ગોરી તેરે પ્યાર મેં

કેન્ડી ફ્લોસ રોમાન્સ

***

આ ફિલ્મ એના ગીતની જેમ ચિંગમ ચબા કે બનાવી હોય એ હદે શરૂઆતમાં ગળી પછી સાવ ફિક્કી, કૃત્રિમ અને પૂરી જ ન થાય એવી કંટાળાજનક છે.

***

1596b66f66e5d29465230587091b25b0એક કરોડોપતિના દીકરાને સ્કૂલમાં ગરીબ પર નિબંધ લખવાનો આવ્યો. હવે, આ ટેણિયાએ ક્યારેય ગરીબી જોયેલી જ નહીં. એટલે એણે નિબંધ લખ્યો, ‘એક ગરીબ માણસ હતો. તે એટલો ગરીબ હતો કે એના બંગલાના તમામ નોકરો પણ ગરીબ હતા. એના માળી, ડ્રાઇવર, ચોકીદાર બધા જ અત્યંત ગરીબ હતા…’ આ જમાના જૂનો જોક ગઇ કાલે રિલીઝ થયેલી પુનિત મલ્હોત્રાની ફિલ્મ ‘ગોરી તેરે પ્યાર મેં’ને પરફેક્ટ્લી લાગુ પડે છે.

2 ટકા સ્માર્ટ, 98 ટકા બોરિંગ અને 100 ટકા લાંબી

શ્રીરામ વેંકટ (ઇમરાન ખાન) બેંગલુરુના એક બિલ્ડરનો ટિપિકલ અમીર બાપ કી બિગડી ઔલાદ જેવો દીકરો છે, જેને પોતાના દાદાની અંતિમ ક્રિયામાં જવાને બદલે ધત્ત તેરી કી જેવાં ગીતો ગાવામાં વધારે રસ છે. એ અમેરિકાથી આર્કિટેક્ચરની ડિગ્રી લઇને આવ્યો છે, પરંતુ અહીં ઇન્ડિયામાં એના બાપાએ અપાવેલી મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે, આઇફોન વાપરે છે અને કપડાં બદલતો હોય એમ ગર્લફ્રેન્ડ બદલે છે. એ દરમિયાન ઇમરાનને કરોડપતિ સમાજ સેવિકા દિયા (કરીના કપૂર) મળી જાય છે અને બે-ચાર કહેવાતી સમાજસેવાનાં કામો કર્યાં પછી બંનેને એકબીજા સાથે ઇશ્ક થઇ જાય છે.

પરંતુ ઇમરાનના પપ્પા દીકરાથી અત્યંત કંટાળ્યા છે અને એને રોજ કન્નડ ભાષામાં ધમકાવ્યા કરે છે. આખરે એને લાગે છે કે હવે આને સુધારવાનો એક જ ઇલાજ છે, એનાં લગ્ન. અને શ્રીરામનાં લગ્ન એમની જ જ્ઞાતિની શ્રદ્ધા કપૂર સાથે કરવાનું નક્કી થઇ જાય છે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. શ્રદ્ધા કપૂર ઇમરાનને કહે છે કે એને એક પંજાબી છોકરા સાથે પરણવું છે, પણ એ પંજાબી હોવાને નાતે એનાં પરિવારજનો એને ક્યારેય આ લગ્ન માટે મંજૂરી નહીં આપે. રેસ્ટોરાંમાં ઇમરાન પણ શ્રદ્ધાને પોતાની અને કરીનાની લવસ્ટોરી કહે છે. એ બાર બાર લગાતાર ફ્લેશબેક્સમાં આપણને ખબર પડે છે કે કરીના તો ઇમરાનના ટોણાથી રિસાઇને ગુજરાતના કોઇ નાનકડા ગામડામાં સમાજસેવા કરવા જતી રહી છે.

