વ્હોટ ધ ફિશ

ગર્રમ મસ્સાલેદાર ખાટીમીઠી વાનગી

***

જો તમને લોચા-લબાચામાંથી જન્મતી ‘ફુકરે ’કે ‘દિલ્હી બેલી’ જેવી કોમેડીમાં રસ પડતી હોય તો આ ફિશની વાનગી તમારા માટે છે.

***

what-the-fish-1st-lookવિલિયમ શેક્સપિયરે ‘કોમેડી ઓફ એરર્સ’ નામનું પ્રખ્યાત નાટક લખેલું, જેના પરથી ગુલઝારની અંગૂર સહિત વિશ્વભરની સેંકડો કૃતિઓ બની ચૂકી છે. અદ્દલ એ જ સ્ટોરી નહીં, બલકે એક લોચો થાય અને એના પછી લોચાઓની હારમાળા સર્જાય એ પ્રકારની અનેક કોમેડી ફિલ્મો આપણે ત્યાં બની છે. તેમાં વધુ એક ઉમેરો છે, વ્હોટ ધ ફિશ. અગાઉ ‘વોર્નિંગ’ નામની થ્રીડી પણ ફ્લોપ ફિલ્મ બનાવી ચૂકેલા ગુરમિત સિંઘે આ વખતે હટ કે કોમેડી ફિલ્મ બનાવી છે, જે એટલિસ્ટ એક વાર તો મજા કરાવે જ છે.

ઘર કમ મચ્છીમાર્કેટ

સુધા મિશ્રા (ડિમ્પલ કાપડિયા) દિલ્હીના વસંત વિહારમાં એકલાં રહેતાં 67 વર્ષીય સન્નારી છે. જોકે એમની તારીફમાં માત્ર આટલું જ કહી શકાય એમ છે. કેમ કે, ડિમ્પલનો સ્વભાવ એટલો બધો કચકચિયો છે કે એનો પતિ પણ એને છોડીને અમેરિકા ભાગી ગયો છે. ‘મોન્સ્ટર માસી’ તરીકે ઓળખાતી ડિમ્પલ એટલી હદે ચીકણી અને પરફેક્શનિસ્ટ છે કે કોઢનો ચેપ લાગવાની બીકે એ રૂપિયાની નોટો પણ ધોઇ ધોઇને બાથરૂમમાં સૂકવ્યા પછી જ વાપરે છે! હવે એવાં આ સુધાબેનને એક મહિના માટે પોતાના દીકરા પાસે અમેરિકા જવાનું થાય છે. એટલે સુધાબેન પોતાની ભાણેજના ફિયાન્સે સુમિતને ઘર સાચવવાની જવાબદારી આપીને જાય છે. સાથે સૂચનાઓનું પોટલું પણ છે. જેમ કે, એની પાળેલી પેરટ ફિશ મિશ્ટીને એક ઢાંકણ ખોરાક આપવાનો, દર પાંચ દિવસે ફિશટેન્કનું પાણી બદલી નાખવાનું, મની પ્લાન્ટને પાણી રેડવાનું, અંદરનું ટોઇલેટ કોઇપણ ભોગે વાપરવાનું નહીં, બેડને બદલે નીચે જમીન પર ગાદલું પાથરીને સૂવાનું વગેરે વગેરે.

હવે એની ભાણેજનો ફિયાન્સે સુમિત બિચારો મોંનો મોળો છે, એ કોઇને ના ન પાડી શકે. એટલે ડિમ્પુ અમેરિકા જવા રવાના થાય છે, એના બીજા જ દિવસે ઘરમાં દોસ્તની બર્થડે પાર્ટી ગોઠવાય છે. પાર્ટીમાં બીજો એક ક્લાસમેટ નીરવ મળે છે, જે એની ગર્લફ્રેન્ડ લોપાને સહારનપુરથી ભગાડીને લાવ્યો છે અને એને ક્યાં રાખવી એ પ્રશ્ન છે. એટલે ડિમ્પુના ઘરના બીજા આશ્રિત બને છે, નીરવ-લોપા. પાર્ટીમાં સુમિતનો એક સિનિયર રવિ પણ છે, જેની આંખોમાં કાયમ વાસનાનાં સાપોલિયાં જ રમતાં હોય છે. નીરવના બોસનું કરવું અને નીરવને થોડા દિવસ માટે એક કોન્ફરન્સમાં મદુરાઇ જવું પડે છે. એ એકલતાનો લાભ લઇને રવિ નીરવની ભલીભોળી ગર્લફ્રેન્ડ લોપાને ભોળવીને એની સાથે બેડરૂમમાં ડિંગડોંગ કરી લે છે. હવે ભોળી લોપા રવિને પોતાના પતિપરમેશ્વર માની લે છે.

