ગુલાબ ગેંગ

સ્ત્રીસંઘર્ષની બ્લેક એન્ડ વ્હાઇટ દાસ્તાન

***

માધુરી અને જુહીની દમદાર એક્ટિંગવાળી આ ફિલ્મ વીમેન એમ્પાવરમેન્ટ માટે કોઇ જ નક્કર વાત રજૂ કરતી નથી.

***

gulaab_gang_ver4_xlgસ્ત્રીઓને પગની જૂતી અને માત્ર ઉપભોગનું સાધન સમજતા પુરુષવાદી સમાજની સામે ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં સંપત પાલ દેવી નામની મહિલાએ માથું ઊંચક્યું હતું (એમણે જ આ ફિલ્મ સામે કોર્ટમાં અરજી કરેલી). એમણે ગુલાબી સાડી પહેરેલી સ્ત્રીઓની એક ટીમ બનાવી અને સ્ત્રીઓ સામે થતા અત્યાચારો રોકવા પ્રયાસ કરેલો. જે પુરુષો સમજાવટથી માને નહીં એમને એકે47 રાઇફલથી ઠાર મારવાના. એ ‘ગુલાબી ગેંગ’ પરથી પ્રેરણા લઇને સૌમિક સેન અને પ્રોડ્યુસર અનુભવ સિંહાએ ‘ગુલાબ ગેંગ’ ફિલ્મ બનાવી છે. પરંતુ સ્ત્રીઓને સશક્ત કરવાનો મેસેજ આપવાને બદલે આ ફિલ્મ માત્ર ગુડ વર્સસ ઇવિલનો ફિલ્મી જંગ બનીને રહી જાય છે.

નારી તેરી યહી કહાની

આ દુનિયા સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વહેંચાયેલી છે, પરંતુ આજની તારીખે પણ સ્ત્રીઓને સેકન્ડ સેક્સ તરીકે જ જોવામાં આવે છે. બહાર દુનિયામાં કશું ઉકાળી ન શકતા પુરુષો સ્ત્રીઓ પર હાથ ઉપાડીને પોતાનો ઇગો સંતોષે છે. એવા કાપુરુષોના સમાજમાં જન્મેલી રજ્જો દેવી (માધુરી દીક્ષિત) નાનપણથી જ પુરુષોનું હિંસક આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કરી દે છે. સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાથી લઇને દહેજ અને બળાત્કાર જેવા અનેક અત્યાચારોથી ત્રાસીને રજ્જો ગુલાબી સાડી પહેરેલી સ્ત્રીઓની ટૂકડી ‘ગુલાબ ગેંગ’ બનાવે છે. એ પોતાના જેવી હિંમતવાન અને દુખિયારી સ્ત્રીઓને એકઠી કરે છે, એમને લાકડી, ધારિયાં જેવાં હથિયાર ચલાવવાની અને લડવાની તાલીમ આપીને તૈયાર કરે છે. ગામમાં કોઇપણ સ્ત્રી પર અત્યાચાર થાય, ભ્રષ્ટાચાર થાય, વીજળી-અનાજ ન આવે, તો આ ગેંગ પોતાનો પરચો બતાવે અને પ્રોબ્લેમ સોલ્વ કરી દે. સ્વનિર્ભર થવા માટે આ ગુલાબ ગેંગ ગુલાબી રંગની સાડીઓ બનાવે અને મસાલા તૈયાર કરીને વેચે. સાથોસાથ ગામની દીકરીઓને પણ ભણાવે. ગુલાબ ગેંગની લીડર રજ્જો દેવીનું સપનું છે કે ગામમાં દીકરીઓ માટે એક પાકી સ્કૂલ તૈયાર થઇ જાય.

