પેરેન્ટિંગ કે સાઇડ ઇફેક્ટ્સ
***
સ્માર્ટ ઓબ્ઝર્વેશન્સથી ભરપુર આ ફિલ્મ બિનજરૂરી રીતે એટલી બધી લાંબી થઇ ગઇ છે કે એટલા સમયમાં તો સાચુકલી શાદી પણ પૂરી થઇ જાય!
***
શાદી મતલબ દો આત્માઓં કા પવિત્ર બંધન, જનમ જન્માંતર કા સાથ, અગ્નિ કો સાક્ષી માનકર સાથ જીને-મરને કા વચન… આવી એકેય ઘિસીપિટી વાત આ ફિલ્મમાં નથી. પ્રેમમાં પડવું સારું લાગે, પણ એક વાર લગ્ન થઇ જાય અને મેરિડ લાઇફની વાસ્તવિકતા સામે આવે એટલે પ્રેમ સસ્તા ડિઓડરન્ટની જેમ ક્યાંય ઊડી જાય. આ વાતને સ્માર્ટ રીતે કહેતી સાકેત ચૌધરીની રોમકોમ (રોમેન્ટિક કોમેડી) ફિલ્મ ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સ્માર્ટ હોવા છતાં બિનજરૂરી લાંબી હોવાને કારણે બોરિંગ બનીને રહી જાય છે.
સ્ટોરી પધરાવો સાવધાન
અગાઉની પ્રિક્વલ ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’નાં પાત્રો સિદ્ધાર્થ રોય ઉર્ફ ‘સિદ’ (ફરહાન અખ્તર) અને ત્રિશા મલ્લિક (વિદ્યા બાલન) હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. એમની મેરિડ લાઇફ અત્યંત હેપ્પી છે, થેન્ક્સ ટુ સિદની સિમ્પલ ફોર્મ્યૂલા, વાંક બેમાંથી ગમે તેનો હોય, આપણે સોરી કહી દેવાનું! પણ ત્યાં જ ત્રિશા પ્રેગ્નન્ટ થાય છે અને બાળકના આગમન સાથે આખી હેપ્પી મેરિડ લાઇફનું શિર્ષાસન થઇ જાય છે. એક સમયે બંને જણાં પ્રેમી પંખીડાંની જેમ જીવતાં હતાં, પરંતુ હવે આખી લાઇફ બેબીની આસપાસ જ ફરવા માંડે છે. હવે બેબીનાં નેપી ચેન્જ કરવાં, બેબીને નવડાવીને તૈયાર કરવી, બેબીને બહાર ફરવા લઇ જવી વગેરે વાતો જ બંને વચ્ચે રહી જાય છે. અધૂરામાં પૂરું આ જ કારણોસર બંને વચ્ચે ઝઘડા પણ થવા માંડે છે.
એટલે સંકટ સમયની સાંકળની જેમ ફરહાન પોતાના સાઢુભાઇ રામ કપૂરની મદદ લે છે. રામભાઇ સલાહ આપે છે કે પત્ની પાસે કામનું બહાનું કાઢીને બે-ત્રણ દિવસ એકલા હોટલમાં રહેવા ભાગી જવાનું, સિમ્પલ! એટલે ગાડી પાટા પર આવી જશે. આ આઇડિયા થોડો સમય તો કામ લાગે છે, ત્યાં જ એક નવી મુસીબત ફરહાનની રાહ જોઇ રહી હોય છે. આવા એક પછી એક ખાડાટેકરામાંથી સિદ-ત્રિશાની મેરિડ લાઇફ આગળ વધતી રહે છે.
અનહેપ્પીલી એવર આફ્ટર
2006માં રાઇટર-ડાયરેક્ટરે રાહુલ બોઝ-મલ્લિકા શેરાવતને લઇને ફિલ્મ બનાવેલી, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’. ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ તેની સિક્વલ છે. એક્ચ્યુઅલી, આ ફિલ્મ શાદીની નહીં, બલકે મા-બાપ બન્યા પછી ઊભી થતી પેરેન્ટિંગની સાઇડ ઇફેક્ટ્સની વાત વધારે કરે છે.
રિલીઝ પહેલાં ફિલ્મના પ્રોમોઝ જોઇને એવું લાગતું હતું કે દુઃખી પતિ વર્સસ ફ્રસ્ટ્રેટેડ પત્ની વચ્ચેની આ નોકઝોંક એકદમ સ્માર્ટ રોમકોમ હશે. આ ફિલ્મ સ્માર્ટ છે, કેટલાંક ખરેખર સ્માર્ટ ઓબ્ઝર્વેશન્સ પણ લઇને આવે છે, જે તમને ખડખડાટ હસાવે પણ છે, પણ લગ્ન કરતાં વરઘોડો લાંબો ચાલે એની જેમ આ ફિલ્મ ખાસ્સી લાંબી થઇ ગઇ છે. ઉપરથી પ્રીતમનાં સાવ બોરિંગ સોંગ્સ આપણી મજાને સજામાં ફેરવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે.
આ ફિલ્મમાં આખી વાતને પુરુષના જ એન્ગલથી જોવામાં આવી છે. એટલે સ્ટોરી ટેલર પણ ફરહાન પોતે જ છે. આથી જ આખી વાત બેલેન્સ થતી નથી. એના કરતાં જો ટિટ ફોર ટેટની જેમ બંને પક્ષ તરફથી એકસાથે સ્ટોરી કહેવાઇ હોત તો વાત ઓર જામી હોત. વનસાઇડેડ હોવાના કારણે ફિલ્મના બધા જ સ્માર્ટ પંચ ફરહાનના ભાગે જ આવ્યા છે, જ્યારે વિદ્યા બાલનના ભાગે માત્ર ફ્રસ્ટ્રેટ અને દુઃખી થવાનું જ આવ્યું છે.
શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું આખું પેકેજિંગ શહેરી છે. ઉપરાંત ફિલ્મમાં રજૂ કરાયેલા પ્રોબ્લેમ્સ પણ વર્કિંગ કપલ્સને લાગુ પડે એવા જ રખાયા છે, એટલે તે એક અર્બન મલ્ટિપ્લેક્સ મુવી બનીને રહી જશે.
ફિલ્મમાં લગ્નજીવનમાં ત્રાસેલો ફરહાન રામ કપૂરની સલાહ લે છે, પણ એની સલાહોથી એ ઉલટાનો હેરાન થાય છે. આખી ફિલ્મ લગ્ન અને પેરેન્ટિંગ વિશેના જે ખ્યાલો રજૂ કરે છે એ એક હળવી ફિલ્મ માટે બરાબર છે, બાકી એને સિરિયસલી લઇને અમલ કરવા જઇએ તો આપણું ઘર ભાંગે એવી સ્થિતિ સર્જાય! આ ફિલ્મ વર્કિંગ અર્બન કપલ્સ માટે કોઇ સોલ્યૂશન રજૂ કરતી નથી બલકે ‘કામિયાબ શાદી કા કોઇ ફોર્મ્યૂલા નહીં હૈ, બસ એકદૂસરે સે સચ કહો’ એવું કહીને હાથ ખંખેરી નાખે છે.
રાઇટર-ડિરેક્ટર સાકેત ચૌધરીએ મેરિડ લાઇફનાં કેટલાંક ગજબ ઓબ્ઝર્વેશન્સ પકડ્યાં છે, જે આપણને ખડખડાટ હસાવવામાં સફળ થાય છે, પરંતુ આપણાં આ અટ્ટહાસ્યો લાંબાં ટકતાં નથી. કેમ કે, ફિલ્મની ધીમી ગતિ એ સ્માર્ટનેસને ખતમ કરી નાખે છે.
ફરહાન અખ્તર આખી ફિલ્મનો પ્રાણ છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ના માચો લૂકની સામે અહીં એ એકદમ યંગ ચોકલેટી લાગે છે. ફિલ્મમાં પત્ની વિદ્યા બાલનને ફરહાન ખોટું બોલતાં એવું કહે છે કે એ જાડી નહીં, પણ પરફેક્ટ લાગે છે. પરંતુ વિદ્યાબેન આપણાં સગામાં થતાં નથી, એટલે આપણે કહી જ શકીએ કે એ અત્યંત જાડી લાગે છે! વળી, એનું ડ્રેસિંગ પણ એવું છે, જેથી એ ઓર ભારેખમ લાગે છે.
ફિલ્મમાં મોડેથી એન્ટ્રી મારતો વીર દાસ ડૂબતી જતી ફિલ્મમાં ઓક્સિજન બનીને આવે છે, પણ એના ભાગે ઝાઝા સીન આવ્યા નથી. ઇન ફેક્ટ, ફિલ્મમાં રામ કપૂર, ઇલા અરુણ, રતિ અગ્નિહોત્રી કે પૂરબ કોહલી પણ જોવી ગમે એવી સ્ટારકાસ્ટ છે, પણ એમના ભાગે ખાસ કશું નોંધપાત્ર કરવાનું આવ્યું નથી.
ફિલ્મનાં પ્રોડ્યુસર્સ બાલાજી અને પ્રીતીશ નાંદીએ ખર્ચો કાઢવા માટે ફિલ્મમાં વધારે પડતાં સ્પોન્સર્સ લઇ લીધાં છે, જેમને જસ્ટિફાય કરવામાં આખી સ્ટોરી વારે વારે એ એન્ડોર્સ કરેલી પ્રોડકટ્સ બતાવવાની દિશામાં જ ફંટાતી રહે છે.
આ શાદીમાં ચાંલ્લો કરવો કે નહીં?
કંગાળ મ્યુઝિક, સ્લો પેસ, વધુ પડતી લંબાઇ અને વન સાઇડેડ સ્ટોરી જેવા ઓબ્વિયસ ખાડાટેકરા દૂર કરી દેવાયા હોત, તો આ ફિલ્મ ધમાકેદાર સ્માર્ટ રોમકોમ બની હોત. પરંતુ અત્યારે પણ સાવ બોરિંગ તો નથી જ. એટલે ફિલ્મ જોવા તો બેધડક જઇ શકાય. હા, સબ્જેક્ટ એવો છે એટલે તમારે થિયેટરમાં અંકલ-આન્ટીઝ, ન્યૂલી મેરિડ કપલ્સ અને આમથી તેમ દોડતાં બચ્ચાંલોગ સાથે ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે. ફિલ્મની વચ્ચે વચ્ચે ‘સો સ્વીટ’, ‘સો ક્યૂટ’, ‘ઑઑઑઑઑ…’ જેવા ઉદગારો સાંભળવાની પણ તૈયારી રાખવી પડશે. એટલે મેરિડ કપલ્સ તો અહીં પિરસાયેલા ઘણા પ્રશ્નો સાથે પોતાની જાતને આઇડેન્ટિફાય કરશે, પણ કુંવારા જુવાનિયાંવ માટે આ રોમકોમ ‘હોરર ફિલ્મ’ બની જાય એ શક્ય છે. એ લોકો લગ્નનો વિચાર જ માંડી વાળે અને ન્યૂલી મેરિડ કપલ્સ બાળક પ્લાન કરવાનું માંડી વાળે એવાં જોખમ પણ છે જ! એટલે એ રીતે ફિલ્મ પોતાના હિસાબે અને જોખમે જોવી!
રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.