લોપાથી પીછો છોડાવવા માટે રવિ પોતાની એક ફ્રેન્ડ મીનલને કામે લગાડે છે. હવે લોપા તો બિચારી સહારનપુર ભેગી થઇ જાય છે, પણ મીનલનો બોક્સર ભાઇ ડિમ્પુના ઘરમાં શિફ્ટ થઇ જાય છે. બોક્સર ભાઇને બોક્સિંગ એકેડમીમાં એડમિશન લેવાનું છે. મીનલબેનનો એક પઠ્ઠો પણ પોતાની ગર્લફ્રેન્ડને દિલ્હીની બોક્સિંગ ટીમમાં સામેલ કરવા માટે સેટિંગ કરાવવાની ફિરાકમાં છે. અને પાછળથી મિઝોરમથી આવેલી અને બોક્સર મેરી કોમ જેવી દેખાતી એની ગર્લફ્રેન્ડ ટોમ્બી પણ પોતાનાં મમ્મી-પપ્પા અને ભાઇ સાથે ડિમ્પુના ઘરમાં શિફ્ટ થઇ જાય છે.

આ બધાં ‘પેટાભાડુતો’ની ભાંજગડમાં ડિમ્પુએ આપેલી સલાહોનું તો પાલન થતું જ નથી, ઊલટું, એના ઘરની હાલત મચ્છીમાર્કેટ જેવી થઇ જાય છે. અધૂરામાં પૂરું માવજતના અભાવે ડિમ્પુની પ્યારી માછલી મિશ્ટી પણ શ્રીજીચરણ પામે છે. હવે, કકળાટનું બીજું નામ એવી ડિમ્પલ પાછી આવવાને માત્ર બે જ દિવસ બાકી છે અને ઘરને પહેલા જેવું કેવી રીતે બનાવવું?

હસતે હસતે ફ્રેશ હો જાયે

‘વ્હોટ ધ ફિશ’ જેવું ‘નોન વેજિટેરિયન’ નામ ધરાવતી આ ફિલ્મ જ્યારે શરૂ થાય છે, ત્યારે શરૂઆતમાં એમાં સ્ટારકાસ્ટ તરીકે માત્ર ડિમ્પલ કાપડિયાનું જ નામ દેખાય છે. એનું કારણ ફિલ્મ શરૂ થયા પછી ખબર પડે છે. એના સિવાયનાં બધાં જ કલાકારો નવોદિત છે. નાટકની જેમ દર થોડી વારે એક પછી એક નમૂનાની એન્ટ્રી થતી રહે છે અને ધમાચકડીનો ગુણાકાર થતો રહે છે. દરેક પાત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે ડિમ્પલના ઘરનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, ડિમ્પલ પોતાના ઘર પ્રત્યે જેટલી પઝેસિવ છે, એનાથી તદ્દન વિપરિત એ ઘરની હાલત બદથી બદતર કરી નાખે છે. આ જ વિરોધાભાસમાંથી કોમેડી સર્જાય છે. ડિમ્પલ અને યુવા એક્ટર મનજોત સિંઘ (ઓય લક્કી લક્કી ઓય અને ફુકરે ફેઇમ) સિવાય બાકીનાં બધા જ નવા ચહેરા છે, પરંતુ એ બધા જ પોતાનાં પાત્રોને ન્યાય આપે છે.

પરંતુ સૌથી ઝક્કાસ એક્ટિંગ છે, ડિમ્પલ કાપડિયાની. કચકચિયણ બાઇ તરીકે એ ફિલ્મના પહેલા જ સીનથી પોતાની પક્કડ બનાવી લે છે. ડિમ્પલની આવી એક્ટિંગ જોઇને કોઇ સપનેય વિચારી ન શકે કે એક સમયે આ ‘બોબી’ જવાં દિલોં કી ધડકન હતી. રાધર એને ત્યારે આવા રોલમાં કોઇએ જોઇ હોત તો એની સાથે ખુદ કાકા રાજેશ ખન્ના પણ લગ્ન કરતાં પહેલાં સો વાર વિચાર કરત!

ફિલ્મનું બીજું જમા પાસું છે, એનો એકદમ ફ્રેશ અને સતત કશુંક ને કશુંક બનતું રહે એવો ફાસ્ટ સ્ક્રીનપ્લે. સ્ક્રીનપ્લે પર મહેનત કરાઇ છે એની એ વાત પરથી જ ખબર પડે છે કે આખી ફિલ્મ વર્તુળ પૂરું કરીને હતી ત્યાં આવીને ઊભી રહી જાય છે. હા, જોકે ફિલ્મને હજી વધારે અણધાર્યા ટ્વિસ્ટ અપાયા હોત તો ફિલ્મ ઓર ઉંચાઇએ જાત. વળી, ફિલ્મમાં આવતાં બે ગીત પણ તેના ઇન્ટરેસ્ટિંગ શબ્દોને કારણે મજા પડે તેવાં બન્યાં છે.

ઇન શોર્ટ

જો તમને ફુકરે, દિલ્હી બેલી, સંકટ સિટી, 99 જેવી ઓફબીટ કોમેડી ફિલ્મોમાં મજા પડી હોય, તો સમજો કે આ ફિલ્મ તમારા માટે છે. હા, આ ફિલ્મ માત્ર એમાં રહેલાં અજાણ્યા કલાકારોને કારણે જ મોટે ભાગે અનનોટિસ્ડ જશે. એને બદલે જો એમાં જાણીતાં કલાકારો હોત તો ફિલ્મને વધુ સારું ઓપનિંગ મળત. કુલ મિલા કે, તમે ભલે શાકાહારી હો, તેમ છતાં તમને આ ફિલ્મમાં મજા પડશે. એટ લિસ્ટ, એક વાર તો જોઇ આવવા જેવી છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s