મિકી વાઇરસ

ક્યૂટ, સ્માર્ટ વાઇરસ

***

આ ટેક્નોથ્રિલર ફિલ્મમાં કમ્પ્યુટરના એટલા બધા શબ્દો નાખી દીધા છે કે સાઇબર કેફેમાં બેસીને ફિલ્મ જોતા હોઇએ એવું લાગે!

***

mickey-virus-poster_13742118140કેટલીક ફિલ્મો ચાઇનાનાં ઇલેક્ટ્રોનિક માલ જેવી હોય છે. બહારથી એકદમ ચકાચક હોય, પરંતુ એની ગેરન્ટી વિશે પૂછો તો એવું સાંભળવા મળે કે ‘ચલ ગઇ તો ચાંદ તક, વરના શામ તક!’ નાના પડદાના રમતિયાળ ચહેરા એવા મનીષ પૌલને સોલો હીરો તરીકે ચમકાવતી સૌરભ વર્માની ફિલ્મ ‘મિકી વાઇરસ’ એવા જ ચાઇનાના માલ જેવી ટેક્નોથ્રિલર ફિલ્મ છે, જે શહેરી યંગસ્ટર્સને ગમશે, પણ બાકીના લોકોની સિસ્ટમ હેન્ગ કરી નાખશે!

આઓ હેક કરે!

મિકી અરોરા (મનીષ પૌલ) આમ તો એના પપ્પાની કરિયાણાની દુકાન ચલાવે છે, પણ સાંજ પડ્યે એ એક નવો અવતાર ધારણ કરે છે, ‘મિકી વાઇરસ’નો. મિકી કમ્પ્યુટર હેકર છે અને એ ‘કુંગ ફુ ચમેલી’ નામ રાખીને ગમે તેની સિસ્ટમમાં ભાંગફોડ કરી આવે એવો ‘ફાડુ’ હેકર છે. હેકર એટલે ઇન્ટરનેટની દુનિયામાં એવી બલા, જે કોઇપણ વ્યક્તિ કે સંસ્થાની કમ્પ્યુટર સિસ્ટમમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને હાહાકાર મચાવી દે. ભંડકિયા જેવી એક જગ્યામાં મિકી જેવા ઘણા બધા (ચટની, ફ્લોપી, પૈન્ચો વગેરે ઉપનામધારી!) હેકર્સ ભેગા થાય છે અને હેકિંગના અવનવા નુસખા શીખે છે, પરંતુ મિકી જેવી હથોટી એકેયની નથી.

બીજી બાજુ શહેરમાં બની રહેલી અમુક ઘટનાઓ પોલીસને અકળાવી રહી છે. સાઇનાઇડવાળા ઇન્જેક્શનથી એક પછી એક વિદેશી હેકર્સની હત્યાઓ થવા લાગે છે. પોલીસને શક છે કે શહેરમાં કંઇક મોટો કાંડ થવાનો છે. આ હત્યાના કેસને સોલ્વ કરવા માટે એસીપી સિદ્ધાંત ચૌહાણ (મનીષ ચૌધરી) અને ઇન્સ્પેક્ટર દેવેન્દર ભલ્લા (વરુણ બડોલા) મિકી વાઇરસને શોધે છે. હવે મિકી પોલીસને મદદ કરીને ‘એથિકલ હેકર’ બને છે.

આ દરમિયાન મિકીને કામાયની જ્યોર્જ (એલી અવરામ) નામની કામુક કન્યા દેખાઇ જાય છે. મિકી શાક માર્કેટમાં ઊભોઊભો એના પ્રેમમાં પડી જાય છે. કામાયનીના દિલની સિસ્ટમમાં પણ મિકીના પ્રેમનો વાઇરસ ઘુસી જાય છે. અચાનક એક દિવસ કામાયની મિકીને અર્જન્ટ કોલ કરીને બોલાવે છે, જ્યાં એ મિકીને કહે છે કે મેં એક પાર્ટીના સો કરોડ રૂપિયા ભૂલથી બીજા કોઇના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાખ્યા છે. જો મારા બોસને ખબર પડશે તો એ તો મારી લાઇફનું કનેક્શન કટ કરી નાખશે, પ્લીઝ હેલ્પ! કામાયની માટે મિકી બેન્કની સિસ્ટમ હેક કરીને એ પૈસા મૂળ એકાઉન્ટમાં જમા કરાવી દે છે.

