ભૂતના નામે ફારસનું કલેક્શન
***
ભૂતોની ક્રિકેટ ટીમ બનાવવી હોય એટલાં જથ્થાબંધ ભૂત ભેગાં મળીને પણ એક સારી ફિલ્મ બનાવી શક્યાં નથી.
***
ધારો કે, તમારી બાજુમાં રહેતાં બંગાળી મિશ્ટિબેન કોઇ બંગાળી વાનગી બનાવે છે. એ જોઇને આપણાં (એટલે કે પોતપોતાનાં) શ્રીમતીજી એ જ રેસિપી પરથી પોતાની સ્ટાઇલમાં વાનગી બનાવે, ત્યાં સુધી તો સમજી શકાય. પરંતુ મૂળે એ બંગાળી વાનગી જ સાવ ભંગાર હોય તો એનું નવું વર્ઝન ક્યાંથી સારું બનવાનું? કૂવામાં હોય તો હવાડામાં આવે ને! બસ, એવી જ સ્થિતિ આ શુક્રવારે રિલીઝ થયેલી બીજી ભૂતપ્રેતની ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’ની થઇ છે. 2012માં આવેલી બંગાળી ફિલ્મ ‘ભૂતેર ભવિષ્યત’ની ફ્રેમ બાય ફ્રેમ રિમેક એટલે ગેંગ ઓફ ઘોસ્ટ્સ. મૂળ એ બંગાળી ફિલ્મ જ નબળી પોટબોઇલર મુવી છે, પછી તેની હિન્દી રિમેકમાં શી ભલીવાર હોય!
ભૂત જુડતે ગયે, ભૂતબંગલા બનતા ગયા
‘કહાની’ ફિલ્મમાં સાત્યકિ બનેલો પરંબ્રત ચેટર્જી એક નવોદિત ડિરેક્ટર છે, જે પોતાની પહેલી જ ફિલ્મ માટે એક સો વરસ જૂના ભૂતિયા બંગલામાં શૂટિંગ માટેનું લોકેશન જોવા આવે છે. પરંતુ ત્યાં એને એક સ્ટ્રગલ ફિલ્મ રાઇટર રાજુ (શરમન જોશી) મળે છે, જે કહે છે કે મારી પાસે ભૂતોની એક ફેન્ટાસ્ટિક સ્ટોરી છે. શરમન પરંબ્રતને સ્ટોરી સંભળાવવી શરૂ કરે છે. કે એ ભૂતબંગલાના માલિક રાયબહાદૂર ગૈંદામલ હેમરાજ (અનુપમ ખેર)ને એની મિલના કામદારો બંગલા સાથે જીવતો સળગાવી મારે છે. ગૈંદામલનો નાનો ભાઇ ગુલાબચંદ (ચંકી પાંડે) બગડેલો રઇસઝાદો છે, જેના પ્રેમમાં દેવદાસી બનીને ફિલ્મની હિરોઇન મનોરંજના કુમારી (માહી ગિલ) આત્મહત્યા કરે છે. આ બધાં એક પછી એક મૃત્યુ પામે છે અને ભૂત બનીને એ બંગલામાં ભેગાં થાય છે.
પરંતુ સમય વીતતાં મુંબઇમાં જૂની ઇમારતો તૂટીને, વૃક્ષો કપાઇને તેની જગ્યાએ નવાં મૉલ, મલ્ટિપ્લેક્સ, સ્કાયસ્ક્રેપર્સ બનવા લાગે છે અને ભૂતો બિચારાં બેઘર થઇ જાય છે. એટલે ભૂતભાઇ અનુપમ અને બીજા એક અંગ્રેજ ભૂતભાઇ મિસ્ટર રામસે મળીને નક્કી કરે છે કે આપણા બંગલાને આપણે ભૂતોનું અનાથાશ્રમ જેવું બનાવવું, જ્યાં બેઘર ભૂતો બિન્ધાસ્ત રહી શકે. આ માટે ઇન્ડિયન આઇડલ સ્ટાઇલમાં એક ઇન્ટરવ્યૂ ગોઠવાય છે, જેમાં ભાંતિ ભાંતિના ભૂતો આવે છે અને કેટલાંક ફાઇનલી સિલેક્ટ પણ થાય છે. સિલેક્ટ થયેલાં ભૂતોમાં સૌરભ શુક્લા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અસરાની, એક યુવા કન્યા (નવોદિત મીરાં ચોપરા) અને એક હરિયાણવી ગિટારિસ્ટનો સમાવેશ થાય છે. થોડી નોકઝોંક અને પેલી હિરોઇન માહી ગિલની પાછળ ભૂતોની લટ્ટુગીરી પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કે એક બિલ્ડર નામે ભૂતોરિયા (રાજેશ ખટ્ટર) એ બંગલો ખરીદીને તેની જગ્યાએ મૉલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. એટલે બધાં જ ભૂત ભેગાં મળીને એ બિલ્ડરને રોકવા માટે એક ખૂનખાર ભાઇના ભૂત બાબુ હાથકટા (જેકી શ્રોફ)ને સુપારી આપે છે. પછી આગળ ઉપર આ આખી ભૂત કંપની પોતાનું ઘર બચાવી શકે છે કે કેમ અને જે ડિરેક્ટર (પરંબ્રત) આ સ્ટોરી સાંભળી રહ્યો છે, તેનું શું થાય છે એ વાત ક્લાઇમેક્સમાં આવે છે.
