સની સિંઘમ દેઓલ!

***

માત્ર સન્ની દેઓલના ફેન ફોલોઇંગને એનકેશ કરવા માટે જ બનાવાયેલી આ ફિલ્મમાં એમની સુપરહીરો છાપ ફાઇટિંગ સિવાય બીજું કશું જ નથી.

***

singh-saab-great-poster_138295835400‘ગદર’ ફેઇમ અનિલ શર્મા અને ‘ઢાઇ કિલો કા હથૌડાવાલા હાથ’ ફેઇમ સન્ની દેઓલ ‘સિંઘ સા’બ ધ ગ્રેટ’ સાથે ફરી પાછા ત્રાટક્યા છે. એ બંનેએ સાથે મળીને ફિલ્મમાં મ્યુનિસિપાલિટીની ડિમોલિશન શાખાનાં બુલડોઝર કરતાં પણ વધારે તોડફોડ કરી છે! પરંતુ એમનું આ આગમન એટલું બધું મોડું છે કે ફિલ્મમાં બધું જ આઉટડેટેડ અને વાસી લાગે છે.

સન્ની સિંઘમ સ્ટાઇલ

આમ તો આ આખી ફિલ્મ ન્યૂઝ ચેનલની રિપોર્ટર અમ્રિતા રાવના નરેશનવાળા ફ્લેશબેકમાં રજૂ થાય છે, પરંતુ આપણે એવી બધી બબાલમાં પડ્યા વિના ફટાફટ ફિલ્મની સ્ટોરીલાઇન જોઇ લઇએ. સરનજિત સિંઘ તલવાર ઉર્ફ સન્ની (સન્ની દેઓલ) ભદૌરી ગામના કલેક્ટર છે. એ અત્યંત પ્રામાણિક છે એટલે એમની દર થોડા સમયાંતરે બદલીઓ થઇ જાય છે. એ પોતાના બંગલાની બહાર જરૂરિયાતમંદ લોકોની લોકઅદાલત યોજે છે અને યોગ્ય કાર્યવાહી કરે છે. એમાં વાત બહાર આવે છે કે શહેર પર સૈકાઓથી રાજ કરતા આવેલા ખાનદાનના વર્તમાન વંશજ ભૂદેવ સિંહ (પ્રકાશ રાજ) ગુનાખોરીની ડિક્શનેરીમાં હોય એવા બધા જ ગુના કરે છે. એમના લાખોના એક્સાઇઝની વસૂલી માટે સિંઘસા’બ એને નોટિસ મોકલે છે. એટલે અકળાયેલા ભૂદેવ સિંઘસા’બ પાસે આવીને એમની બહેન વિશે એલફેલ બોલે છે અને સિંઘસા’બ પોતાના ખાસ અંદાજમાં એમને એક તમાચો રસીદ કરે છે. સમસમી ઊઠેલા ભૂદેવ ‘કર્મા’ ફિલ્મના ડોક્ટર ડેન્ગની જેમ સિંઘસા’બની જિંદગી બરબાદ કરી દેવાનાં કસમ ખાય છે.

પહેલાં તો એ સિંઘસા’બની પત્ની (ઉર્વશી રૌતેલા)ને મરાવી નાખે છે અને પછી કરપ્શન સહિત જાતભાતના ચાર્જિસ લગાવીને એમને સોળ વર્ષની જેલમાં મોકલી દે છે. પરંતુ સારી ચાલચલગત અને પોતાના એક જૂના આઇપીએસ મિત્ર (રજિત કપૂર)ની મદદથી એ સાત જ વર્ષમાં બહાર આવી જાય છે. બહાર આવીને એ ફરી પાછા ભદૌરી આવીને ભ્રષ્ટાચાર તથા અન્યાય સામે ‘પીપલ્સ બીટ’ નામે ચળવળ શરૂ કરે છે. આ સાથે પ્રકાશ રાજ અને સન્ની દેઓલ બંને આમને સામને આવી જાય છે.

