રજ્જો

રજ્જોથી બચજો!

***

આ ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે એની પાસે ફિલ્મની શરૂઆતમાં આવતી એન્ટિ સ્મોકિંગની એડ પણ સારી લાગે!

***

rajjo-poster-2તવાયફોનાં જીવન પર બનેલી ફિલ્મોનું નામ પડે એટલે આપણને કમાલ અમરોહીની ‘પાકીઝા’, શ્યામ બેનેગલની ‘મંડી’થી લઇને મહેશ ભટ્ટની ‘સડક’ સુધીનાં નામ યાદ આવી જાય. આઇએએસ ઓફિસર ટર્ન્ડ રાઇટર ટર્ન્ડ ડિરેક્ટર એવા વિશ્વાસ પાટિલે કંગના રણૌતને લઇને બનાવેલી ફિલ્મ ‘રજ્જો’ પણ આ જ ફિલ્મોની જેમ એક ગણિકાને સમાજમાં માનભર્યું સ્થાન અપાવવાની સ્ટોરી કહે છે. બટ વેઇટ, આ મહાન પ્રસ્તાવના પરથી રખે એવું માનતા કે રજ્જો સારી ફિલ્મ હશે. ઇન ફેક્ટ, મુખ્ય થીમની સામ્યતાને બાદ કરતાં આ ફિલ્મમાં એવો એક પણ ગુણ નથી કે જેથી તેને આગળની ફિલ્મોની પંગતમાં મૂકી શકાય.

ઘસાયેલી સ્ટોરી, કટાયેલી ટ્રીટમેન્ટ

ચંદુ (નવોદિત પારસ અરોરા) એકવીસ વર્ષનો મધ્યમવર્ગીય પરિવારનો કોલેજિયન છોકરો છે, ક્રિકેટ અને સંગીતમાં હોંશિયાર છે. એક મેચમાં તે કોહલીછાપ ફટકાબાજી કરીને મેચ જિતાડે છે, જેના સેલિબ્રેશન રૂપે ચંદુ એન્ડ ફ્રેન્ડ્સની બચ્ચાપાર્ટી નાગપાડામાં આવેલા વેશ્યાવાડામાં જાય છે. ત્યાં આ ભાઇ ચંદુ રજ્જો (કંગના રણૌત) નામની ફૂટડી તવાયફ પર ફિદા થઇ જાય છે. ધીમે ધીમે ભણવાનું તડકે મૂકીને એ વારંવાર રજ્જો સાથે ગપ્પાં મારવા આવવા માંડે છે. અદભુત ડાન્સર એવી રજ્જોને પણ આ બેબીફેસ્ડ બાળકબુદ્ધિ ચંદુ સાથે ઇલુઇલુ થઇ જાય છે. ઝાઝું કશું વિચાર્યા વગર બંને લગ્ન પણ કરી લે છે, જેમાં એને રજ્જોના કોઠાની વ્યંડળ સંચાલિકા બેગમ (મહેશ માંજરેકર)નો પણ સાથ મળે છે. પરંતુ પરણીને બંને જાય ક્યાં? કેમ કે એક તો ચંદુ કશું કમાતો નથી, ઉપરથી એના પપ્પા (વિપિન શર્મા) પણ એને બહાર કાઢી મૂકે છે. રખડતાં રખડતાં બંને યેઉરની તળેટીના વન વિસ્તારમાં ચાલતી આદિવાસી બાળકો માટેની સ્કૂલમાં આશરો લે છે. જ્યાં રજ્જો બાળકોને સંગીત શીખવે છે અને ચંદુ ચાઇનીઝની લારી શરૂ કરે છે.

પરંતુ પાવરફુલ પોલિટિકલ કનેક્શન્સ ધરાવતો બિલ્ડર હાંડે ભાઉ (પ્રકાશ રાજ) ગમે તેમ કરીને રજ્જોને મેળવવા અને પોતાના બારમાં નચાવવા માગે છે. એટલે તે આ બંને તોતા-મૈનાની જોડીને હેરાન કરવામાં કંઇ બાકી નથી રાખતો. હવે રજ્જો અને એનો ચંદુ શું કરશે?

