ કોમેડી એન્ટરટેઇનિંગ ફિલ્મો! અને વક્ત કે સાથ એમની કોમેડી પરની ધાર (વિરોધીઓની અપેક્ષાથી વિપરિત) જરા પણ બુઠ્ઠી થઇ નથી. બલકે હવે તો તેઓ એમના નવા હથિયાર શહેઝાદા વરુણ ધવન સાથે આવ્યા છે!

કિસ કો પ્યાર કરું, કૈસે પ્યાર કરું?!

શ્રીનાથ પ્રસાદ ઉર્ફ ‘સીનુ’ (વરુણ ધવન) ઊટીનો બડો શેતાન જુવાનિયો છે. એ પોતે જ કહે છે કે આમ તો એ સ્વીટ, ઇનોસન્ટ, સ્વામી ટાઇપનો દેખાય છે, પણ અસલમાં છે એકદમ (બીપ!) ટાઇપનો. આમ ભગવાનથી ડરે, પણ પરીક્ષામાં પાસ થવા માટે એ પોતાના પ્રોફેસરની છોકરીને લગ્નમંડપમાંથી કિડનેપ કરી લે એવો ચાલુ કિસમનો માણસ છે. પરંતુ એના પપ્પા (મનોજ પાહવા)નો ટોણો સાંભળીને એ ભરેલી થાળીએ ઊભો થઇ જાય છે અને નક્કી કરે છે કે હવે હું બેંગલુરુ જઇશ અને કાગડા-કૂતરાના મોતે મરીશ પણ ડિગ્રી લીધા વિના પાછો નહીં આવું.

બેંગલુરુ જતી ટ્રેનમાં કેટલાક ગુંડા લડકીઓની છેડતી કરે છે અને એકદમ હીરો સ્ટાઇલમાં સીનુ એ ગુંડાઓનો ભાજીપાલો કરી નાખે છે. બેંગલુરુ પહોંચીને ક્લાસ અટેન્ડ કરે એ પહેલાં તો એને સુનૈના (ઇલિયાના ડી’ક્રૂઝ) મળી જાય છે અને એની સાથે પહલી નજરનો પ્રેમ થઇ જાય છે!  સુનૈનાને પણ આ દિલફેંક આશિક ગમી જાય છે, પણ કબાબમાં હડ્ડી એવી છે કે ઇન્સ્પેક્ટર અંગદ નેગી (અરુણોદય સિંહ) નામનો એક ખૂંટિયો વિલન સુનૈનાની પાછળ નહાઇ-ધોઇને પડી ગયો છે.

સીનુ પોતાના દિમાગથી અંગદ નામના કાંટાને રસ્તામાંથી હટાવે છે, ત્યાં જ કહાનીમાં હેલિકોપ્ટર સાથે નવો ટ્વિસ્ટ આવે છે. ટ્રેનમાં જ્યારે સીનુ ગુંડાલોગને નાળિયેરની જેમ વધેરતો હોય છે, ત્યારે એક છોકરી આયેશા (નરગિસ ફખરી) એ ફાઇટને મોબાઇલમાં શૂટ કરતી કરતી એના પ્રેમમાં પડી ગયેલી હોય છે. એ આયેશા વાસ્તવમાં થાઇલેન્ડના ડોન વિક્રાંત (અનુપમ ખેર)ની દીકરી છે. આયેશા હેલિકોપ્ટરમાં ઇલિયાનાને કિડનેપ કરીને પિત્ઝાની જેમ બેંગકોક મંગાવી લે છે. એની પાછળ વરુણ પણ બેંગકોક પહોંચી જાય છે. હવે વરુણની સામે બે ચેલેન્જ છે, ડોનલ્ડ ડક જેવા હોઠવાળી નરગિસ ફખરીથી છૂટકારો મેળવવો અને એના ગેંગસ્ટર બાપના પંજામાંથી પોતાની ઇલિયાનાને સહીસલામત બહાર કાઢવી.

ધવન એન્ડ ઓન્લી, વરુણ!

પપ્પા ડેવિડ ધવન દીકરા વરુણ માટે કહેતા હશે, ‘વો તો મેરી જાન હૈ!’ (એટલે જ કદાચ પહેલી વાર, ફિલ્મના હીરોને એટલે કે વરુણને શરૂઆતમાં સ્પેશિયલ થેન્ક્સ કહેવાયું છે!) પરંતુ વરુણ લિટરલી ‘મૈં તેરા હીરો’ની જાન છે. એનો ક્યૂટ ચહેરો, ચહેરા પર રમતિયાળ સ્માઇલ, એનું સિક્સપેક એબ્સવાળું ગઠીલું બોડી, કોમિક ટાઇમિંગ, એક્શન સીન્સ કરવાની ફાવટ, એનર્જેટિક પરફોર્મન્સ… આ બધું જ એને એક કમ્પ્લિટ એન્ટરટેનિંગ હીરો મટિરિયલ બનાવે છે. આ ફિલ્મમાં બબ્બે હોટ હિરોઇન્સ છે; અનુપમ ખેર, સૌરભ શુક્લા, રાજપાલ યાદવ, મનોજ પાહવા, અરુણોદય સિંહ જેવી સપોર્ટિંગ સ્ટારકાસ્ટ છે, પણ તમારું ધ્યાન વરુણ ધવન પરથી હટે નહીં. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નો આ હોનહાર વિદ્યાર્થી અહીં ફુલ માર્ક્સ સાથે પાસ થયો છે. જો વરુણ આ જ એનર્જીથી ભરપુર, (અને ખાસ તો) વેરાયટીવાળી ફિલ્મો આપતો રહેશે તો રણબીર, રણવીર, અર્જુન અને આદિત્ય રોય જેવા કપૂરો તથા કેટલાક જૂના જોગીઓને બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી પડે એવી સિચ્યુએશન આવશે!

