રાગિણી MMS 2

ચમડી બતાવીને દમડી ઉસેટવાનો ખેલ

***

સન્ની લિયોનીની પોર્નસ્ટારની ઇમેજ વટાવી ખાવા માટે બનેલી આ ફિલ્મ મુખ્ય ભૂત એક જ છે, કંટાળો!

***

03-ragini-mms22009માં અમેરિકામાં એક ફિલ્મ આવેલી ‘પેરાનોર્મલ એક્ટિવિટી’, જે આખી હેન્ડહેલ્ડ કેમેરાથી શૂટ થઇ હોય એવા શેકી વીડિયોઝની બનેલી હતી. અત્યંત ઓછા બજેટની એ ફિલ્મ રાતોરાત સુપરહિટ થઇ ગયેલી. એની લોકપ્રિયતાની રોકડી કરવા માટે બે વર્ષ પછી 2011માં આપણે ત્યાં પણ એવી જ હોરર ફિલ્મ બની, ‘રાગિણી એમએમએસ’. આ અઠવાડિયે એની સિક્વલ ‘રાગિણી એમએમએસ 2’ રિલીઝ થઇ છે, પરંતુ તેમાં હોરર કરતાં વધુ પ્રમોશન તેની હિરોઇન સન્ની લિયોનીનું કરવામાં આવ્યું છે.

ભૂત મળે, પણ સ્ટોરી ન મળે!

રાગિણી એમએમએસ જે સ્થળે શૂટ થયેલી, એ ‘શાપિત’ મકનમાં રોક્સી (પરવીન દબાસ) નામનો છેલબટાઉ ડિરેક્ટર એ જ નામની પાછળ બગડો લગાડીને નવી હોરેક્સ (એટલે કે હોરર પ્લસ સેક્સ) ફિલ્મ બનાવવા માગે છે. આ માટે એણે એક પોર્નસ્ટાર સન્ની લિયોનીને મુખ્ય હિરોઇન તરીકે લીધી છે. પોતાના પાત્રને વધુ રિઅલ બનાવવા માટે સન્ની મુંબઇની એક મેન્ટલ હોસ્પિટલમાં રહેલી ઓરિજિનલ રાગિણી (કૈનાઝ મોતીવાલા)ને મળવા પણ જાય છે. પરંતુ ત્યાં રાગિણી વિચિત્ર રીતે વર્તન કરીને સન્ની પર હુમલો કરી દે છે.

ત્યારબાદ દહાણુ પાસેના એ અવાવરુ બંગલામાં એ ફિલ્મનું શૂટિંગ શરૂ થતાંની સાથે જ તેના કલાકારોને ચિત્રવિચિત્ર અનુભવો થવાના શરૂ થઇ જાય છે. બીજી બાજુ, મુંબઇમાં એક સાઇકાયટ્રિસ્ટ (દિવ્યા દત્તા) આવા સાયન્સની વ્યાખ્યામાં ન આવતા કેસીસ પર રિસર્ચ કરે છે અને એમને આ કેસમાં રસ પડે છે. એમનાં રિસર્ચમાં જ ભૂતકાળનું એક ખોફનાક રહસ્ય બહાર આવે છે. હવે એની સામે ચેલેન્જ છે એ ભૂતાવળને વધુ લોકોના ભોગ લેતી રોકવાની.

શોક, સાઉન્ડ અને સેક્સ

સ્પષ્ટ છે કે આ ફિલ્મ રાગિણી એમએમએસના પહેલા ભાગ અને પોર્નસ્ટાર સન્ની લિયોનીની ‘લોકપ્રિયતા’ને વટાવી ખાવા માટે જ બનાવાઇ છે. આગળ ફિલ્મને સમજવા માટે તેની સ્ટોરી રૂપે ભલે બે પેરેગ્રાફ લખ્યા હોય, પરંતુ આ ફિલ્મમાં સ્ટોરીના નામે કશું પણ નાખી શકાયું હોત. આખી ફિલ્મમાં દર બીજા સીનમાં કેમેરા ઇરાદાપૂર્વક સન્ની લિયોનીના શરીરનાં વળાંકો પર જ ફરે છે. એટલું જ નહીં, બિનજરૂરી સ્કિન શો અને સેક્સ સીન્સ ફિલ્મમેકર્સનો ‘ચમડી બતાવીને દમડી ઉસેટવા’નો ઇરાદો સ્પષ્ટ કરી દે છે.