લોજિક કા ધી એન્ડ

સવા બે કલાકની આ ફિલ્મ એટલી હદે કંગાળ, શિખાઉ અને બોરિંગ છે કે તેને સહન કરવી એ હિંમતનું કામ છે. જરી પુરાણી સ્ટોરીને અત્યંત નબળા, ધડ માથા વિનાના સ્ક્રીનપ્લેમાં પરોવવામાં આવી છે. ફિલ્મના નવોદિત ડિરેક્ટર વિશ્વાસ પાટિલ સીધા કોઇ પ્રાઇમરી સ્કૂલમાંથી બહાર આવ્યા હોય એટલું કાચું પાકું એમનું દિગ્દર્શન છે. સિત્તેર એમએમના પડદા જેવડો મોટો સવાલ એ થાય કે એવી તે કઇ મજબૂરી હશે કે કંગના અને પ્રકાશ રાજ જેવાં કલાકારોએ આ ભંગાર ફિલ્મ કરવી પડી હશે?

ફિલ્મમાં એક પછી એક બનતી ઘટનાઓ વચ્ચે લોજિક નામનો કોઇ સેતુ હોઇ શકે એવું ડિરેક્ટરને લાગતું જ નહીં હોય. ઉપરથી પાત્રોનાં રિએક્શન્સ જોઇને તમારા મનમાં એક જ પ્રશ્ન હથોડાની જેમ અફળાયા કરશે, ‘યે ક્યા હો રહા હૈ?’

ફિલ્મનાં પોઝિટિવ પાસાં આમ તો શોધવા અત્યંત અઘરાં છે, પરંતુ જો શોધવાં જ હોય તો તે છે કંઇક અંશે કર્ણપ્રિય અને શાસ્ત્રીય ઢાળમાં કમ્પોઝ થયેલાં ગીતો (થેંક્સ ટુ સંગીતકાર ઉત્તમ સિંઘ). ઉપરાંત કંગના રણૌતની એના પાત્રને વફાદાર રહીને કરાયેલી એક્ટિંગ. ધેટ્સ ઓલ!

અદભુત અદાકાર એવા પ્રકાશ રાજ હિંદી ફિલ્મોમાં હરી ફરીને સિંઘમના જયકાંત શિકરે જેવા જ રોલ શા માટે કર્યે રાખે છે એ સમજાતું નથી. અગાઉ પરેશ રાવલ, સદાશિવ અમરાપુરકર, આશુતોષ રાણા, નિર્મલ પાંડે જેવા કલાકારો વ્યંડળની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. અહીં મહેશ માંજરેકરે એમાં એકેય નવો શેડ નથી ઉમેર્યો. બલકે અહીં તો એ ડાર્ક લિપસ્ટિકમાં વિક્રમ વેતાળ સિરિયલના વેતાળ જેવા વધારે લાગે છે! જ્યારે હીરો બનતા નવોદિત પારસ અરોરાની એક્ટિંગમાં તો કશો દમ નથી, પણ એનો ચહેરો પણ એટલી હદે બાળક જેવો છે કે આપણને શંકા થઇ આવે કે આ લોકો બાળલગ્નને ઉત્તેજન તો નથી આપી રહ્યા ને?! (કદાચ એટલા માટે જ ફિલ્મમાં ભાર દઇને બોલે છે કે હીરોની ઉંમર એકવીસ વર્ષની છે!)

ઇન શોર્ટ

અત્યારે ટિકિટબારી પર એવો માહોલ છે કે સૌને રામલીલા જ જોવું હશે. પરંતુ એમાં હાઉસફુલનાં પાટિયાં જોઇને ઘણાં લોકો ઘરે પાછા જવાને બદલે રજ્જોની ટિકિટ લેવાની ભૂલ કરી બેસશે. એવાં કમનસીબ પ્રેક્ષકો જ આ ફિલ્મને મળશે (ઇશ્વર એમને શક્તિ આપે!). આપ એમાંના એક ન બનો એ ધ્યાન રાખજો અને રજ્જોથી દૂર જ રહેજો!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s