ઇમરાન કરીનાને પાછી મેળવવા માટે એ ગામડે પહોંચે છે, જ્યાં કરીના સમાજસેવાના નામે ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ પણ કરાવી રહી છે. ગામને નદી ઓળંગવા માટે એક પૂલની અત્યંત જરૂર છે, પરંતુ જિલ્લાનો ખડૂસ કલેક્ટર લતેશ શાહ (અનુપમ ખેર) એ માટે રાજી નથી. હવે કરીના અને ઇમરાનની લવસ્ટોરી પૂરી થવાને આડે એ પુલ આવીને ઊભો રહે છે.

કેન્ડી ફ્લોસ ઇમોશનલ

અગાઉ કરણ જૌહરના જ બેનરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિરકી ઉડાડતી ઠીકઠાક ફિલ્મ ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ બનાવી ચૂકેલા પુનિત મલ્હોત્રાએ આ વખતે આર્ટિફિશિયલ સ્વીટનર જેવી કૃત્રિમ ફિલ્મ બનાવી છે. ફિલ્મ શરૂ થાય છે, ત્યારે એમાં ચેતન ભગતની નોવેલ ‘ટુ સ્ટેટ્સ’ જેવા સ્માર્ટ ચમકારા દેખાય છે. સતત કકળાટ કરતાં રહેતાં પેરેન્ટ્સ, લાકડે માંકડું વળગાડતાં હોય એવાં અરેન્જ્ડ મેરેજ, ‘મુર્ગીયાં ખાને સે ગ્લોબલ વોર્મિંગ નહીં હોતી. હરિયાલી બચાઓ, મુર્ગીયાં ખાઓ’ જેવાં (શાકાહારીઓને કઠે એવાં પરંતુ) સ્માર્ટ વનલાઇનર્સ, ‘ઓલ ઇઝ વેલ’ બોલીને થ્રી ઇડિયટ્સ જેવી ફિલ્મોની ઠેકડી એવું બધું રસપ્રદ આવે છે. પરંતુ ધીમે ધીમે એક પછી એક આવતાં ગીતો અને બોરિંગ પ્રીડિક્ટેબલ લવ સ્ટોરીઝનું એવું બોરિંગ ચક્કર શરૂ થાય છે કે જે છેક અઢી કલાક સુધી પૂરું થવાનું નામ લેતું નથી. ઉપરથી માંડ હજી એક ગીતમાં ઢેકાં ઉલાળવાનું પૂરું થયું હોય કે તરત જ બીજા ગીતમાં ઊલળવા માટે એમના ઢેકા તૈયાર જ હોય છે.

ફિલ્મમાં અમીર પપ્પાની દીકરી કરીના કપૂરને સોશિયલ વર્કર બતાડાઇ છે, જે જાન ન પહેચાન ગમે ત્યાં સમાજ સેવા કરવા ધસી જાય છે. ઇવન જેમની સેવા એ કરી રહી છે એ લોકોને પણ એમાં રસ હોય એવું લાગતું નથી. એ મુખ્યમંત્રીના કાફલા માટે રોકાયેલો ટ્રાફિક ખોલાવે છે, ગણિકાઓ પર ડોક્યુમેન્ટરી બનાવે છે અને ગામડાના લોકો માટે પુલ બનાવવા માટે મગજમારી કરે છે, પરંતુ એકેય કામમાં એને ખરેખર ચિંતા હોય એવું દેખાતું નથી. જાણે હમણાં ડિરેક્ટર ‘કટ્’ બોલશે અને કરીના દિયામાંથી શ્રીમતી સૈફ અલી ખાન બની જશે. એને ઇમરાનનું ‘શ્રીરામ’ નામ શ્રીદેવી જેવું લાગે છે અને આખી ફિલ્મમાં એ ઇમરાનને શ્રીદેવી કહીને જ બોલાવે છે (હે રામ)! અને બાય ધ વે, ઇમરાન અને કરીના કપૂર વચ્ચે ઝીરો કેમિસ્ટ્રી લાગે છે. હવે બંનેને એકબીજાની અપોઝિટ લઇને ફિલ્મો બનાવવાનું બંધ કરવું જોઇએ.

