વન બાય ટુ

મેથેમેટિક્સના દાખલા જેવી જ બોરિંગ

***

આ શહેરી અર્બન ફિલ્મ જોવા કરતાં એનાં ગીતો મોબાઇલમાં જોઇ લેવાં અને એક સારી રોમેન્ટિક કોમેડી નવલકથા વાંચવી વધારે સારી રહેશે.

***

be3cba2b84796b2301013297a22e46b9આજનાં યંગસ્ટર્સ, જે કન્ફ્યુઝ્ડ હોય. મમ્મી-પપ્પાના દબાણને વશ થઇને મેડિકલ-એન્જિનિયરિંગ-આઇટી જેવાં ક્ષેત્રોમાં નોકરી કરતાં હોય, પણ કંઇ મજા ન આવતી હોય. પોતાને કોઇક બીજી જ પ્રવૃત્તિઓમાં રસ હોય, પણ કારકિર્દીની રેટરેસમાં એવા ફસાઇ ગયા હોય કે નીકળવાનો કોઇ રસ્તો જ ન દેખાતો હોય. બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બદલતા હોય, પણ સાચો પ્રેમ કોને કહેવાય એ ખબર જ ન હોય. આ બધાં ચક્કરોમાં એ ખૂબ બધો દારૂ ઢીંચવા માંડ્યા હોય, સિગારેટના ધુમાડા કાઢતા હોય… આવા યંગિસ્તાનનું ચિત્રણ કરતી કેટલીયે ફિલ્મો છેલ્લાં વર્ષોમાં બની છે અને તેથી જ આ પાત્રો હવે સ્ટિરિયોટાઇપ થઇ ગયાં છે. પરંતુ અફસોસ કે અભય દેઓલ જેવો ટેલેન્ટેડ એક્ટર જે ફિલ્મથી પ્રોડ્યુસર બન્યો છે, એ ફિલ્મ પણ આ જ ચવાઇ ગયેલો સ્ટિરિયોટાઇપ રજૂ કરે છે અને એની આ ફિલ્મ ‘વન બાય ટુ’ એકદમ બોરિંગ પુરવાર થઇ છે.

યે ક્યા હો રહા હૈ, ભાઇ?!

‘વન બાય ટુ’ સ્ટોરી છે બે યંગસ્ટર્સની. અમિત મિશ્રા (અભય દેઓલ) આઇટી પ્રોફેશનલ છે અને માતાપિતા (રતિ અગ્નિહોત્રી-જયંત કૃપલાણી)નો એકનો એક દીકરો છે. એ ભારે ટેલેન્ટેડ છે, પણ એને આઇટીમાં નહીં, પણ ગિટાર લઇને ગીતો કમ્પોઝ કરવામાં અને કવિતાઓ લખવામાં રસ છે. ઉપરથી એની મમ્મી એને પરણાવવા માટે વિચિત્ર છોકરીઓ સાથે મળવાનું પ્રેશર કરતી રહે છે.

ફિલ્મની લીડિંગ લેડી છે, સમારા પટેલ (પ્રીતિ દેસાઇ), જે એનઆરજી પરિવારનું ફરજંદ છે. માતાપિતા અલગ પડી ગયાં છે. પપ્પા લંડન રહે છે, મમ્મી (લિલેટ દુબે) સમારાની સાથે મુંબઇમાં રહે છે. પરંતુ પતિ સાથેના વિયોગના દુઃખને કારણે દેવદાસી બનીને લિલેટ બેન દારૂનાં બંધાણી બની ગયાં છે. એમની દીકરી સમારા ડાન્સર છે અને એક ડાન્સ રિયાલિટી શો જીતીને કશુંક કરી બતાવવાની હોંશ છે.

