ઇરિટેટિંગ ફેમિલી

***

અર્બન ગુજરાતીના લિબાસમાં આવેલી આ ફિલ્મનો માંહ્યલો એટલો નબળો છે કે આ સતત ઝઘડતા રહેતા તેના હેપ્પી ફેમિલીથી દૂર રહેવામાં જ સારાવટ છે.

***

maxresdefaultજ્યારથી ગુજરાતીમાં અર્બન, મોડર્ન કે ન્યૂ એજ ફિલ્મો બનાવવાનો વાયરો ફૂંકાયો છે, ત્યારથી ગમે તેવી ધડ-માથાં વિનાની ફિલ્મો રિલીઝ થવા લાગી છે. આ ફિલ્મોનું માત્ર ક્લેવર આધુનિક હોય છે, સ્ટોરી- સ્ક્રીનપ્લેમાં એ જ જરીપુરાણા લોચા હોય છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘હેપ્પી ફેમિલી પ્રા. લિ.’ આવી જ એક નબળી અર્બન ગુજરાતી ફિલ્મ છે.

ખખડતાં વાસણવાળું ફેમિલી

ઉત્તમ મહેતા (રાજીવ મહેતા) મુંબઇના એક મોટા ગુજરાતી બિલ્ડર છે, જે જેટલાં મકાન બાંધે છે એના કરતાં વધારે લોકોને ફાયર કરે છે. એમનો મોટો બંગલો છે, પણ બંગલામાં વસતાં લોકો ભારે વિચિત્ર છે. ઉત્તમભાઇનાં પત્ની કામિની ઉર્ફ કિમિ મહેતા (સોનિયા શાહ) ફિટનેસ ફ્રીક છે. એ કોઇપણ ઉંમરની સ્ત્રીઓને અઢાર વર્ષની બનાવવાના યજ્ઞમાં લાગેલાં છે. દીકરી અનાયા (સ્મૃતિ ખન્ના)એ માત્ર શોપિંગ કરવા માટે અવતાર ધારણ કર્યો હોય એમ ક્રેડિટ કાર્ડ ઘસાવીને શોપિંગ કરતી ફરે છે. કહેવાય છે કે ઉપરવાળો જ્યારે અક્કલ વહેંચતો હતો ત્યારે એ બેન શોપિંગ કરવા ગયેલાં. ઉત્તમ ભ’ઇનો એક ગેંડા જેવો જાડિયો પાડિયો દીકરો પણ છે, પરંતુ એનું નામ ટાઇગર (કરણ આશર) છે. એ આખો દિવસ ખાઉં ખાઉં જ કરતો રહે છે.

અચાનક એક દિવસ ઉત્તમભઇ પર ફાયરિંગ થાય છે અને એમને વિથ ફેમિલી અંડરગ્રાઉન્ડ થઇ જવાનો વારો આવે છે. એટલે એ ગૂગલ પર શોધવા છતાંય ન મળે એવા ગુજરાતના એક નાનકડા ગામ એન્ટિલાપુરમાં રહેતા પોતાના મોટા ભાઇ પુરુષોત્તમ મહેતા (દીનેશ હિંગુ) પાસે જતા રહેવાનું નક્કી કરે છે. આ એન્ટિલાપુર પણ ગજબનું ગામ છે, ત્યાં પૈસા નહીં બલકે બાર્ટર સિસ્ટમ ચાલે છે. મતલબ કે કામની સામે કામ કરી આપવાનું. દાઢી કરાવવી હોય તો એના બદલામાં કપડાં ધોઇ આપવા પડે એવું. પૈસા ધરો તો એ લોકો એનું વિમાન બનાવીને ઉડાડી મૂકે.

