ડર એટ ધ મૉલ

ડરના મના હૈ!

***

અમુક ડરામણી મોમેન્ટ્સને બાદ કરતાં આ હોરર ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે તેનું ભૂત પણ ડરાવવાને બદલે કંટાળો આપે છે!

***

કંટ્રોલ્ડ સ્થિતિમાં આપણને ડરવું ગમે છે. પછી તે એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે બન્જી જમ્પિંગ જેવાં એડ્વેન્ચર સ્પોર્ટ્સ હોય કે પછી હોરર ફિલ્મ હોય. ‘રાગિણી એમએમએસ’ બનાવી ચૂકેલા પવન કૃપાલાણી આ વખતે શોપિંગ મૉલમાં થતા ભૂતની સ્ટોરી લઇને આવ્યા છે. પરંતુ આ સ્ટોરીમાં થ્રિલ, ડર, લોજિક તથા ક્રિયેટિવિટીનો અભાવ છે, જે આખી ફિલ્મને ખાલી મૉલ જેવી ખોખલી બનાવી દે છે.

વોહ કૌન થી?

શહેરના એક વિશાળ અમિટી મૉલમાં છેલ્લા થોડા મહિનાઓમાં ભેદી રીતે નવ માણસોનાં કમોત થઇ ચૂક્યાં છે. કોઇ સિક્યોરિટી ગાર્ડ હવે ત્યાં નોકરી કરવા પણ તૈયાર નથી. એવામાં એક રિટાયર્ડ ફૌજી વિષ્ણુ (જિમ્મી શેરગિલ) ત્યાં સિક્યોરિટી ઓફિસર તરીકે જોઇન થાય છે. એ જ દિવસે મૉલને રિલૉન્ચ કરવા માટે એક મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આગલી રાત્રે જિમ્મી શેરગિલની હાજરીમાં જ વધુ એક સિક્યોરિટી ગાર્ડનું ભેદી સંજોગોમાં મોત થઇ જાય છે. અધૂરામાં પૂરું એ પાર્ટીમાં એકઠા થયેલા મૉલના માલિકોનાં સંતાનોનાં પણ એક પછી એક મોત થવા માંડે છે. દરેકને એક ભૂતિયા સ્ત્રી દેખાય છે, તો કોઇને એક નાનકડું ભૂતિયા બાળક દેખાય છે.

આ આખી સિલસિલાબંધ ઘટનાઓ પાછળનું રહસ્ય શોધી કાઢવા માટે જિમ્મી શેરગિલ ખાંખાખોળાં શરૂ કરે છે, પરંતુ આખરે સુપર નેચરલ પાવર માણસની મર્યાદા પર પોતાનો શેતાની પડછાયો પાડીને જ રહે છે.

ન ડર, ન લોજિક

ભૂતિયા ફિલ્મોમાં અમુક પ્રકાર હોય છે. જેમ કે, હોન્ટેડ પ્લેસ, ઇવિલ વુમન, ઇવિલ ચાઇલ્ડ, અનએક્સપ્લેઇન્ડ ફિનોમેનન વગેરે. આ ફિલ્મ ‘ડર એટ ધ મૉલ’ હોન્ટેડ પ્લેસના પ્રકારમાં આવે છે. આ ફિલ્મનો લોચો એ છે કે તેમાં જરા પણ નવું કે કંઇ ક્રિયેટિવ કરવાનો પ્રયાસ સુદ્ધાં કરવામાં નથી આવ્યો. એક જગ્યાએ કોઇ ભૂતિયા આત્મા ભટકે છે કારણ કે ભૂતકાળમાં એ જગ્યાએ કશુંક એવું થયેલું જેનું પરિણામ અત્યારે નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે. આવી સ્ટોરીલાઇન વાળી સંખ્યાબંધ ભૂતિયા ફિલ્મો આપણે અગાઉ જોઇ ચૂક્યા છીએ.

