યારિયાં

આ દુશવારિયાંથી રાખજો દૂરિયાં

***

કેટલીયે બોલિવૂડ ફિલ્મોની ખીચડી એવી આ ફિલ્મ પડદા પરનું જંક ફૂડ છે, પેકિંગ સારું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક!

***

yaariyan-poster-4દૃશ્ય પહેલું

(પ્રોડ્યુસર પતિ ભૂષણ કુમાર અને એમની એક્સ મોડલ પત્ની દિવ્યા ખોસલા કુમાર વચ્ચેનો કાલ્પનિક સંવાદ)

મોડલ પત્નીઃ જાનુ, હવે હું ઘરમાં બેસી બેસીને અને બાબાની નેપી ચેન્જ કરીને કંટાળી ગઇ છું. મારે એક ફિલ્મ બનાવવી છે.

પ્રોડ્યુસર પતિદેવઃ એનીથિંગ ફોર યુ હની, પણ તું કેવી ફિલ્મ બનાવીશ? એ વિશે કંઇ વિચાર્યું છે?

મોડલ પત્નીઃ યસ જાનુ. મારી ફિલ્મ ઓફ ધ યુથ ફોર ધ યુથ બાય ધ યુથ હશે. ઉછળતાં કૂદતાં હેપનિંગ યંગસ્ટર્સ. બિલકુલ મારા જેવાં જ.

પ્રોડ્યુસર પતિદેવઃ ઓકે હની, ધેન ગો અહેડ.

મોડલ પત્નીઃ યુપ્પીઇઇઇ…!!!

***

દૃશ્ય બીજું

(મોડલ ટર્ન્ડ ડિરેક્ટર દિવ્યા ખોસલા કુમાર અને એના લેખક વચ્ચે પણ કંઇક આવી જ વાતો થઇ હશે)

ડિરેક્ટરઃ ઓકે, તેં કરનની સ્ટુડન્ટ ઓફ ધ યર, ફારાહની મૈં હૂં ના અને મન્સૂર ખાનની જો જીતા વોહી સિકંદર જોઇ છે ને?

રાઇટરઃ અફ કોર્સ, યસ મેમ. એના એકેએક સીન યાદ છે મને.

ડિરેક્ટરઃ વેલ ડન. આપણે આવી જ ફિલ્મ બનાવવી છે. પણ યુ નો, આપણે આજના યૂથ પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. સો, બુઝિંગ, કિસિંગ, લેટ નાઇટ પાર્ટીઝ, પજામા પાર્ટી એન્ડ ઓલ ધેટ પણ હોવું જોઇએ. કમ્પ્લિટ અમેરિકન પાઇ સ્ટાઇલ નોટી નોટી થિંગ્સ, યુ સી! બટ રિમેમ્બર, સાથે થોડી દેશભક્તિ, થોડી માં કી મમતા, કોમ્પિટિશન એન્ડ ઓલ ધેટ સ્ટફ પણ ઉમેરવું પડશે, ટુ મેઇક ધ ડિશ મોર સ્પાઇસી.

રાઇટરઃ રાઇટ મે’મ. એક્ચ્યુઅલી, મારા મગજમાં આખી સ્ટોરીનો ફર્સ્ટ ડ્રાફ્ટ રેડી છે, તમે કહો તો સંભળાવી દઉં?

