કાળા વાદળની રૂપેરી કોર

***

હોલિવૂડની ઇટ પ્રે લવના ભારતીય જવાબ સમી કંગના રણૌતની ક્વીન પરફેક્ટ વુમન્સ ડે ફિલ્મ છે. ગો ફોર ઇટ!

***

queen-poster_139291112600એલિઝાબેથ ગિલ્બર્ટ નામની અમેરિકન લેખિકાના પતિએ એને ડિવોર્સ આપી દીધા પછી ભાંગી પડેલી એલિઝાબેથે ભારત સહિત ત્રણ દેશની મુસાફરી કરી. ત્યાં એને જે અનુભવો થયા- જે મિત્રો મળ્યાં, એના પરથી એણે પુસ્તક લખ્યું, ‘ઇટ પ્રે લવ’. આ પુસ્તક સુપર બેસ્ટસેલર બન્યું અને એના પરથી જુલિયા રોબર્ટ્સને લઇને એ જ નામની ફિલ્મ પણ બની. ‘લિઝ’ તરીકે ઓળખાતી એલિઝાબેથ રાતોરાત સ્ટાર લેખિકા બની ગઇ. જો ડિવોર્સ ન થયા હોત તો એલિઝાબેથની જિંદગી આ હદે પલટાઇ ન હોત. વિકાસ બહલે કંગના રણૌતને લઇને બનાવેલી ‘ક્વીન’ જાણે ‘ઇટ પ્રે લવ’નો જડબાતોડ ભારતીય જવાબ હોય એવી અદભુત ફિલ્મ છે.

કહતા હૈ દિલ, જી લે ઝરા…

દિલ્હીમાં રહેતી રાની (કંગના રણૌત) ચોવીસ વર્ષની કોડીલી કન્યા છે, જેના હાથમાં લગ્નની મહેંદી મુકાઇ રહી છે. ઘરમાં લગ્નની બધી જ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે. પરંતુ છેક છેલ્લી ઘડીએ રાનીનો મંગેતર વિજય (રાજકુમાર રાવ) આવીને કંગનાને કહે છે કે મારે તારી સાથે લગ્ન નથી કરવાં, યુ આર નોટ માય ટાઇપ. રાની અને એના પરિવારજનોની માથે આકાશ તૂટી પડે છે. બિચારીએ તો પેરિસ-આમ્સટર્ડેમ હનિમૂનમાં જવાનું બુકિંગ પણ કરાવી નાખેલું.

પરંતુ અચાનક આંસુ લૂંછીને કંગના કહે છે, ભલે મારાં લગ્ન ન થયાં, પણ હું એકલી હનિમૂનમાં જઇશ. અને એ ઉપડી જાય છે. પેરિસની હોટલમાં એ ભારતીય મૂળની હોટલ એમ્પ્લોયી વિજયાલક્ષ્મી (લિઝા હેડન)ને મળે છે અને એની સાથે દોસ્તી થઇ જાય છે. વિજયાલક્ષ્મી સાથે પેરિસ જોયા બાદ એ ત્યાંથી આમ્સર્ડેમ જાય છે. પરંતુ ત્યાં એને ત્રણ જુવાનિયાંવ સાથે રૂમ શેર કરવો પડે છે. જેપનીસ, રશિયન અને એક બ્લેક ફ્રેન્ચ યુવાન સાથે એ એક રૂમમાં રહેવા માટે પહેલાં તો ખચકાય છે, પણ ધીમે ધીમે એમની સાથે એની દોસ્તી થઇ જાય છે. આ સફરમાં રાની એટલે કે કંગના એક ઇટાલિયન રેસ્ટોરાં ઑનર અને એક પાકિસ્તાની મૂળની પ્રોસ્ટિટ્યૂટને પણ મળે છે.

આ દરમિયાન અચાનક એના મંગેતર વિજયનું હૃદયપરિવર્તન થઇ જાય છે અને એ કંગનાને ‘સોરી સોરી’ કહીને ફરીથી એની સાથે લગ્ન કરવા વિનવવા માંડે છે. પરંતુ આ આખી સફરમાં અજાણી જગ્યાએ અજાણ્યાં લોકોની વચ્ચે રહીને કંગના પોતાની જાતને પારખે છે, અને એનું રૂપાંતર એક ભીરૂ યુવતીમાંથી કોન્ફિડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ યુવતીમાં એનું ટ્રાન્સફોર્મેશન થાય છે.

લોગ જુડતે ગયે કારવાં બનતા ગયા

વુમન્સ ડે નિમિત્તે આ વખતે ‘ગુલાબ ગેંગ’ની સાથે રિલીઝ થયેલી કંગના રણૌતની ફિલ્મ ‘ક્વીન’ બીજી વુમન ઓરિએન્ટેડ મુવી છે. કંગના એકલા હાથે કેટલી અસરકારકતાથી આખી ફિલ્મ ઊંચકી શકે છે એનો ‘ક્વીન’ પરફેક્ટ દાખલો છે. બોલવાની લઢણ, શરૂઆતમાં ભીરુ અને પછી ક્રમશઃ કોન્ફિડન્ટ થતી જતી બોડી લેંગ્વેજ, દારૂના નશામાં એની બોલવાની ઢબ, એનું કોમિક ટાઇમિંગ, કશું ન બોલીને પણ વાત કહી દેવાની કળા… આ બધામાં કંગના પૂરેપૂરા માર્ક્સ લઇ જાય છે.

