હસી તો ફસી

મેરી મંગેતર કી સિસ્ટર!

***

આ ફિલ્મ અવનમાં હાફ બેક થયેલી વાનગી જેવી છે, ઉપરથી કડક અને અંદરથી એકદમ કાચી -પોચી.

***

hasee_toh_phasee_ver6_xlgફિલ્મનું કામકાજ ક્રિકેટની જેમ ટીમવર્કનું છે. એકલો વિરાટ કોહલી સેન્ચુરી મારે તેનાથી મેચ જીતી ન શકાય. એ માટે પૂરેપૂરી ટીમનું સો ટકા પરફોર્મન્સ જોઇએ. Manટીમના બીજા ખેલાડીઓ પાંચ-પચ્ચીસ રન ફટકારે કે બે-ત્રણ વિકેટ્સ લે એનાથી કંઇ શુક્કરવાર ન વળે. ફર્સ્ટ ટાઇમ ડિરેક્ટર વિનિલ મેથ્યુની આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘હસી તો ફસી’માં એવું જ થયું છે. એકલી પરિણીતી ચોપરાની જ મહેનત દેખાય છે. બાકી મ્યુઝિકને બાદ કરતાં બીજા બધા ડિપાર્ટમેન્ટ્સે નાદારી નોંધાવી છે.

સુસ્ત રોમકોમ

આઇપીએસ ઓફિસર (શરત સક્સેના)નો દીકરો નિખિલ ભારદ્વાજ (સિદ્ધાર્થ મલ્હોત્રા) મુંબઇમાં સાડીઓના મોટા ગુજરાતી વેપારી દેવેશભાઇ (મનોજ જોશી)ની ત્રીજા નંબરની દીકરી કરિશ્મા (અદા શર્મા) સાથે લવ ટર્ન્ડ અરેન્જ મેરેજ કરી રહ્યો છે. ત્યાં જ ઘરમાં ચોરીછૂપે મીતા (પરિણીતી ચોપરા)ની એન્ટ્રી થાય છે. મીતા દેવેશભાઇની ચોથા નંબરની દીકરી છે, પણ સાત વર્ષ પહેલાં એમની બીજા નંબરની દીકરી દીક્ષાનાં મેરેજ વખતે એ ઘરમાંથી પૈસા ચોરી કરીને ભાગી ગયેલી અને ત્યારે દેવેશભાઇ બિચારા હાર્ટ અટેકમાંથી માંડ બચેલા.

આ મીતા એટલે કે પરિણીતી ભારે ભેદી કેરેક્ટર છે. એ આમ જિનિયસ છે, પણ કંઇક ભેદી પ્રકારની ગોળીઓ ખાધા કરે છે, વિચિત્ર રીતે (અને ક્યારેક તો ચાઇનીઝ) બોલે છે , આંખો પટપટાવે છે અને હા, ટૂથપેસ્ટ ખાય છે! એને કોઇપણ વસ્તુ રિપેર કરતાં આવડે છે. બધા જ સવાલોના જવાબ એની પાસે હાજર સ્ટોકમાં છે. પોતાના માથાભારે કાકા (સમીર ખખ્ખર) અને પપ્પાની સામે આવી શકે એમ નથી એટલે તે કરિશ્માના કહેવાથી સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરમાં ખોટી ઓળખ સાથે રહે છે.

બીજી બાજુ સિદ્ધાર્થ મલ્હોત્રાની અને એ જેની સાથે પરણી રહ્યો છે એ અદા શર્માની લવસ્ટોરી પણ આપણી લોકસભા જેવી છે, ચાલે છે ઓછી અને ખોરંભે વધારે ચડે છે. પરિણામે થાય છે એવું કે ધીમે ધીમે સિદ્ધાર્થ-પરિણીતી એકબીજાનાં પ્રેમમાં પડે છે અને ફિલ્મ આપણે જોયેલી અનેક બોલિવૂડ રોમેન્ટિક કોમેડી ફિલ્મોની કેટેગરીમાં જઇને પડે છે.

તાઝી હવા કા ઝૌંકા

રિલીઝ પહેલાં ‘હસી તો ફસી’એ જબરદસ્ત આશાઓ જન્માવેલી, પરંતુ એ મોટા ભાગના ડિપાર્ટમેન્ટ્સમાં ફિસડ્ડી પુરવાર થાય છે. સૌથી પહેલાં વાત કરીએ પરિણીતી ચોપરાની.

પ્રિયંકા ચોપરાની કઝિન તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લેનારી પરિણીતી ફ્રેશનેસનું પાવર હાઉસ છે! એનો તાજગીસભર ચહેરો, બોલકી આંખો અને એનાથી પણ વધુ બોલકી ખુદ પરિણીતી પોતે. તદ્દન અલગ પ્રકારની ભૂમિકાઓથી એવો સીધો મેસેજ આપી રહી છે કે એ અહીં માત્ર એક ગ્લેમ ડોલ બની રહેવા માટે નહીં, બલકે મીનિંગફુલ એક્ટર બનવા માટે આવી છે. અહીં એણે જે ખૂબીથી બે પ્રકારનાં વ્યક્તિત્વોને એકસાથે નિભાવ્યાં છે, તેના જ ટેકે આખી ફિલ્મ ટકી રહી છે. અહીં એનું કેરેક્ટર થ્રી ઇડિયટ્સના ‘રેન્ચો’ના ફિમેલ વર્ઝન જેવું લાગે છે.

