યંગિસ્તાન

ગઠબંધન સરકાર જેવી તકલાદી ફિલ્મ

***

મરહૂમ ફારુખ શેખ સાબને છેલ્લી વાર મોટા પડદે જોવા હોય તો જ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ધક્કો ખાજો.

***

youngistan-poster_139175798920લગભગ બધા જ ભારતવાસીઓની એવી વર્ષોથી ઇચ્છા છે કે ખૂબ ભણેલો અને ભારે વિચક્ષણ એવો પ્રામાણિક યુવા નેતા ભારતનો વડાપ્રધાન બને, જે દેશને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ગર્તામાંથી બહાર કાઢે. એ ઇચ્છાને કંઇક અંશે વાચા આપવામાં આવી છે આ શુક્રવારે રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ ‘યંગિસ્તાન’માં. એક અદભુત પોલિટિકલ કમિંગ ઓફ એજ મુવી બનવાની શક્યતા ધરાવતો પ્લોટ હોવા છતાં નબળા રાઇટિંગને કારણે એ તક અહીં તદ્દન વેડફાઇ ગઇ છે.

પ્રધાનમંત્રી પદનો વારસો

અઠ્ઠાવીસ વર્ષનો અભિમન્યુ કૌલ (જેકી ભગનાણી) ટોકિયોમાં એક વીડિયો ગેમ ડિઝાઇનર છે, જે પોતાની ગર્લફ્રેન્ડ અન્વિતા ચૌહાણ (નેહા શર્મા) સાથે છેલ્લાં ત્રણ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. એક આમ યંગસ્ટરની કેરફ્રી લાઇફ જીવતા અભિમન્યુની જિંદગી ધરમૂળથી બદલાઇ જાય છે, જ્યારે એને સમાચાર મળે છે કે એના કેન્સરગ્રસ્ત પિતા દશરથ કૌલ (બોમન ઇરાની) હવે છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે આપણને ખબર પડે છે કે આ અભિમન્યુ કૌલ તો ભારતના પ્રધાનમંત્રીનો દીકરો છે! પિતાની આખરી ઇચ્છા અને લોકોની સિમ્પથી મેળવવા માટે નિર્ણય લેવાય છે કે અભિમન્યુને એના પિતાની જગ્યાએ પ્રધાનમંત્રી બનાવી દેવો.

રાતોરાત એની તમામ આઝાદી જાતભાતના પ્રોટોકોલ્સ અને સિક્યોરિટીની વચ્ચે કેદ થઇ જાય છે. પોતે તો ઠીક એની ગર્લફ્રેન્ડ અન્વિતા પણ પ્રધાનમંત્રી પદની આ પાબંદીઓથી ત્રાસી જાય છે. રીઢા, ખાઈ બદેલા નેતાઓ અને ગંદા પાર્ટી પોલિટિક્સની વચ્ચે ઘેરાયેલા અભિમન્યુની હાલત કુરુક્ષેત્રના અભિમન્યુ જેવી જ થાય છે. પરંતુ તેની સાથે પડછાયાની જેમ ફરતા એના પર્સનલ આસિસ્ટન્ટ અને પિતાના ખાસ મિત્ર અકબર અહમદ (ફારુક શેખ)ના અનુભવ અને સલાહોની તેને ભારે મદદ મળે છે. ધીમે ધીમે પડતો આખડતો અભિમન્યુ રાજકારણના રણમેદાનમાં બધા કોઠા વીંધવાનું શીખી જ લે છે.

સિંહ આલા, પર ગઢ ગેલા

‘યંગિસ્તાન’ પર 2010માં આવેલી તેલુગુ ફિલ્મ ‘લીડર’ની તો છાંટ દેખાય જ છે, પણ તેના કરતાં વધારે અત્યારની યુપીએ સરકારના પાછલાં વર્ષોના ઘટનાક્રમની અસર વર્તાય છે. ઇન ફેક્ટ, તેના ઘણા નેતાઓને તમે અહીં આઇડેન્ટિફાય કરી શકશો. કરપ્ટ અને તકવાદી નેતાઓની ભરમાર વચ્ચે એક પ્રામાણિક યંગ નેતા આવી જાય તો કેવો તહેલકો મચાવી દે તે આપણે અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’માં જોઈ ચૂક્યા છીએ. અહીં ચપટી વગાડતાંમાં દેશ બદલી નાખવાની વાત કરવાને બદલે એક યુવાનનું પરિપક્વ નેતામાં રૂપાંતર બતાવવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ લોચો એ છે કે ફિલ્મનું રાઇટિંગ તદ્દન ફ્લેટ અને રાજારાણીની વાર્તાની જેમ ઓવર સિમ્પ્લિસ્ટિક બની ગયું છે. એકદમ સ્માર્ટ, વનલાઇનર્સ અને ઈન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ્સથી ફિલ્મને રોમાંચક બનાવી શકાઇ હોત, પરંતુ એમાંનું અહીં કશું જ નથી.