મુંબઇની હાઇફાઇ લાઇફમાં રહેવા ટેવાયેલો આ પરિવાર એ વિચિત્ર ગામમાં માંડ એડજસ્ટ થાય છે, ત્યાં પુરુષોત્તમ ભાઇની તબિયત લથડે છે અને એ કહે છે કે અહીં ગામનો એક માથાભારે માણસ નામે પિંકીભાઇ (વ્રજેશ હીરજી) અમારાં નંદિની માતાને કિડનેપ કરીને બેઠો છે. તમે એને છોડાવી લાવો તો હું શાંતિથી સ્વર્ગે સિધાવું. બસ, પોતે જે કામ માટે આવેલા એ કામ પડતું મૂકીને હવે આ ફેમિલી એ નંદિની માતાને છોડાવવાની ભાંજગડમાં લાગી જાય છે.

અર્બન કે નામ પર કુછ ભી

ગુજરાતીઓ પોતાની જ ફિલ્મો જોતાં નથી અને એમને માતૃભાષા પ્રત્યે કશો પ્રેમ નથી એવું મહેણું એમના માથે મારવામાં આવે છે. વળી, જ્યારથી ‘કેવી રીતે જઇશ’ હિટ ગઇ છે અને કહેવાતી અર્બન ગુજરાતી ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. અને ત્યારથી જ ગુજરાતી પ્રેક્ષકોના માથે તેને હિટ કરાવવાની અદૃશ્ય જવાબદારી નાખી દેવામાં આવી છે. એટલે આવી સો કોલ્ડ ‘હટ કે’ ગુજરાતી ફિલ્મ જોતી વખતે તેને પરાણે ગમાડવાનો એક અપરાધભાવ જોડાઇ જાય છે.

પરંતુ એનો અર્થ એ નથી કે આધુનિક પહેરવેશમાં ગમે તેવી ફિલ્મો ગુજરાતીઓના માથે મારવામાં આવે, એને લોકો જુએ અને એનાં ઓવારણાં પણ લે. ‘હેપ્પી ફેમિલી પ્રા. લિ.’ના લેખન સાથે દીલિપ રાવલ જેવું મંજાયેલું નામ જોડાયેલું હોવા છતાં ફિલ્મનું રાઇટિંગ તદ્દન કંગાળ છે. ‘સફેદ સાડી મને સૂટ નથી થતી’ કે ‘ગાય ભેંસ દીવાલ પર કઇ રીતે છી છી કરે’ જેવાં જોક્સ એક્સપાયરી ડેટ વટાવી ગયાને પણ જમાનો વીતી ગયો હોવા છતાં હજી અહીં ઘુસાડવામાં આવ્યા છે.

એરોગન્ટ બોસ, તુમાખીવાળી ફિટનેસ ફ્રીક શેઠાણી, પાવલી કમ દીકરી, ખાઉધરો છોકરો, ચક્રમ વિલન… આ બધાં જ ક્લિશે હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં પણ જૂના થઇ ગયા છે. એટલે એમાંનું કશું જ અહીં નવું લાગતું નથી. ફિલ્મનું નામ હેપ્પી ફેમિલી છે, પણ અહીં જે ફેમિલી છે તે એટલી બધી રાડારાડી અને કચકચ કર્યે રાખે છે કે હસવાને બદલે ઇરિટેટ થઇ જઇએ.

હા, રૂપિયો સમાજમાં અસમાનતા ઊભી કરે છે એને બદલે બાર્ટર સિસ્ટમ હોય એવો સિંગલ લાઇન કન્સેપ્ટ સારો છે, પરંતુ એ કન્સેપ્ટ પર એક સારી સ્ટોરીની ઇમારત ખડી કરવામાં લેખકો અને દિગ્દર્શક રઘુવીર જોશી તદ્દન નિષ્ફળ ગયા છે. ફિલ્મના લેખક જાણે હોલિવૂડથી અત્યંત પ્રભાવિત હોય એમ હુમલાખોર અહીં ‘ધ ડાર્કનાઇટ’ ફિલ્મના વિલન ‘જોકર’ના ગેટઅપમાં છે (અને બિલકુલ આઉટ ઓફ ધ બોક્સ એવું ‘વ્હાય સો સરસ?’ એવું બોલે છે), જ્યારે વ્રજેશ હીરજી પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનના જેક સ્પેરોના ગેટઅપમાં દેખાય છે. જે ગામનાં બાળકોએ રૂપિયાની નોટો ન જોઇ હોય એ ગામના લોકો રેપ સોંગ કઇ રીતે ગાઇ શકે?  કે ‘હકુના મટાટા’ જેવો શબ્દ પ્રયોગ ત્યાં કેવી રીતે ચલણી બન્યો હોઇ શકે?