અહીં રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં બધું મળીને કુલ છ નામ છે, જેમાં ઊડીને આંખે વળગે એવું નામ છે અનુરાગ કશ્યપનું. અનુરાગે આ ફિલ્મ કરણ જૌહર અને વિક્રમાદિત્ય મોટવણે જેવાં જાણીતાં નામો સાથે મળીને પ્રોડ્યુસ કરી છે, એટલું જ નહીં ડાયલોગ્સમાં પણ પોતાનું ક્રિયેટિવ પ્રદાન આપ્યું છે. તેની ચોખ્ખી અસર ફિલ્મમાં દેખાય છે. ફિલ્મમાં અફલાતૂન રીતે લખાયેલી ઘણી બધી સિચ્યુએશન્સ છે જે તમારા ચહેરા પર નવજોત સિંઘ સિદ્ધુ અને અર્ચના પૂરનસિંઘ જેવું હાસ્ય લાવી દેશે.

ઇવન મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ વિશાલ-શેખર અને અમિતાભ ભટ્ટાચાર્ય જેવાં ટેલેન્ટેડ નામોએ ભેગાં થઇને ફ્રેશ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મમાં ગીતો વખતે પોપકોર્ન લેવા ન જશો, નહીંતર એના શબ્દોની ક્રિયેટિવિટી મિસ થઇ જશે. ખાસ કરીને શેઇક ઇટ લાઇક શમ્મી, (ગુજરાતી ગીત) બધું ભેગું સે અને યે છોરી બડી ડ્રામા ક્વીન હૈ. આ ઉપરાંત પંજાબી વેડિંગ સોંગ, ઇશ્ક બુલાવા, ઝેહનસીબ વગેરે ગીતો પણ ઓફિસ જતી વખતે કારમાં સાંભળવાની મજા પડે એવાં છે.

તો લોચો ક્યાં છે, બોસ?

પહેલો લોચો છે, ફિલ્મની ધીમી ગતિના સમાચાર જેવી ગોકળગાય છાપ ગતિમાં. ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ જેવી એકદમ ફાસ્ટ શરૂઆત પછી અચાનક આખી ફિલ્મ ટેસ્ટ મેચના મોડમાં જતી રહે છે. હીરો-હિરોઇનને પ્રેમમાં પાડવા માટે એટલો બધો ટાઇમ લેવાય છે કે એટલી વારમાં તો આપણા મોબાઇલની બેટરી ખલાસ થઇ જાય, પણ ફિલ્મ આગળ ન વધે! ઇવન ફિલ્મમાં આટલાં બધાં ગીતોની પણ જરૂર નહોતી.

બીજો ડાયનોસોર જેવડો મોટો લોચો છે, સેકન્ડ હાફમાં એની એ જ ઘિસીપિટી લવ ટ્રાયેંગલની સ્ટોરી. જે સ્ટોરી આપણે સંગમ કે સાજનથી લઇને દિલ ચાહતા હૈ, જાને તૂ યા જાને ના અને જબ વી મેટ કે લવ આજ કલ જેવી ફિલ્મોમાં જોઇ ચૂક્યા હોઇએ, એનો એ જ પ્રીડિક્ટેબલ ટ્રેક ફરી ફરીને જોવામાં શી મજા આવે?! ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’નું લેડીઝ વર્ઝન બનાવ્યું હોય એવી બની જતી આ ફિલ્મનું નામ ‘મેરી મંગેતર કી સિસ્ટર’ હોવું જોઇએ! બાય ધ વે, ફિલ્મનું નામ ‘હસી તો ફસી’ શા માટે રખાયું હશે?

એક્ટિંગ વેક્ટિંગ

આગળ કહ્યું એમ ‘હસી તો ફસી’માં પરિણીતીનું પરફોર્મન્સ ટેન આઉટ ઓફ ટેન જેવું પરફેક્ટ છે. એમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’વાળો સિદ્ધાર્થ મલ્હોત્રા બિચારો સાઇડ હીરો જેવો બનીને રહી ગયો છે. એ ઉપરાંત ફિલ્મમાં શરત સક્સેના, મનોજ જોશી, નીના કુલકર્ણી, સમીર ખખ્ખર, લીલી પટેલ જેવાં અદાકારો પણ છે. અરે, વચ્ચે ટીનૂ આનંદ અને કરણ જૌહર પણ સ્ક્રીન પર આંટો મારી જાય છે! પરંતુ અમુક ચમકારાને બાદ કરતાં કોઇને ઝાઝું ઝળકવાનો ચાન્સ મળતો નથી. માત્ર એક અપવાદ છે, અનુ મલિકના ફેન બનતા અદાકાર અનિલ માંગેનો. ચારેક સીન્સમાં તો એ બીજાં કલાકારોને રીતસર ખાઇ જાય છે!

સિંહ કે શિયાળ?

સ્પષ્ટ વાત છે, એક પાત્રને ઉપસાવવામાં અડધો ડઝન લેખકોએ ભેગા મળીને ફિલ્મની સ્ટોરીની રસોઇ બગાડી નાખી છે. તેમ છતાં, ફિલ્મમાં ઘણા સીન્સ મજા કરાવવામાં સફળ રહે છે. ઇવન ગીતોમાં પણ મહેનત દેખાય છે. પરંતુ ફિલ્મના રિઝલ્ટનો ગ્રાન્ડ ટોટલ સેકન્ડ ક્લાસમાં પહોંચીને અટકી જાય છે. ઇન શોર્ટ, આ ફિલ્મની ડીવીડી બહાર પડે કે ચેનલ પર આવે ત્યાં સુધી રાહ જોવામાં કશો વાંધો નથી.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s