અભયની ગર્લફ્રેન્ડ (ગીતિકા ત્યાગી) એને છોડી દે છે અને એનો નવો બોયફ્રેન્ડ એ જ શોનો પ્રોડ્યુસર છે. એટલે ખુન્નસમાં આવીને અભય પોતાનાં બે મિત્રો સાથે મળીને એ રિયાલિટી શોની આખી એસએમએસથી વોટ આપવાની સિસ્ટમ હેક કરી દે છે. જેથી યોગ્ય કેન્ડિડેટ બહાર ફેંકાઇ જાય છે અને શોના ટીઆરપી ધબાય નમઃ થઇ જાય છે એન્ડ અભયની એક્સ ગર્લફ્રેન્ડનો નવો બોયફ્રેન્ડ પોતાની નોકરીથી હાથ ધોઇ બેસે છે. પરંતુ આ બદલાની પ્રક્રિયામાં ટેલેન્ટેડ સમારા પણ બહાર ફેંકાઇ જાય છે. છેક સુધી આવી જ કંઇક ભાંજગડ ચાલ્યા કરે છે અને તમે સીટ પર બેઠાં બેઠાં માથું ખંજવાળ્યા કરો છો કે યે ક્યા હો રહા હૈ ભાઇ?! અરે હા, વચ્ચે વચ્ચે અભયના મામા બનતા દર્શન જરીવાલા પણ આવે છે, પરંતુ એ ખાલી કવિતાઓ જ સંભળાવે છે, ધેટ્સ ઓલ!

સ્માર્ટનેસનું બાળમરણ

ફિલ્મ ‘વન બાય ટુ’ના પ્રોમો જોઇને આપણને આશાઓ જાગેલી કે થેન્ક ગોડ, લુખ્ખી હિરોગીરી અને સડિયલ વાર્તાઓથી ભરેલી ભંગાર ફિલ્મોની હારમાળામાં કંઇક નવા પ્રકારની સ્માર્ટ અર્બન કોમેડી જોવા મળશે. નો ડાઉટ, ફિલ્મ શરૂ થાય ત્યારે થોડી વાર આપણને એવું લાગે પણ ખરું કે આપણે કોઇ મસ્ત ક્રિયેટિવિટીના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ, પરંતુ ધીમે ધીમે તમારી આશાઓ ધૂંધળી થવા માંડે અને કંટાળો તમારા મગજની ફરતે અજગર ભરડો લેવા માંડે.

અભય દેઓલ પોતાની બોરિંગ બીબાંઢાળ લાઇફમાં કંટાળ્યે રાખે અને હિરોઇન પ્રીતિ દેસાઇ ડાન્સર બનવામાં પોતાને મળી રહેલી નિષ્ફળતાને કારણે ફ્રસ્ટ્રેટ થયે રાખે. આ બધું જોઇને તમે પણ કંટાળીને ડિપ્રેસ થવા લાગો. ફિલ્મનાં મુખ્ય પાત્રો દુઃખી થઇને હાથમાં બાટલી લઇને દારૂ ઢીંચ્યા કરે અને કકળાટ કર્યે રાખે, પણ વાત આગળ જ વધે નહીં. નતીજા? ફિલ્મની ગતિ બળદગાડા કરતાંય ધીમી.

બીજો મોટો લોચો એ છે કે હીરો-હિરોઇન આખી ફિલ્મમાં એકબીજાને મળતાં જ નથી. હા, એને ફિલ્મના હટ કે સ્ટોરીટેલિંગનો યુએસપી ગણાવી શકાત, પણ બંનેની લાઇફસ્ટોરી એટલી બોરિંગ છે કે જો એ બંને મળ્યાં હોત તો કંઇક વધુ સારી-સ્માર્ટ લવસ્ટોરી બહાર આવી શકી હોત. બંને મળતાં જ નથી એટલે બંનેની કેમિસ્ટ્રી કેવી છે એ પણ ખબર પડતી નથી.