પરંતુ રજ્જોના માર્ગમાં સુમિત્રા દેવી બાગરેચા (જુહી ચાવલા) નામની પહાડ જેવડી મુશ્કેલી આવે છે. સુમિત્રા દેવી નાક દબાવીને નહીં નાક કાપીને મોઢું ખોલાવનારી ટિપિકલ ઇન્ડિયન પોલિટિશિયન છે. એમના વિશે આપણને એવી અછડતી માહિતી અપાય છે કે એમણે પોતાના પતિદેવને પણ ભેદી રીતે પતાવી દીધો છે. રજ્જોનો વધતો પાવર અને પોપ્યુલારિટી જોઇને એ એને પોતાની સાથે ભળી જવાની ઓફર કરે છે, પણ ખતરો પામી ગયેલી રજ્જો સુમિત્રાની સામે ચૂંટણીમાં ઊભી રહે છે. પરંતુ પહોંચેલી માયા એવી સુમિત્રા દેવી ઇલેક્શન વોટિંગમાં ઘાલમેલ કરીને જીતી જાય છે. અધૂરામાં પૂરું રજ્જોની કમર તોડી નાખવા માટે એની સાથીદારોને એક પછી એક ખતમ કરાવવા માંડે છે અને ખુદ રજ્જો પર પણ જીવલેણ હુમલા કરાવે છે.

વીમેન એમ્પાવરમેન્ટ કે નામ પર

આ મહિલા દિનના ટાણે રિલીઝ થયેલી ગુલાબ ગેંગમાં એક જમાનાની બે ધરખમ અભિનેત્રીઓ માધુરી અને જુહી પહેલી વાર એકબીજાની સામે ટકરાઇ છે. એમાંય માધુરી (રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લજ્જા’ને બાદ કરતાં) અગાઉ ક્યારેય આટલા બોલ્ડ-એક્શન પેક્ડ રોલમાં દેખાઇ નથી. એટલું જ નહીં, અત્યાર સુધી નિર્દોષ ભૂમિકાઓ જ કરતી આવેલી જુહી પણ પહેલી જ વાર લુચ્ચી નેતાના નેગેટિવ રોલમાં દેખાઇ છે.

સૌમિક સેનની આ ગુલાબ ગેંગમાં પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ તદ્દન સિમ્પ્લિસ્ટિક છે અને બ્લેક એન્ડ વ્હાઇટમાં જ આખી વાત રજૂ કરે છે. ફિલ્મ જોઇને આપણને એવું જ લાગે કે વિશ્વના બધા જ પુરુષો ખરાબ છે અને જે સ્ત્રી પર અત્યાચાર થાય એણે કાયદાની મદદ લેવાને બદલે છરીચાકા લઇને પુરુષોને વેતરી નાખવા જોઇએ. ફિલ્મના એક દૃશ્યમાં માધુરી દુઃખી સ્ત્રીઓને જગાડવા માટે એવું કહે છે કે, ‘તેરા સાંઇ તુજ મેં હૈ, તુ જાગ સકે તો જાગ’, પરંતુ સ્ત્રીએ પોતાની સામે થતા અન્યાય વિરુદ્ધ લડવા માટે કેવી રીતે જાગવું એવો કોઇ ઉપાય આ ફિલ્મ બતાવતી નથી. કોઇ સ્ત્રી સામે પુરુષો અત્યાચાર કરે, તો ફિલ્મમાં તો ગુલાબ ગેંગ આવીને તેનો બદલો લે છે, પરંતુ રિયલ લાઇફમાં એક સ્ત્રીએ કેવી રીતે લડવું એનો કોઇ મેસેજ આ ફિલ્મ આપતી નથી. એના કરતાં રાજકુમાર સંતોષીએ પોતાની ફિલ્મો ‘લજ્જા’ અને  ‘દામિની’માં સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરેલો તે આના કરતાં ક્યાંય બહેતર હતો.

બીજો લોચો એ છે કે ગુલાબ ગેંગનો પાવર એસ્ટાબ્લિશ કરવા માટે બે કલાક ઉપરની આ ફિલ્મનો અડધો સમય તે તેઓ અલગ અલગ પ્રોબ્લેમ્સ કેવી રીતે ‘સોલ્વ’ કરે છે એમાં વેડફી નાખવામાં આવ્યો છે, જેને મૂળ વાર્તા સાથે કોઇ જ લેવાદેવા નથી. પરિણામે આખી ફિલ્મ ટૂકડા ટૂકડા જોડીને બનાવી હોય એવી લાગે છે અને એકદમ ધીમી ગતિએ આગળ વધે છે. વળી, ક્લાઇમેક્સ સુધી પહોંચતાં સુધીમાં સ્ટોરીનો એવો દાટ વળે છે કે ફિલ્મનો એકેય રંગ પરખાય એવો રહેતો નથી.