હોરર ફિલ્મોમાં પ્રેક્ષકોને ડરાવવા માટે અચાનક ત્રાટકતો ભયાનક ચહેરો ધરાવતો ભૂતિયા ચહેરો, કરોડરજ્જુમાં રોમાંચ પસાર થઇ જાય એવું મ્યુઝિક, રૂંવાડા ઊભા થઇ જાય એવી ફોટોગ્રાફી… આ બધાનું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે. જોકે એટલું માનવું પડે કે બે-ચાર જગ્યાએ આ રીતે આપણને ડરાવવામાં ફિલ્મ સફળ પણ થાય છે. પરંતુ ફિલ્મની શરૂઆતમાં અમુક વાર ભૂતે ડોકિયાં કાઢ્યાં બાદ પછી છેક કલાકેક સુધી ભૂત પણ ડોકાતું નથી. આપણે હમણાં કશુંક થશે એવી આશા રાખીને બેઠા હોઇએ, ત્યાં ચાર મિત્રોનો બોરિંગ લવટ્રેક અને એક તદ્દન ભંગાર આઇટેમ સોંગ સ્ટાર્ટ થઇ જાય છે. છેક ઇન્ટરવલ પછી સ્ટોરી ફરી પાછી પાટે ચડે છે.

પરંતુ ઇન્ટરવલ પછી પાત્રોને બચવા માટે ભૂતિયા મૉલમાં અહીંથી તહીં ભાગવા સિવાય બીજો કોઇ ઓપ્શન રહેતો નથી. ભૂત અને માણસોના આ પકડદાવમાં આખી વાત તદ્દન પ્રિડિક્ટેબલ બની જાય છે. મતલબ કે તમે આસાનીથી કલ્પી શકો કે હવે આગળ શું થવાનું છે. એનું પણ એક સિક્રેટ છેઃ ભૂતિયા ફિલ્મોમાં ફિલ્મમેકરને થાપ આપવી હોય, તો જે ઠેકાણે કેમેરા તમને જોવાનું કહે, તેની તદ્દન વિરુદ્ધ દિશામાં જોવાનું, ભૂત ત્યાંથી જ ત્રાટકશે!

ઇન્ટરવલ પછી તો એવી હાલત થાય છે કે તમને એ ભૂતનો ડર લાગવાનું જ બંધ થઇ જાય છે. એ પછ આખી ફિલ્મનો સૌથી બેવકૂફ ટ્રેક શરૂ થાય છે. આજે જ્યાં એ ભૂતિયા મૉલ ઊભો છે, ત્યાં વર્ષો પહેલાં શું થયેલું એ ફ્લેશબેક કહેવા એક ભૂત આવે છે, તમે માનશો!

ફિલ્મના અંતે પણ જિમ્મી શેરગિલની અપીલ ભૂત સાંભળે છે અને ભૂત લોજિકથી વિચારીને આગળ વધે છે. (પરંતુ ભૂતને એવું લોજિક સમજાવવા માટે ફિલ્મની શરૂઆતમાં જિમ્મી શેરગિલ નથી હોતો એટલે કેટલા નિર્દોષ લોકોના જાન જાય છે!) જ્યારે રહસ્ય તમારી સામે આવે છે ત્યારે તમારા ભેજામાં ન ઊતરે એવા ઘણા સવાલો પણ થાય છે, જેનો કોઇ જવાબ મળતો નથી.

પૈસા ખર્ચીને ડરવા જેવું ખરું?

અમુક અચાનક આવતી ડરામણી મોમેન્ટ્સને બાદ કરતાં બે કલાક ઉપરની આ ફિલ્મ સાવ બોરિંગ છે. એટલે ટાઇમ પાસ માટે નીકળ્યા હો અને જવું હોય તો ઠીક છે, બાકી પૈસા બગાડવા જેવું નથી. હા, જો તમે નબળા હૃદયના હો તો તમને ખાલી પડેલા શોપિંગ મૉલ્સનો ફોબિઆ થઇ જાય એવું બની શકે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s