ઓન્લી સન્ની દેઓલ શો

આ ફિલ્મ માત્ર અને માત્ર સન્ની દેઓલના ડાઇ હાર્ડ ફેન્સ માટે જ છે. એમના માટે એ ફરી પાછા પોતાની ઘાતક, ઝિદ્દી જેવી ફિલ્મોની સ્ટાઇલમાં પાછા ફર્યા છે. અનિલ શર્મા અને સન્ની દેઓલને કદાચ એવું લાગ્યું હશે કે એમના પછી આવેલા અક્ષય કુમાર, સલમાન જેવા સ્ટાર્સ જો સાઉથ ઇન્ડિયન એક્શન ફિલ્મોની સ્ટાઇલમાં ધબાધબી બોલાવી શકતા હોય તો અમે શા માટે રહી જઇએ?! એટલે આ ફિલ્મમાં તેઓ એક્શનનો એક પણ મોકો ચૂકતા નથી. આ વખતે સન્નીપાજી હલ્ક અને ક્રિશને પણ લઘુતાગ્રંથિ આવી જાય એવા અવતારમાં છે. એ એક મુક્કા સાથે હવામાં જ ઘઉંની બોરી તોડી નાખે છે, છ ફૂટિયા પહેલવાનને એક હાથે ઊંચકીને ફેંકી દે છે, એક હાથે કાર રોકી દે છે, જિપને ફેરવી નાખે છે, ટ્રકના પૈડા નીચેથી પોતાનો હાથ સહીસલામત બહાર કાઢી લે છે… જો તમને આ બધું વધારે પડતું લાગતું હોય તો ફિલ્મની શરૂઆતમાં જ એની ચોખવટ કરી દેવાય છે કે અગાઉ એમનો હાથ ઢાઇ કિલોનો હતો, હવે ભારતની વસ્તી વધીને 127 કરોડ થઇ ગઇ છે એટલે એમના હાથની કેપેસિટી પણ વધી ગઇ છે!

પરંતુ ગુડ વર્સસ ઇવિલની આ રિવેન્જ સ્ટોરીમાં કશું જ નવું નથી. બલકે અજય દેવગનને સ્થાને સન્ની દેઓલને લઇને સિંઘમ ફરીથી બનાવી હોય એવું લાગે છે. એટલે સુધી કે સિંઘમના જયકાંત શિકરે યાને કે પ્રકાશ રાજ પણ એવી જ એક્ટિંગ સાથે અહીં હાજર છે.

હકીકતમાં આ બંને સ્ટાર સિવાય અહીં બીજા કોઇની જરૂર જ નથી, પરંતુ પછી કિડનેપ કોને કરવા, કોની હડ્ડીપસલી એક કરવી એવા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે અન્ય પાત્રો ભભરાવવામાં આવ્યાં છે. એવાં પાત્રોમાં અહીં નવોદિત અભિનેત્રી ઉર્વશી રૌતેલા, અમ્રિતા રાવ, જ્હોની લીવર, સંજય મિશ્રા વગેરે કલાકારોને લેવાયાં છે, જેમનું લગભગ કશું જ કામ નથી.

બીજા બધા ડિપાર્ટમેન્ટ્સની ઐસીતૈસી

સિંઘસા’બ ધ ગ્રેટમાં માત્ર એક્શન ડિપાર્ટમેન્ટમાં જ મહેનત કરવામાં આવી છે. સન્ની દેઓલની ગળું ફાટી જાય એવી ચિલ્લાચિલ્લી અને પ્રકાશ રાજની સનકી વિલનગીરી સિવાય કોઇનું કામ અહીં નોંધમાં આવતું નથી. સોનુ નિગમે કમ્પોઝ કરેલું ટાઇટલ સોંગ ‘સિંઘસા’બ ધ ગ્રેટ’ ગીત ટેક્સી સર્કિટમાં હિટ થયું હશે, બાકી આનંદ રાજ આનંદનાં બધાં ગીતો આ બોરિંગ ફિલ્મને વધુ બોરિંગ બનાવવાનું જ કામ કરે છે. ફિલ્મી પડદે આવ્યા વિના રહી ગયા હોય એમ ધર્મેન્દ્ર અને બોબી દેઓલ પણ એક ગીતમાં દેખાય છે. દાઢી વિના ઓલ્ડી લાગતા સન્ની દેઓલે કદાચ પહેલી વાર પડદા પર કિસિંગ સીન કર્યો હશે.

ઇન શોર્ટ

જો તમે (હજી) સન્ની દેઓલના સખ્ખત ફેન હો અથવા તો તમે સિંઘમ કે રાઉડી રાઠૌર જેવી ફિલ્મો જોઇ જ ન હોય કે પછી તમારી યાદદાસ્ત બહુ બધાં વર્ષો પછી અચાનક પાછી ફરી હોય, તો જ આ ફિલ્મ જોવાની હિંમત કરજો. અને હા, તમારી સાથે માથાના દુખાવાની ટિકડી રાખવાનું ભૂલશો નહીં!

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s