પાપા ડેવિડ કે બાકી સિપાહી

કોઇ મસાલેદાર કોમિક્સ જેવા પેકિંગમાં પેશ થયેલી ‘મૈં તેરા હીરો’ વાસ્તવમાં 2011માં આવેલી તેલુગુ ફિલ્મ ‘કન્દિરીગા’ની રિમેક છે. જોકે આખી ફિલ્મમાં પૂરેપૂરી ડેવિડ ધવનની ફિંગરપ્રિન્ટ સ્ટાઇલ વર્તાય છે. હિરોઇન ઇલિયાના એની આ પહેલાંની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ કરતાં સારી દેખાય છે, પણ ફસાદ કી જડ બનવા સિવાય એની પાસે ખાસ કશું કામ આવ્યું નથી. નરગિસ ફખરી પાસે હાલ બીજું કશું કામ નથી એ દેખાઇ આવે છે, કેમ કે એણે આવો ડમ્બ જેવો રોલ સ્વીકાર્યો છે.

અનુપમ ખેર, રાજપાલ યાદવ, મનોજ પાહવા એ બધા જે પાત્રો ભજવતા આવ્યા છે, એનું જ અહીં રિપીટેશન કર્યું છે. અરુણોદય ગુસ્સૈલ દિમાગવાળા રોલમાં અને પછીથી બુદ્ધુ બનતા આશિકના રોલમાં પરફેક્ટ લાગે છે. પરંતુ સ્પેશિયલ મેન્શન ફોર, સૌરભ શુક્લા. એ માણસ કોઇપણ રોલ ગજ્જબ સ્વાભાવિકતાથી ભજવી શકે છે. એટલે સુધી કે અહીં એક તબક્કે એણે માત્ર આંખો અને ચહેરાથી એક્ટિંગ કરવાની આવે છે, એ પણ કોઇ આખા રેન્જીપેન્જી એક્ટરને ભારે પડે એવી ધાંસૂ છે! ફિલ્મમાં બે સીન પૂરતા ‘આઉ…’ શક્તિ કપૂર પણ આવે છે, જે માત્ર ફિલ્મોનાં નામ જ બોલે છે. સ્ટાર્ટિંગના સીન પૂરતા અનુપમના ભાઈ રાજૂ ખેર પણ છે. આ બંને સિનિયર એક્ટર્સની હાજરીની નોંધ લેવી ઘટે. અરે હા, આ ફિલ્મમાં સલમાન ખાન પણ છે, પણ એ ફિલ્મમાં શું છે અને ક્યાં છે એ શોધવાનું કામ તમારું!

થેન્ક ગોડ, 128 મિનિટ્સની આ ફિલ્મમાં ફાલતૂ બિનજરૂરી ગીતોનું ટ્રેક્ટર ઠાલવ્યું નથી. સાજિદ-વાજિદે ટાઇટલ ટ્રેક ‘પલટ… તેરા હીરો ઇધર હૈ’ અને ‘બેશર્મી કી હાઇટ’ સારાં બનાવ્યાં છે. ફિલ્મમાં એક મસ્તીભર્યું પેરોડી સોંગ પણ છે! આખી ફિલ્મ વધારે ચટપટી બની છે આપણા ગુજરાતી એવા મિલાપ ઝવેરીના ચબરાકિયા ડાયલોગ્સને લીધે. ફિલ્મ વચ્ચે વચ્ચે ડોલ્ફિનની જેમ ડૂબકીઓ ખાય છે, પણ ધવન એન્ડ ધવન કંપની બાજી સંભાળી લે છે.

એ હીરો, કિતને સ્ટાર?

જુઓ, બચ્ચાંલોગની પરીક્ષા પૂરી થઇ ગઈ છે, આઇપીએલ શરૂ થયું નથી, ટીવી પર ચૂંટણી સિવાય બીજી કોઇ વાત નથી… ઇન શોર્ટ, એક ફુલ્ટુ એન્ટરટેઇનિંગ ફિલ્મ જોવા માટે મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ; ડેવિડ ભી હૈ, વરુણ ભી હૈ! એક ફિલ્મની રીતે આ કોઇ ગ્રેટ પીસ ઓફ સિનેમા નથી, પણ કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનર છે, જે તમને જરાય નિરાશ નહીં કરે, એની ગેરન્ટી! (અને ડેવિડ ધવનની ફિલ્મ છે એટલે એમાં લોજિક શોધવા જશો તો દિવેલ પીધા જેવું ડાચું કરીને પાછા આવશો, એની પણ ગેરન્ટી!)

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

One thought on “મૈં તેરા હીરો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s