થોડી કોમેડી, ખૂબ બધા લોચા
‘રાગિણી એમએમએસ-2’ એટલી બાલિશ ફિલ્મ છે કે તમને ડરવાને બદલે હસાવે છે, જ્યારે આ ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’ તમને હસાવવાના પ્રોમિસ સાથે જ બની છે. પરંતુ અહીં પણ એ જ લોચા છે. ફિલ્મમાં એટલાં બધાં પાત્રો છે કે જેનાં ઇન્ટ્રોડક્શનમાં જ ઇન્ટરવલ પડી જાય છે. એટલે ખરેખર સ્ટોરી તો ઇન્ટરવલ પછી જ શરૂ થાય છે. એક તો ફિલ્મની વાર્તા જ નબળી છે, ઉપરથી પડ્યા પર પાટું મારતા હોય એ રીતે ફિલ્મમાં સાત ગીતો ઠપકારવામાં આવ્યાં છે. અને સમ ખાવા પૂરતું એક પણ ગીત સારું બન્યું નથી.
હા, ફિલ્મને ન્યાય કરવા માટે એટલું કહેવું પડે કે તેના રાઇટિંગમાં વનલાઇનર્સના ચમકારા છે (જોકે ત્રણેક ઠેકાણે અશ્લીલ વનલાઇનર્સ નિવારી શકાયા હોત). છૂટક છૂટક સીન્સ પણ સારા બન્યા છે. પરંતુ મૂળે વાર્તા જ નબળી હોય, તો સ્ટીવન સ્પીલબર્ગ પણ સારી ફિલ્મ ન બનાવી શકે, જ્યારે આ તો સતીષ કૌશિકની ફિલ્મ છે! વધુ પડતાં ગીતોને કારણે મૂળ બંગાળી ફિલ્મ નબળી પડી ગયેલી એ વાતની જાણ હોવા છતાં સતીષભાઇએ આટલાં બધાં અને એ પણ આટલાં ગંદાં ગીતો શા માટે ફિલ્મમાં ઠાંસ્યાં હશે એ જ સમજાતું નથી. જો ગીતો પર કાતર ચલાવીને ફિલ્મની વાર્તાને ફટાફટ આગળ ચલાવી હોત તો ફિલ્મ સારી બની શકી હોત.
વળી, એન્સેમ્બલ કાસ્ટ તરીકે એટલાં બધાં કલાકારો ફિલ્મમાં છે કે દરેકના ભાગે થોડી થોડી મિનિટ્સ જ આવી છે. એટલામાં માત્ર સૌરભ શુક્લા અને માહી ગિલ જ આપણું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે, બાકીનાં લોકોએ બસ પોતાના ભાગે આવેલું પાત્ર નિભાવી જાણ્યું છે. ફિલ્મની શરૂઆતમાં અન્ય હોરર ફિલ્મોની મજાક ઉડાવવામાં આવી છે કે તેમાં લોજિક હોતું નથી, પરંતુ ખુદ આ જ ફિલ્મમાં લોજિકને દેશવટો આપી દેવાયો છે. ફોર એક્ઝામ્પલ, ભૂત પોતાને મનફાવે ત્યારે અદૃશ્ય રહે અને મન ફાવે ત્યારે ગમે તેને દેખાય, એવું?!
હા, ફિલ્મનો મેસેજ સારો છે, કે આપણા વારસાને ભૂલીને આડેધડ ઇમારતો બાંધીને આપણે આપણું પોતાનું જ નુકસાન કરી રહ્યા છીએ. પરંતુ જો મેસેજ માત્રથી સારી ફિલ્મ બનતી હોત તો એન્ટિ સ્મોકિંગ કેમ્પેઇન પણ સિલ્વર જ્યુબિલી થતાં હોત!
એક તક ભૂતને આપવા જેવી ખરી?
ના, જરાય નહીં. જો આ વીકએન્ડ પર ખાલી ટાઇમપાસ કરવા માટે ફિલ્મમાં જવું હોય તો ગેંગ ઓફ ઘોસ્ટ્સમાં લગભગ સવા બે કલાક બગાડી શકાય, બાકી ઘરે બેઠાં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ જોવો વધારે ફાયદાનો સોદો સાબિત થશે.
રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.