હાર્ટલેસ

ક્લુલેસ, સ્પીડલેસ, સોલલેસ

***

જેમ શરીરમાં આરોપિત કરવામાં આવતાં બહારનાં અંગને ફોરેન બોડી સમજીને આપણું શરીર રિજેક્ટ કરી દે છે, એમ આ ફોરેન ફિલ્મમાં ઉમેરાયેલા સ્વદેશી મસાલાને દર્શકો રિજેક્ટ કરી દેશે.

***

heartless-poster_139081870410છેલ્લાં પાંચ વર્ષમાં પોતાના દીકરાની પાંચ ફિલ્મો ફ્લોપ ગઇ હોય ત્યારે શેખર સુમન જેવા પિતાને ચિંતા થઇ આવે એ સ્વાભાવિક છે. એ જ સ્વાભાવિકતાથી એણે પુત્ર અધ્યયન માટે ‘હાર્ટલેસ’ નામની મેડિકલ થ્રિલર ફિલ્મ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે. પરંતુ માત્ર એક સારા ઇરાદાથી સારી ફિલ્મ ન બની શકે. ‘હાર્ટલેસ’ના કિસ્સામાં એવું જ થયું છે.

થ્રિલર પહેલાં પેઇનકિલર લેવી પડશે

આદિત્ય સિંઘ (અધ્યયન સુમન) ડાયમંડ એક્સપોર્ટર ગાયત્રી સિંઘ (દીપ્તિ નવલ)નો એકનો એક દીકરો છે. પિતા વર્ષો પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને આદિત્ય એવું ગિલ્ટ લઇને જીવે છે કે પિતાનાં મોત માટે પોતે જવાબદાર છે. હવે આદિત્યના હૃદયમાં એવી ગંભીર બીમારી છે જેને કારણે તેની પાસે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઇ રસ્તો નથી. આ મા-દીકરો જ્યારે દુબઇમાં હીરાના એક સોદા માટે જાય છે, ત્યારે એમની હોટલની એક કર્મચારી રિયા (એરિયાના અયામ) સાથે આદિત્યને પ્રેમ થઇ જાય છે. ત્યાં જ ભારતથી ફોન આવે છે કે આદિત્ય માટે એક દાતાનું હૃદય મળી ગયું છે અને તાત્કાલિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરી નાખવું પડશે. બીજી બાજુ, સ્વભાવે કડક એવાં દીપ્તિબેનને એ દુબઇવાળી છોકરી રિયા દીઠી ગમતી નથી, અને માતાના સ્વભાવથી પરિચિત દીકરો આદિત્ય રિયા સાથે રાતોરાત ઘડિયાં લગ્ન કરી લે છે.

હવે માતા દીપ્તિ નવલની ઇચ્છા છે કે દીકરાનું ઓપરેશન એમના જૂના મિત્ર ડૉ. ત્રેહાન (ઓમ પુરી) જ કરે, પરંતુ આદિત્ય જિદ્દ લઇને બેસે છે કે મારું ઓપરેશન તો મારો મિત્ર ડૉ. સમીર સક્સેના (શેખર સુમન) જ કરશે. ઓપરેશન થિયેટરમાં જેવું આદિત્યનું ઓપરેશન શરૂ થાય છે, ત્યારે આખી સિચ્યુએશન એકસો એંશી ડિગ્રીનો ટર્ન લઇ લે છે અને બહાર આવે છે એક ખોફનાક રહસ્ય.

કાશ, એવું થયું હોત…

ઓપરેશન થિયેટરમાં બેભાન દર્દીને અપાયેલા એનેસ્થેસિયાનું પ્રમાણ થોડું ઓછું હોય, તો એવી સ્થિતિ સર્જાઇ શકે છે કે દર્દી ડૉક્ટર્સ વચ્ચેની વાતચીતો સાંભળી શકે, પોતાના શરીર પર થતી વાઢકાપ અનુભવી શકે, પણ પોતાનું શરીર ન હલાવી શકે. આ સ્થિતિમાં એક ષડ્યંત્રનો ઉમેરો કરીને હોલિવૂડમાં 2007માં એક ફિલ્મ બનેલી ‘અવેક’. શેખર સુમનની ‘હાર્ટલેસ’ તેની ફ્રેમ બાય ફ્રેમ કોપી છે. પરંતુ લગભગ બધી જ બમ્બૈયા ફિલ્મોમાં બને છે એમ સવા બે કલાકની આ ફિલ્મમાં પહેલી એક કલાક સુધી તો વાર્તાની માંડણી થતી જ નથી. છોકરા-છોકરીને લગ્ન હેતુ માટે ‘જોવા’ના વિધિમાં જેમ બંને પક્ષે માતાપિતાઓ પોતાનાં સંતાનોમાં કેટલું ટેલેન્ટ ભર્યું છે એનું પ્રદર્શન કરે, એમ શેખરબાબુ દીકરો અધ્યયન રોમેન્ટિક સીન્સમાં કેવો પાવરધો છે એ બતાડવામાં ફિલ્મની ગતિને ગંભીર ક્ષતિ પહોંચાડી બેઠા છે. જો ફિલ્મમાં અધ્યયનના હૃદય પર કાતર ચાલે એ પહેલાં એની લવસ્ટોરી અને ગીતો પર કાતર ચલાવી હોત તો આ ફિલ્મ એક મસ્ત મેડિકલ થ્રિલર બની શકી હોત. દરઅસલ, ફિલ્મની મૂળ ઝોન્ર (પ્રકાર) મેડિકલ થ્રિલરને વફાદાર રહીને જ આખો સ્ક્રીનપ્લે લખાવાની જરૂર હતી. હા, નિરંજન આયંગારના કાવ્યમય સંવાદો અને અમુક ઇમોશનલ દૃશ્યો ખરેખર સારાં લખાયાં છે, પણ એ સાતત્ય આખી ફિલ્મમાં જળવાતું નથી.