લેકિન પછી અચાનક મિકીની સિસ્ટમમાં એલાર્મ વાગે છે કે બોસ, આપણે તો બેવકૂફ બની ગયા. મિકી એક બહુ મોટી ગેમનો હાથો બની જાય છે. એટલું જ નહીં, પોલીસની સાથે એને કામાયનીના ફ્લેટમાં જવું પડે છે, જ્યાં એ જે દૃશ્ય જુએ છે એ જોઇને એની આંખો સિત્તેર એમએમના પડદાની જેમ પહોળી થઇ જાય છે.

નવી સિસ્ટમ, ચકાચક સોફ્ટવેર

‘મિકી વાઇરસ’ની કેચલાઇન છે ‘ફાડુ કોમિક થ્રિલર’. એક્ચ્યુઅલી આ ‘ટેક્નો થ્રિલર’ પ્રકારની ફિલ્મ છે. અત્યારના યંગસ્ટર્સ જે પ્રકારની ડિજિટલ ઇ-જિંદગી જીવે છે, એની આસપાસ વણાયેલી સ્ટોરીઝ ભાગ્યે જ આપણી ફિલ્મોમાં જોવા મળે છે. હેકિંગના અલપ ઝલપ ઉલ્લેખો સિવાય હેકિંગ અને સાઇબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને બનેલી એકલ દોકલ ફિલ્મો સિવાય બીજી હિન્દી ફિલ્મો યાદ આવતી નથી. આમેય લાલ-લીલાં પેન્ટ પહેરીને એક જ પ્રકારની ફાઇટિંગવાળી દક્ષિણની બીબાંઢાળ ફિલ્મોના માહોલમાં ‘મિકી વાઇરસ’ વેલકમ ચેન્જ બની રહે છે.

મનીષ પૌલનો ફેસ અને એની પર્સનાલિટી ઓનસ્ક્રીન જોવા ગમે એવાં છે. પરંતુ એ શહેરી નફિકરા જુવાનિયાના રોલમાં ટાઇપકાસ્ટ ન થઇ જાય એ જોવાનું રહેશે. જો ભૂમિકાઓ પસંદ કરવામાં એ ધ્યાન રાખશે તો એ લમ્બી રેસનો ઘોડો છે એટલું ચોક્કસ. આ સિવાય ફિલ્મમાં કોઇ મોટા સ્ટાર્સ નથી, અને આમેય મનીષ પૌલ જેવા જુવાનિયાને સોલો હીરો તરીકે લઇને ફિલ્મ બનાવવી એ એફબીઆઇની વેબસાઇટ હેક કરવા જેટલું જોખમી કામ છે. પરંતુ ફ્રેશ ચહેરો અને રિફ્રેશિંગ રમતિયાળ એક્ટિંગ કરતો મનીષ પડદા પર જોવો ગમે એવો છોકરો છે. એટલે મનીષને તો અહીં ફુલ માર્ક્સ.

બીજી પીઠ થાબડવી પડે લેખક-દિગ્દર્શક સૌરભ વર્માની. એક તો એણે આવો હટ કે વિષય પસંદ કર્યો. ઉપરથી એના સંવાદો-વનલાઇનર્સ જલસો કરાવી દે એટલાં મસ્તીભર્યાં છે. સેમ્પલ્સઃ યે કોઇ ફેર એન્ડ લવલી કા એડ નહીં હૈ, મેરી લાઇફ હૈ… મિકી તો ટાઇપરાઇટર મેં ભી વાઇરસ ડાલ દે… એક આલસી આદમી કો કોઇ ભી મુશ્કિલ કામ દે દો, વો ઉસે કરને કા કોઇ આસાન તરીકા ઢૂંઢ હી લેગા… જનાબ આજકલ કી જનરેશન ભી કમાલ હૈ, કપડે ખુલે હુએ હોતે હૈ ઔર ફોન પે તાલા લગા હોતા હૈ… અબે ઓ માલવિય નગર કે ચાચા ચૌધરી… ઓ કમ્પ્યુટર કે મિસ્ત્રી… વગેરે.