નારી શક્તિના પરચા

એવું નથી કે ફિલ્મમાં કોઇ પ્લસ પોઇન્ટ જ નથી. માધુરી દીક્ષિત અને જુહી બંનેનાં પરફોર્મન્સ એવાં દમદાર છે કે બંનેને દસમાંથી દસ માર્ક્સ આપવા પડે. ખાસ કરીને એક્શન સિક્વન્સિસમાં તો માધુરી એવી જામે છે કે આપણને અગાઉના ફિલ્મમેકર્સને પ્રશ્ન કરવાની ઇચ્છા થાય કે એને અગાઉ આવો રોલ કોઇએ કેમ ઓફર નહીં કર્યો હોય! જુહી ચાવલાને આપણે અત્યાર સુધી નિર્દોષ ક્યુટ રોલ્સમાં જ જોઇ છે. ફિલ્મમાં એની એન્ટ્રી પડે છે, ત્યારે એ પોતાની નિર્દોષતા છુપાવીને પરાણે લુચ્ચો ચહેરો કરી રહી હોય એવું લાગે છે. પરંતુ ધીમે ધીમે એની પોતાના પાત્ર પર પકડ વધે છે અને બિલકુલ છવાઇ જાય છે.

સપોર્ટિંગ કાસ્ટમાં ખાસ કરીને દિવ્યા જગદાલે અને પ્રિયંકા બોઝ અનુક્રમે હળવી અને જુસ્સાવાળી ક્ષણો પૂરી પાડે છે. તનિષ્ઠા ચેટર્જીનું કામ પણ ઓકે ઓકે છે. જ્યારે પુરુષોમાં તો એકપણ જાણીતા એક્ટરને લેવામાં નથી આવ્યા અને જેમને લેવાયા છે એમનું કામ બસ ટિપિકલ ખરાબ પુરુષનું ચિત્રણ કરવાનું જ છે.

લેખક-દિગ્દર્શક સૌમિક સેને આ ફિલ્મમાં મ્યુઝિક પર પણ હાથ અજમાવ્યો છે, પરંતુ એકાદ-બે ગીતને બાદ કરતાં મોટાં ભાગનાં ગીતો બસ, સમય બગાડે છે. ફિલ્મની શરૂઆતમાં ટાઇટલ ક્રેડિટ્સમાં બનાવાયેલું એનિમેશન ખરેખર સરસ છે.

આ મશાલ ઝાલવી કે નહીં?

જુઓ, ફિલ્મની દૃષ્ટિએ આ ફિલ્મ તદ્દન ઓર્ડિનરી ફિલ્મ છે. ફિલ્મમાં જોવા જેવું કંઇ હોય તો એની બધી જ ફિમેલ કેરેક્ટર્સનાં પરફોર્મન્સીસ દમદાર છે. ખાસ કરીને માધુરી અને જુહીની એક્ટિંગ માટે ફિલ્મને એક ચાન્સ આપવો ઘટે. બાકી ફિલ્મ જે મેસેજ આપવામાં નિષ્ફળ ગઇ છે, તે આપણે આપણી રીતે સમજી જઇએ તો વધારે સારું છે. સ્ત્રીઓ પુરુષોથી જરાય ઊતરતી નથી બલકે ચડિયાતી છે. જો આપણે કાલિ અને દુર્ગા માતાની પૂજા કરવાની પાત્રતા કેળવવી હોય તો દીકરીઓને માનભેર આ દુનિયામાં જન્મવા દઇએ અને માનભેર જીવવા દઇએ. અને હા, ફિલ્મ જોવા જાઓ તો છેલ્લે રોલિંગ ક્રેડિટ્સ વખતે આવતા વીમેન એમ્પાવરમેન્ટના કિસ્સા વિશે વાંચવા માટે પાંચેક મિનિટ ફાળવજો!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s