કદાચ ફિલ્મને ઓથેન્ટિક ફીલ આપવી હોય કે કેમ, પણ અમુક ડ્રામેટિક સીન્સને બાદ કરતાં ફિલ્મમાં ક્યાંય બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ જ કરવામાં આવ્યો નથી. તેને કારણે ફિલ્મ એકદમ ખાલી ખાલી લાગે છે. હા, ફિલ્મ અને ડિરેક્ટર શેખર સુમનના પક્ષે એટલું કહી શકાય કે જે સ્વાભાવિકતાથી હૃદયના ઓપરેશનની સિક્વન્સ દર્શાવાઇ છે એટલી ડિટેઇલમાં ભાગ્યે જ આપણી કોઇ ફિલ્મમાં બતાવાઇ હશે. નબળા હૃદયવાળા દર્શકો તો આંખો મીંચી જાય એટલી હદે તે ડિસ્ટર્બિંગ લાગે છે. જ્યારે ઓપરેશન થિયેટરમાં જે કંઇ થાય છે, તે જોઇને મેડિકલ જગતને વાંધો પડશે એવું પણ અનુમાન કરી શકાય છે.

શેખરપુત્ર અધ્યયન દેખાવમાં ક્યુટ છે અને ચહેરે મહોરે પિતા પર જ ગયો છે. પરંતુ એ આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી શકે એવો એનો ચાર્મ દેખાતો નથી. મૂળ અફઘાની હિરોઇન એરિયાનાનું પણ એવું જ છે. ફિલ્મમાં અધ્યયનની વહારે દીપ્તિ નવલ, ઓમ પુરી અને ખુદ પિતા શેખર સુમન પણ આવે છે, પરંતુ શરૂઆતમાં ઠપકારવામાં આવેલો બિનજરૂરી મસાલો ફિલ્મને જીવલેણ નુકસાન પહોંચાડી ચૂક્યો હોય છે, જેમાંથી ફિલ્મ ક્યારેય બેઠી થઇ શકતી નથી.

દુબઇનાં ખૂબસૂરત લોકેશન્સ પર ફિલ્માવેલાં ગૌરવ ડગાંવકર અને રૉક બેન્ડ ફ્યુઝને કમ્પોઝ કરેલાં ગીતો જોવા-સાંભળવામાં સારાં લાગે છે, પણ ફિલ્મમાં તો આપણને ઘેનનું ઇન્જેક્શન મારે એવી સ્થિતિ જ સર્જે છે.

ઇન્હેં દવા કી નહીં દુવા કી ઝરૂરત હૈ!

એનેસ્થેસિયા અવેરનેસ અને આઉટ ઓફ ધ બોડી એક્સપિરિયન્સ જેવા કન્સેપ્ટ ધરાવતી આ ફિલ્મની સિંગલલાઇન સ્ટોરી ભારે દમદાર છે. પરંતુ આ ફિલ્મને વધુ સારા એક્ઝિક્યુશનની જરૂર હતી. કાં તો શેખરે ડિરેક્શનનો મોહ ત્યજીને કોઇ નીવડેલા ડિરેક્ટર પાસે ફિલ્મ ડિરેક્ટ કરાવવાની જરૂર હતી. ઉપરાંત ફિલ્મના સ્ક્રીનપ્લેને પણ કસાયેલી કલમના કસબીની જરૂર હતી. શેખર સુમને પોતાનો મોટો પુત્ર આયુષ હૃદયની બીમારીમાં જ ગુમાવ્યો હતો, એટલે આ પ્રકારની વાર્તા એમની નજીક હોય એ સમજી શકાય છે, પરંતુ અહીં તેઓ ફિલ્મને બેલેન્સ્ડ ન્યાય આપવામાં નિષ્ફળ ગયા છે. શેખરભાઇ સારા એક્ટર-કોમેડિયન છે, પણ આપણા સગામાં થતા નથી, એટલે એમના દીકરાની આ નબળી ફિલ્મને પરણે હિટ કરાવવાની જવાબદારી આપણી નથી. એટલે આપણે આ ફિલ્મ માટે થિયેટરમાં ટિકિટના પૈસા બગાડવા જવાની જરૂર નથી. થોડા સમયમાં ચેનલ પર આવે ત્યારે અથવા તો ડીવીડી પર જોઇ લેજો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s