આ ફિલ્મ કમિંગ ઓફ એજ પ્રકારની ફિલ્મ છે. મતલબ કે અનુભવોની કસોટીમાંથી પસાર થતું જતું પાત્ર ધીમે ધીમે મેચ્યોર થઇને નવું જ વ્યક્તિત્વ ધારણ કરે છે. પરંતુ આ મેસેજ ફિલ્મમાં ક્યાંય ખોટી ડાયલોગબાજીથી ઘોંઘાટિયા રીતે નથી કહેવાયો, બલકે કશું જ કહ્યા વિના આપી દેવાયો છે. ઇટ પ્રે લવ ઉપરાંત ઘણા લોકોને આ ફિલ્મમાં અગાઉ આવી ચૂકેલી કોકટેઇલ, જબ વી મેટ કે ઇંગ્લિશ વિંગ્લિશની પણ છાંટ દેખાશે. પરંતુ આ ફિલ્મ જરાય ફિલ્મી થયા વિના એકદમ નેચરલી કેવી રીતે એક સતત પ્રોટેક્ટિવ શિલ્ડમાં ઉછરેલી યુવતી પોતાની જાતને ઓળખે છે તેની વાત કરે છે. ઇન ફેક્ટ, ફિલ્મમાં ઘણા મેસેજ એકદમ સટલી (subtly) અપાયા છે, જો તમે એ બધા સંદેશા ઝીલી શકો તો એ તમારા જ ફાયદામાં છે.

જાણ્યે અજાણ્યે આપણને (ખાસ કરીને દીકરીઓને) એવું શીખવવામાં આવે છે કે એણે દબાઇને, ચુમાઇને રહેવું. અજાણ્યા લોકો સાથે ઝાઝું હળવા મળવાનું નહીં. આને કારણે બહારની દુનિયાથી આપણે એક અજાણ્યો ભય અનુભવવા માંડીએ છીએ અને સતત કોઇની છત્રછાયામાં જીવવાનું મન થયે રાખે છે. આ ક્વીન ફિલ્મ આપણને એ અજાણ્યા ભયના સકંજામાંથી મુક્ત થવાનો મેસેજ પણ આપે છે. આપણી અંદર શું પડ્યું છે એ આપણે બહાર નીકળીએ તો જ ખબર પડે.

કો-પેસેન્જર્સ

ફિલ્મમાં એક પછી એક પાત્રો ધીમે ધીમે આવતાં જાય છે, પરંતુ પડદા પર ક્યાંય ગિર્દી લાગતી નથી અને દરેક પાત્ર એટલું સુંદર રીતે લખાયેલું છે કે એ પડદા પર ન હોય ત્યારે તમે રીતસર એને મિસ કરો. કંગનાનાં વિદેશી મિત્રો, એની દાદી, એનો છોટુમોટુ ભાઇ… બધા જ. અહીં કંગનાના મંગેતર બનતા રાજકુમાર રાવનો ખાસ ઉલ્લેખ કરવો પડે, કેમ કે એના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી, તેમ છતાં એણે આવો રોલ સ્વીકાર્યો એ બદલ એને દાદ આપવી પડે. એ પણ કાય પો છે અને શાહિદમાં અદભુત એક્ટિંગ કર્યા પછી તો ખાસ.

ફિલ્મમાં કંગનાએ ડાયલોગ રાઇટિંગમાં અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે એડિટિંગમાં પણ હાથ અજમાવ્યા છે, એ બદલ એ બંનેને પણ માર્ક્સ આપવા પડે. હા, ફિલ્મ થોડી સ્લો છે અને એવરેજ દર્શકોને તો ખાસ્સી સ્લો લાગશે. થોડું એડિટિંગ કરાયું હોત તો માસ અને ક્લાસ બંનેને સંતોષી શકાયા હોત. અમિત ત્રિવેદીએ અગેઇન એકદમ ફ્રેશ મ્યુઝિક આપ્યું છે, પરંતુ એ શબ્દોના ઉચ્ચારો થોડા સંભળાય અને સમજાય એવા કરે, તો વધુ મજા પડે.

ક્વીનની સવારીને પોંખવી કે નહીં?

બિલકુલ, આ ક્વીન આપણે ત્યાં અત્યંત દુર્લભ છે એવી મેચ્યોર પ્રકારની ફિલ્મ છે. બિલકુલ ઓપન માઇન્ડથી શાંતચિત્તે આ ફિલ્મ જોવા જશો તો ખાસ્સા નવા ઉદાર વિચારો લઇને બહાર નીકળશો. એટલું જ નહીં, કંગના રણૌતને એક જોરદાર ટેલેન્ટેડ એક્ટર તરીકે પણ માનભેર જોતા થઇ જશો. આ ક્વીન કહે છે કે જો તમારે ખરેખર કશુંક કરવું જ હોય, તો કોઇ તમને રોકી શકતું નથી. અત્યારે કરવા જેવું કામ એ છે કે, આ ફિલ્મ જોઇ આવો! હાઇવે પછી આવેલી બીજી અદભુત ફિલ્મ.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s