ફિલ્મના રિસર્ચ વર્કમાં પણ લોચા લાગે છે. ગામના દવાખાનાની ઉપર માત્ર દવાખાનું એવું જ લખ્યું હોય, ‘એન્ટિલાપુરનું દવાખાનું’ એવું ન લખેલું હોય. અને બ્રાહ્મણો જનોઇ જમણા કાને ચડાવે, ડાબા કાને નહીં. ફિલ્મમાં એક નાનકડું સસ્પેન્સ પણ છે, પરંતુ એ બાલિશતાની હદે પ્રીડિક્ટેબલ છે.

ફિલ્મમાં લગભગ એક પણ જોક હસાવવામાં સફળ થતી નથી. ઇવન વ્રજેશ હીરજીની ફટિચર શાયરીઓ પણ હસાવી શકતી નથી. (સેમ્પલઃ કાલે દોઢિયું શીખાવડ્યું’તું, આજે હિંચ શીખવાડીશ; જલદી ઊઠો નહીં તો કાન નીચે એક વગાડીશ!)

જસ્ટ અનધર ગુજરાતી નાટક જેવી ફીલ આપતી આ ફિલ્મનું સંગીત પણ અત્યંત કંગાળ છે અને એમાં કરાતાં ડાન્સ સ્ટેપ્સ પણ જરીપુરાણાં છે. એડિટિંગ ટેબલ પર લોચો થયો હોય કે કેમ, પણ ફિલ્મમાં અમુક ઠેકાણે એટલા ગંદા કટ્સ વાગે છે કે આંખમાં વાગે.

ફેમિલીમાં હેપ્પી થવા જેવું કશું છે ખરું?

આ ફિલ્મમાં એનિમેશનનો ઉપયોગ સરસ લાગે છે, અને એનિમેશનની ક્વોલિટી પણ ઇન્ટરનેશનલ લેવલની હોય એવું લાગે છે. ઉમદા કલાકાર રાજીવ મહેતા એ આ ફિલ્મનો એકમાત્ર નક્કર પ્લસ પોઇન્ટ છે. કાશ એમને ખીચડીના પ્રફુલ જેવી સ્ટ્રોંગ સ્ક્રિપ્ટ મળી હોત. હા, દિનેશ હિંગુને સ્ક્રીન પર જોવા એ લાહવો છે, પરંતુ અહીં એમનું ટ્રેડમાર્ક ફેફસાંફાડ અટ્ટહાસ્ય ગાયબ છે. રાધર, એ ખાસ્સા અશક્ત દેખાય છે.

જ્યારથી મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો છે ત્યારથી ગુજરાતી ફિલ્મોને ‘ખાસ ઘ. દરે’ (ઘટાડેલા દરે) બતાવવાનો રિવાજ પણ સિંગલ સ્ક્રીન થિયેટરોની સાથે જ જતો રહ્યો છે. એટલે આપણને માતૃભાષ। ગુજરાતી પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી જીવિત કરવાની ગમે તેટલી હોશ હોય, તેમ છતાં ઠોઠ વિદ્યાર્થીને વધુ પડતા ગ્રેસના માર્ક આપીને ચઢાવો પાસ કરવાનું પાપ કરવા જેવું નથી. આમ કરવાથી તો વધુ નબળા માલ પધરાવવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે. માટે, આ ફેમિલીથી દૂર જ રહેજો.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s