જેકી ભગનાણી યુવાનેતા તરીકે કન્વિન્સિંગ લાગે છે, પણ ન તો એનામાં (ભારતના પીએમ બનાવી દેવાયા પછીની) એલિસ ઇન વન્ડરલેન્ડ જેવું કુતૂહલ દેખાય છે કે ન કોઇ નર્વસનેસ દેખાય છે. ઈવન સેકન્ડ હાફમાં તે રાતોરાત મેચ્યોર થઇ જાય છે. સેકન્ડ થોટ તરીકે એવું સમજાય છે કે આ આખી ફિલ્મ ભારતના રાજકારણને કનડી રહેલા મુદ્દા એવા ડાયનાસ્ટિક પોલિટિક્સ (વંશવાદી રાજકારણ)ને સપોર્ટ કરે છે! (આશા રાખીએ કે આ ફિલ્મ પાછળ પ્રોડ્યુસર વાશુ ભગનાણી કે ડાયરેક્ટર સૈયદ અહમદ અફ્ઝલનો કોઇ રાજકીય સ્વાર્થ ન હોય.)

આ ફિલ્મમાં મરહૂમ ફારૂખ શેખ આપણને કમનસીબે છેલ્લી વાર મોટા પડદે જોવા મળ્યા છે. ફિલ્મની શરૂઆતમાં એમને છાજે એવી 35 સેકન્ડ્સની ભાવભીની અંજલિ પણ અપાઇ છે. પરંતુ જો એમને સારા ડાયલોગ્સ અને દમદાર એક્ટિંગનો સ્કોપ અપાયો હોત તો એ એમને અપાયેલી સાચી અંજલિ કહેવાત. અહીં એ પોતાના જૂના અને જાણીતા ‘જી મંત્રીજી’ના રોલમાં છે, પણ એ સિરિયલ જેવી સ્માર્ટ લાઇન્સ એમને અપાઇ નથી. એમના ભાગે હુંફાળું સ્મિત અને પરિપક્વ લૂક આપવા સિવાય ખાસ કશું કામ આવ્યું નથી.

જો રાઇટિંગમાં ધ્યાન અપાયું હોત તો આ ફિલ્મ એક સારી પોલિટિકલ થ્રિલર કે પોલિટિકલ સટાયર બની શકી હોત અને ભારતના યૂથને તંદુરસ્ત રાજકારણ રચવાનો મેસેજ પણ આપી શકી હોત. એવો કોઇ પ્રયાસ અહીં કરાયો નથી. તેને બદલે સિક્યોરિટી કન્સર્ન અને પ્રોટોકોલ જ જાણે મોટો ઇશ્યૂ હોય એમ લીડિંગ કપલને એનાથી પડી રહેલી મુશ્કેલીઓને જ બતાવ બતાવ કર્યે રાખી છે. હા, એક પ્રધાનમંત્રીનું ડેઇલી રૂટિન, એમની મીટિંગ્સ, એમનો હોદ્દો-જવાબદારી વગેરે એમની પર્સનલ લાઇફ પર કેવી રીતે અસર કરે છે તે લગભગ વાસ્તવિક લાગે એ રીતે ઘણા સમય બાદ કોઇ હિન્દી ફિલ્મમાં જોવા મળ્યું છે. પરંતુ માત્ર કેમેરાની ફ્રેમ પરફેક્ટ હોય એનાથી ફિલ્મ થોડી પરફેક્ટ બને?!

મંત્રીશ્રીનાં અન્ય ખાતાંની કામગીરી

આગળ કહ્યું એમ જેકી ભગનાણી યુવાનેતાના રોલમાં કન્વિન્સિંગ લાગે છે (“રાજનીતિ’ના રણબીર જેવી કોટીમાં એ ક્યૂટ પણ લાગે છે). ફારુકસા’બ એઝ ઓલ્વેઝ, એમના રોલમાં પરફેક્ટ. નેહા શર્મા દેખાવે સરસ છે, પણ વારે વારે સ્ક્રીન પર આવીને પ્રધાનમંત્રીના કામ અને ફિલ્મના ફ્લોમાં અવરોધ જ પેદા કરે છે. ધ્યાન ખેંચે એવું કામ ‘મદ્રાસ કેફે’માં ‘બાલા’ના રોલમાં દેખાયેલા પ્રકાશ બેલાવાડીનું છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નો જાડિયો કાયોઝ ઈરાનીનો પણ એક નાનકડો રોલ અહીં છે. 137 મિનિટ્સની આ ફિલ્મમાં થેંકફુલ્લી માત્ર ચાર જ ગીતો છે, જેમાં ‘સૂનો ના સંગેમરમર’ અને  કવ્વાલી ‘જંગ બક્ષ’ સારાં બન્યાં છે.

આ યંગિસ્તાનને વોટ આપવો કે નહીં?

સારો સિંગલલાઇન પ્લોટ ધરાવતી આ ફિલ્મ વેસ્ટેડ ઓપોર્ચ્યુનિટી છે, પરંતુ આ શુક્રવારે રિલીઝ થયેલી બાકીની બે ફિલ્મો ‘ઢિશ્કિયાંઉં’ અને ‘ઓ તેરી’ કરતાં તો ક્યાંય ઓછી ખરાબ છે. આ યંગિસ્તાનમાં એનર્જી નથી, પણ એટલિસ્ટ ફારુખ શેખ સા’બ માટે ધક્કો ખાઇ શકાય.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s