પરંતુ એ જ જૂના વાઇરસ

મોંઘું કમ્પ્યુટર ખરીદી લઇએ, પણ એ રગશિયા ગાડાની જેમ ધીમે ધીમે ચાલે તો શું કામનું? એ જ રીતે આપણા આ મિકી વાઇરસમાં પણ ફાસ્ટ શરૂઆત પછી હિરોઇન એલી અવરામની એન્ટ્રી પડે છે અને ફિલ્મની સ્પીડ ધીમી પડી જાય છે, દિશા ફંટાઇ જાય છે. તે મૂળ પાટે આવતાં આવતાં છેક ઇન્ટરવલ પડી જાય છે. ઉત્તેજક કપડાંમાં ફરતી એલી હીરો મનીષ પૌલ કરતાં એટલી બધી મોટી લાગે છે કે હીરો જાણે કોઇ સવિતાભાભીને પટાવતો હોય એવું લાગે! (એ ‘બિગ બોસ’ના ઘરમાં પુરાયેલી રહે એ જ સારું છે!) આડે પાટે ફંટાઇ જતી સ્ટોરીમાં એક સિરિયસ થ્રિલર તરીકેની ગંભીરતાના ટાયરમાં પંક્ચર પડી જાય છે. ડાયલોગ્સ અને વનલાઇનર્સ ઉપરાંત સ્ટોરીની ગતિમાં પણ ધ્યાન રખાયું હોત તો સારું થાત.

ફિલ્મની વાટ લગાડતો બીજો લોચો કમ વાઇરસ એ છે કે અહીં કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને હેકિંગની દુનિયાના એટલા બધા ટેક્નિકલ શબ્દો ભભરાવી દેવામાં આવ્યા છે કે મોટા ભાગના લોકોને તો એમાં ટપ્પી જ નહીં પડે. પરિણામે આ ફિલ્મ માત્ર શહેરી યંગસ્ટર્સ પૂરતી મર્યાદિત રહી જશે.

ડોટ એમપીથ્રી ફાઇલ, પણ કરપ્ટ

હિન્દી મસાલા ફિલ્મ હોય એટલે એમાં ગીતોની ફાઇલ તો ડાઉનલોડ કરવી જ પડે! અહીં ‘પ્યાર ચાઇના કા માલ હૈ’ અને ‘તોસે નૈના’ એ બે ગીતો દિમાગની હાર્ડડિસ્કમાં વારંવાર કોપી-પેસ્ટ થયા કરે એવાં છે. એમાંય ‘પ્યાર ચાઇના..’માં તો ખુદ મનીષ પૌલે પણ ગળું ખંખેર્યું છે (મ્યુઝિક શોઝના સંચાલનની અસર હશે?!).  પણ એમાં અમુક ઠેકાણે અપશબ્દોનો વારંવાર ઉપયોગ ટાંકણીની જેમ વાગે છે.

લોગ આઉટ

આ ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ્સ તરોતાજા છે. મનીષ પૌલ અને વરુણ બડોલા જલસો કરાવે છે. પરંતુ જો તમને સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટમાં કોઇ ટપ્પી ન પડતી હોય તો ઘરે રહીને દિવાળીની સાફસૂફીમાં ભાભીને મદદ કરાવવી વધારે સારી રહેશે! બાકી તમે ઇ-દુનિયામાં ધૂબાકા બોલાવનારા નેટિઝન હશો તો તમને આ ફિલ્મમાં મજા પડી જશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s