ચાઇનાના માલ જેવી કૃત્રિમ

આ ફિલ્મનો પ્રોડ્યુસર કરણ જૌહર છે એટલે ફિલ્મની એકેએક ફ્રેમમાં ભવ્યતા દેખાય છે, પરંતુ બધું જ કૃત્રિમ લાગે છે. ઇવન ગુજરાતના ગામડાનો સેટ પણ એટલો જ આર્ટિફિશિયલ લાગે છે. ફિલ્મમાં મા-બાપ, ખુદ હીરો-હિરોઇન, ગામડાંના લોકો, રાજકારણી… બધાં જ જાણે વેશભૂષાની સ્પર્ધામાં ભાગ લેતાં હોય એ હદે વાસ્તવિકતાથી દૂર લાગે છે. ‘સ્વદેશ’માં જે રીતે શાહરુખ ખાન ગામલોકો માટે પાણીમાંથી વીજળી પેદા કરી આપે છે, એ જ રીતે ઇમરાન પણ ગામલોકો માટે પુલ બનાવડાવવામાં મદદ કરે છે. પરંતુ એ પુલની આખી સિક્વન્સ માત્ર સિમેન્ટના સ્પોન્સર્સને બતાવવા માટે જ ફિલ્મમાં ઘુસાડાઇ હોય એવી લાગે છે.

કરીના સમાજસેવા કરતાં ઇમરાનને બતાડી આપવા માટે ગામડે આવી હોય એવું લાગે છે, જે પુલ બને તે તરત જ ગામડેથી ચાલતી પકડવાની ફિરાકમાં છે. ઇમરાન એક નાનકડો થેલો લઇને ગામડે આવ્યો, છે પણ જાણે મનીષ મલ્હોત્રાનો આખો વોર્ડરોબ લઇ આવ્યો હોય એમ કપડાં બદલે છે. અને તદ્દન ખોટું ગુજરાતી બોલતા અનુપમ ખેર પણ સિત્તેરના દાયકાની ફિલ્મોના લાલચુ મુનિમ જેવા વધારે લાગે છે (અને તેઓ ફિલ્મને અંતે પોતાનો શેવ કરેલો પગ બતાડે છે! શેઇમ શેઇમ!) આ ફિલ્મમાં એટલું બધું ફિલ્મી ગુજરાતી ગામડું બતાવાયું છે કે એની સરખામણી સહેજે ગયા અઠવાડિયે આવેલી રામલીલા સાથે થઇ જાય.

ફિલ્મમાં એક માત્ર શ્રદ્ધા કપૂરની એક્ટિંગ વાસ્તવિક લાગે છે, પરંતુ અફસોસ એને ગુજરાતી થાળીમાં ચટણી જેટલો જ રોલ આપવામાં આવ્યો છે.

ડૂબતી ફિલ્મનું તરણું, મ્યુઝિક

વિશાલ શેખરનું મ્યુઝિક આ ફિલ્મને સાવ અસહ્ય બનતી અટકાવે છે. ફિલ્મનાં ધત્ત તેરી કી, ટૂહ, ચિંગમ ચબા કે, નૈના, દિલ ડફર જેવાં ગીતો અત્યારની જનરેશનને મોબાઇલમાં સેવ કરીને સાંભળવા ગમે તેવાં ફાસ્ટ બન્યાં છે. બાય ધ વે, ‘ટૂહ’ જેવો પંજાબી અપશબ્દ સેન્સરમાંથી પાસ કેવી રીતે થઇ ગયો?! અઢી કલાકની ફિલ્મમાં લગભગ 37 મિનિટનાં ગીતો છે, જે આ બોરિંગ ફિલ્મને ઓર લાંબી બનાવી દે છે.

ઇન શોર્ટ

ફિલ્મની શરૂઆત જોતાં લાગે છે કે પુનિત મલ્હોત્રાને ફેમિલી ટાઇપની રોમ-કોમ બનાવવામાં વધારે ફાવટ છે. આ ફિલ્મને એણે જો નોર્થ વર્સસ સાઉથનાં કલ્ચર ગેપમાંથી જન્મતી ફન્ની રોમેન્ટિક કોમેડી તરીકે બનાવી હોત તો તે વધારે સારી બની હોત. કેમ કે, ફિલ્મમાં ફેમિલી સાથેના સીન્સ જ માણવા લાયક બન્યા છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s