કોઇને ડરાવવા માટે દરવાજા પાછળ છુપાઇને અચાનક ‘બૂ…’ કરીને આઘાત આપવાની ટ્રિક વર્ષો જૂની છે. કમનસીબે આ ફિલ્મના બધા જ, રિપીટ બધા જ સીન્સમાં એ જ બાલિશ ટ્રિક વપરાઇ છે. ઉપરથી કહેવાતા ડરનો માહોલ બનાવવા માટે અમર મોહિલેએ ઘોંઘાટિયું બેકગ્રાઉન્ડ સંગીત મૂક્યું છે.

આ ફિલ્મનાં ટાઇટલ ક્રેડિટ્સમાં હનુમાન ચાલીસા મુકાઇ છે, જે નવો પ્રયોગ છે. એ જોઇને આશા બંધાય છે કે ફિલ્મમાં આગળ ઉપર કંઇક ખરેખર શોકિંગ અને ડરામણું જોવા મળશે. પરંતુ પૂરા બે કલાકની પણ નથી એવી આ ફિલ્મ એટલી ધીમી ગતિએ આગળ વધે છે કે તમે કંટાળાથી પણ કંટાળી જાઓ! એવું કહી શકાય કે ધીમી ગતિ જ આ ફિલ્મની સૌથી મોટી ભૂતાવળ છે. ફિલ્મની પહેલી કલાકમાં અલપઝલપ દેખાતા ભૂત અને સન્ની લિયોનીના સ્કિન શો સિવાય બીજું કશું જ બનતું નથી. એકની એક ટ્રિક વાપરીને ડરાવવાની રીત થોડી જ વારમાં કટાઇ જાય છે અને પબ્લિકને હોરર સીન્સમાં ડરને બદલે હસવું આવવા લાગે છે. ઉપરથી એડલ્ટ મસાલો છાંટવા માટે ગંદી હરકતો ને ‘યે તો પોર્નો સે ઋતુપોર્નો હો ગઇ’ જેવા સસ્તા સંવાદો છાંટવામાં આવ્યા છે.

આપણને આઘાત લાગે કે પરવીન દબાસ તો ઠીક પણ સંધ્યા મૃદુલ અને દિવ્યા દત્તાં જેવી સશક્ત અદાકારાઓએ આવી ભંગાર ફિલ્મમાં તદ્દન ફાલતુ રોલ્સ શા માટે સ્વીકાર્યા હશે. ફિલ્મની પોઝિટિવ સાઇડમાં માત્ર એટલું જ કહી શકાય કે તેનાં બે ગીતો ‘બેબીડોલ મૈં સોને કી’ અને ‘ચાર બોતલ વોડકા’ સાંભળવાની મજા પડે એવું છે, પરંતુ એ બે ગીતો માટે આખી ફિલ્મ સહન થાય એવું જરાય નથી.

આ એમએમએસ ડિલીટ કરી નાખજો!

રાગિણી એમએમએસ-2માં બે-પાંચ મિનિટના એમએમએસમાં કહી શકાય એવડી સ્ટોરીને બે કલાકની ફિલ્મમાં ખેંચી છે. ઉપરથી સન્ની લિયોનીને કારણે થિયેટરમાં સતત વલ્ગર કમેન્ટ્સ ઊછળતી રહે છે. આમ તો આ ‘એ’ સર્ટિફિકેટવાળી ફિલ્મ છે, એટલે બાળકોને તો પ્રવેશ નહીં મળે, પરંતુ ખરેખર તો આ ફિલ્મ કોઇપણ ઉંમરની વ્યક્તિ માટે સ્યૂટેબલ નથી! ઇન શોર્ટ, ફિલ્મમાં હોરરના નામે કચરો છે અને સન્ની લિયોનીના ચાહકો તો તેની કોઇ ‘જુદા જ પ્રકારની’ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. એટલે મહેરબાની કરીને આ ફિલ્મથી દૂર જ રહેજો.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s