ડિરેક્ટરઃ વાઉ, સો સ્પીડી! ગો અહેડ, ક્વિક ક્વિક ક્વિક…

રાઇટરઃ મેમ આપણી ફિલ્મનું નામ હશે, ‘યારિયાં’. યાદ છે ને, હમણા સૈફની કોકટેઇલ આવેલી, એનું સુપરહીટ સોંગ એ જ નામનું છે. આપણો હીરો હશે, લક્ષ્ય. શહીદ આર્મી ઓફિસરનો યુવાન દીકરો, જેને આર્મીથી નફરત છે. સિક્કિમની એક કોલેજમાં ભણે છે. ગર્લફ્રેન્ડ્સ બનાવે છે, ખૂબ બધું બુઝિંગ (ડ્રિંકિંગ) કરે છે, ગીતો ગાય છે અને ધમાલ કરે છે. ત્યાં જ એમના પ્રિન્સિપલ સર બ્રેકિંગ ન્યૂઝ લાવે છે કે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે આપણે સિંગિંગ-ડાન્સિંગ, મોટરબાઇક રેસિંગ, ચેસ, માઉન્ટેઇન બાઇકિંગ, ટ્રેકિંગની સ્પર્ધા કરવાની છે. એમાં જે ટીમ જીતી જાય એના કબ્જામાં આખી કોલેજ આવે. સ્પર્ધાના ફર્સ્ટ રાઉન્ડ માટે પ્રિન્સિપલ આખી કોલેજમાંથી પાંચ જણાની ટીમ ઓસ્ટ્રેલિયા મોકલે છે, જેમાં આપણા હીરો લક્ષ્ય અને એના દોસ્તો ઉપરાંત એક બહેનજી ટાઇપ છોકરી સલોની પણ હશે. ઓસ્ટ્રેલિયામાં આપણા હીરોના એક ખાસમખાસ દોસ્તાર દેબુ પર રેસિયલ અટેક (વંશિય હુમલો) થશે અને એના આઘાતમાં આપણા હીરોની ઇન્ડિયન ટીમ હારી જશે. એટલે બધો આધાર સિક્કિમમાં ખેલાનારા સેકન્ડ એન્ડ ફાઇનલ રાઉન્ડ પર રહેશે.

ડિરેક્ટરઃ સાઉન્ડ્સ, ગ્રેટ. બટ વેઇટ, આમાં લવ સ્ટોરી ક્યાં આવી? ભલે ગમે તેટલું લસ્ટ-વાસના બતાવીએ, પણ હમારે આદર્શ-પરંપરા તો જોઇએ ને! એટલે હીરોને પ્રેમમાં તો પાડવો પડશે ને?!

રાઇટરઃ હમમ, વેલિડ પોઇન્ટ, મે’મ. આપણે એક કામ કરીએ પેલી બહેનજી ટાઇપ છોકરીનો મેઇકઓવર કરીને એને ગ્લેમરસ સેક્સી ડોલ બનાવી દઇએ એટલે હીરો ઇન્સ્ટન્ટ્લી એના પ્રેમમાં પડી જશે. પેલું ‘જસ્સી જૈસી કોઇ નહીં’માં હતું ને એવું જ.

ડિરેક્ટરઃ કૂલ! મને તો અત્યારથી જ ગૂઝબમ્પ્સ આવવા લાગ્યા છે. તું ફટાફટ હાર્ડબાઉન્ડ સ્ક્રિપ્ટ આપી દે. આપણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરીએ છીએ. બાય ધ વે, આઇ વોન્ટ મ્યુઝિક ટુ બી હિપ હોપ પેપી નંબર્સથી ફુલ. હું પ્રીતમને અને મિથૂનને કહું છું એક એક સોંગ કમ્પોઝ કરવા માટે. અનુપમ અમોદ અને આર્કો મુખરજી પણ ટેલેન્ટેડ છે, એ પણ કમ્પોઝ કરી આપશે. અને અત્યારે કોણ પેલો હોર્ની સિંઘ, સોરી, યો યો હની સિંઘ ચાલે છે ને, એની પાસે પણ ડિસ્કોથેક ટાઇપનું એક સોંગ બનાવડાવીશું.

રાઇટરઃ એક્સલન્ટ, ફેન્ટાસ્ટિક, ગ્રેટ મે’મ!

ડિરેક્ટરઃ ઉઉઉ… આઇ એમ સો એક્સાઇટેડ! જય માતા દી, લેટ્સ રૉક!

***

દૃશ્ય ત્રીજું

(યારિયાં જોઇને બહાર નીકળેલા બે દર્શકો વચ્ચેનો શાબ્દિક બળાપો)

દર્શક-1: બે યાર, આ લોકો શું માનતા હશે કે આપણે મૈં હૂં ના, જો જીતા વોહી સિકંદર, સ્ટુડન્ટ ઓફ ધ યર કે એબીસીડી નહીં જોઇ હોય? આ બધી ફિલ્મોને એક તપેલીમાં નાખીને હલાવી હોય અને એમાં ખૂબ બધી વલ્ગારિટી, માં કી મમતાનાં અને દેશભક્તિનાં ઇમોશન્સ ઠપકાર્યાં હોય એવી એકદમ વાસી ખીચડી જેવી ફિલ્મ હતી!