લોચા નંબર થ્રી એવો છે કે હીરો-હિરોઇનની લાઇફમાં કોઇ સિરિયસ કોન્ફ્લિક્ટ જ નથી. અભય દેઓલ ખોટા કરિયરમાં ફસાયેલો અને ફ્રસ્ટ્રેટ થતો બતાવાયો છે, પણ એના પર કોઇનું દબાણ હોય એવું નથી. એ કોઇ પ્રકારની જવાબદારીના પહાડ હેઠળ દબાયેલો નથી. એટલે એને એ ફિલ્ડ છોડી દેવા માટે કોઇ રોકે તેમ નથી, કે જેથી એને ફ્રસ્ટ્રેટ થઇને કમ્પ્યુટર તોડવાનો વારો આવે. જ્યારે હિરોઇન પ્રીતિ દેસાઇ દુઃખી માતાની દીકરી છે, પણ અતિ ધનાઢ્ય પરિવારની આઝાદ ખયાલાત ધરાવતી યુવતી છે. અને એની સામે એવી કોઇ મોટી પહાડ જેવી ચેલેન્જ પણ નથી કે જેને સર કરવા માટે એ ધંધે લાગી જાય. નતીજા? અગેઇન, બોરડમ કા ડબલ ડોઝ!

ફિલ્મનું વિભાગીય પૃથક્કરણ

અભય દેઓલ ઉમદા એક્ટર છે, પણ પોતાની રિયલ લાઇફ પ્રેમિકા પ્રીતિ દેસાઇને વધારે સ્ક્રીન પ્રેઝન્સ આપવાની લાલચમાં એના સીન બહુ ઓછા થઇ ગયા છે. સિનિયર કલાકારો રતિ અગ્નિહોત્રી, દર્શન જરીવાલા, જયંત કૃપલાણી, લિલેટ દૂબે પણ પોતાનાં ટિપિકલ મમ્મી-પપ્પાઓનાં પાત્રોમાં જ છે. એમાં કશું જ નવું નથી. ઇવન હીરો-હિરોઇન પણ ટિપિકલ યુથ કેરેક્ટર્સ છે, જેમાં કોઇ નવા શેડ્સ નથી. એટલે ફિલ્મનાં લગભગ બધાં જ પાત્રો ઉપરછલ્લાં બનીને રહી જાય છે.

ફિલ્મમાં નોંધ લેવી પડે એવાં બે સ્ટ્રોંગ પાસાં છે. અમિતાભ ભટ્ટાચાર્યે લખેલાં અને શંકર-એહસાન-લોયે કમ્પોઝ કરેલાં મસ્ત રિફ્રેશિંગ સોંગ્સ અને એનું યુનિક પિક્ચરાઇઝેશન. ખાસ કરીને અનુષ્કા મનચંદાએ ગાયેલું ‘કાબૂમ’ ગીતનું પિક્ચરાઇઝેશન તો કોઇ ઇન્ટરનેશનલ મ્યુઝિક વીડિયોની યાદ અપાવે એવું છે (જ્યારે ‘આઇ એમ જસ્ટ પકાઓડ’ ગીતનું પિક્ચરાઇઝેશન તો સીધું જ માઇકલ જેક્સન અને મેકોલે કલ્કિનવાળા ‘બ્લેક ઓર વ્હાઇટ’ ગીતના વીડિયોની જ યાદ અપાવે છે!).

બીજું સ્ટ્રોંગ પાસું છે, ઘણા બધા સીન્સનું ક્રિયેટિવ પ્રેઝન્ટેશન. પરંતુ આ સ્ટ્રોંગ પાસાં દેવિકા ભગતની નબળી સ્ટોરીમાં તદ્દન એળે જાય છે.

રિઝલ્ટ

આ ફિલ્મ સ્પષ્ટ રીતે શહેરોની મલ્ટિપ્લેક્સ યુવા ઓડિયન્સ માટે જ છે, પરંતુ તે એને પણ આકર્ષી શકે એવી નથી. એટલે બાવાનાં બેય બગડ્યાં છે. આ ફિલ્મ જોઇને બસ્સો-પાંચસો રૂપિયા બગાડવાને બદલે કોઇ સારી અંગ્રેજી રોમેન્ટિક કોમેડી નવલકથા વાંચવી વધારે ફાયદાકારક રહેશે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s