દર્શક-2: અરે, એ બધી તો પ્રમાણમાં ઘણી સેન્સિબલ ફિલ્મો હતી. અહીં તો છોકરાઓ બિન્દાસ ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસીને અડધી ઉઘાડી છોકરીઓ સાથે દારૂ પીવે છે અને ઇવન પથારીમાં પણ સૂઇ જાય છે! ટીચર વિદ્યાર્થીઓના દેખતા પોતાના સાથી શિક્ષક સાથે અશ્લીલ ચેનચાળા કરે અને છોકરીઓ છોકરાઓને ગંદા ઇશારા કરે એ કેવું? અને હા, કારગિલના યુદ્ધ પર સ્ટેજ પ્લે ચાલતું હોય ત્યારે શહીદ થઇ રહેલા જવાનની વચ્ચે સાવ બિકિની જેવાં કપડાંમાં એની મા હાજર થઇ જાય? અને એ જોઇને કોલેજના પ્રિન્સિપલ (ગુલશન ગ્રોવર) પણ કશું બોલે નહીં? આવું તે કંઇ હોતું હશે?

દર્શક-1: સાવ સાચી વાત. અને એવું હોય કે અત્યારની સ્ટોરી હોય એટલે એક ગે કેરેક્ટર તો ફિલ્મમાં હોવું જ જોઇએ? ખરેખર તો ફિલ્મ ઇન્ટરવલમાં પૂરી થઇ જાય એવી સ્ટોરી છે. પણ ના, હીરો લક્ષ્ય (નવોદિત હિમાંશ કોહલી)ને પ્રેમમાં પાડવાનો બાકી હતો ને, એટલે પેલી બહેનજી સલોની (રકુલ પ્રીત સિંઘ)ને ઢીનચાક બનાવીને પ્રેમમાં પાડ્યો બોલો. હવે એ આખા ટ્રેકને મૂળ સ્ટોરી સાથે કોઇ લેવાદેવા જ નહોતી.

દર્શક-2: તેં માર્ક કર્યું? સિક્કિમમાં બરફનો વરસાદ થતો હોય ત્યારે પણ હિરોઇન મિની સ્કર્ટ પહેરીને બરફમાં કૂદાકૂદ કરતી હોય. સાવ એવું તો યશ ચોપરા સ્વિત્ઝર્લેન્ડમાં પણ નહોતા બતાવતા, હોં!

દર્શક-1: અને પેલી સ્પર્ધા પણ કેવી, જે જીતે એની કોલેજ! અરે, આ કંઇ વડાપાંવ ખાવાની શરત થોડી છે! મને તો એ સમજાતું નથી કે દીપ્તિ નવલ જેવાં સિનિયર કલાકારે આવું બુદ્ધિ વિનાનું પિક્ચર કર્યું જ શા માટે હશે? જેમાં એમના ભાગે રોનાધોના સિવાય કશું જ ન હોય.

દર્શક-2: પણ ગમે તે કહે, ફિલ્મનું મ્યુઝિક મસ્ત હતું. પેલું હની સિંઘનું ‘સન્ની સન્ની’, પ્રીતમે કમ્પોઝ કરેલું ‘એબીસીડી’વાળું સોંગ અને શફકત અમાનત અલીએ ગાયેલું ‘અલ્લા વારિયાં’ મસ્ત હતું. અને પેલું ‘મેરી માં’ તો તારે ઝમીં પરના મેરી માં સોંગ જેવું જ હતું, નહીં?!

દર્શક-1: હા, ગીતો સારાં હતાં એની ના નહીં, પણ કંઇ ગીત માટે અઢી કલાકની ફિલ્મ થોડી સહન કરાય? પાછાં તો ફિલ્મના અંતે શૂટિંગના સીન્સ અને ડિરેક્ટર બહેન એના બાબાને શૂટિંગમાં કેવી રીતે સાચવતાં એના સીન બતાવે. અરે, શૂટિંગમાં આટલી મહેનત લીધી, તો થોડી મહેનત સ્ક્રિપ્ટ લખવામાં પણ કરી હોત તો?!

(આમ બોલીને બંને દર્શકો પોતાની ટિકિટનો ડૂચો વાળીને કચરાપેટીમાં ઘા કરીને ચાલતી પકડે છે.)

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s