બેશરમ નહીં, બકવાસ

***

જેને બધા નેક્સ્ટ સુપરસ્ટાર માની રહ્યા હતા તે રણબીર કપૂરની ફિલ્મ આ હદે કંગાળ?

***

besharam-poster-5ક્યારેક એવું થાય કે આપણે સારામાં સારી કંપનીની વસ્તુ ખરીદી લાવીએ, પણ તે એટલી ભંગાર ચાલે કે આપણા પૈસા સાવ પાણીમાં પડી જાય. અગાઉ (અકસ્માતે સુપરહિટ થઇ ગયેલી ફિલ્મ) ‘દબંગ’ બનાવી ચૂકેલા ડિરેક્ટર અભિનવ સિંઘ કશ્યપે આ વખતે એવો જ ઊંચી દુકાન ફીકા પકવાન ટાઇપનો તદ્દન ભંગાર માલ પિરસ્યો છે. ચાર હાથે જ નહીં, બલકે બુલડોઝરથી પૈસા ઉસેટી લેવા હોય એમ ગાંધી જયંતીના દિવસે બુધવારે રિલીઝ કરાયેલી આ ફિલ્મ એટલી બધી કંગાળ છે કે આપણને આપણી ટિકિટના પૈસા પાછા માગવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ઇચ્છા થઇ આવે!

તદ્દન ખોખલી સ્ટોરીલાઇન

બબલી જેવું ‘લેડીઝ’ નામ ધરાવતો રણબીર એક અનાથ કાર મિકેનિક છે, પણ એ ગાડી ચોરવાનો પણ ધંધો કરે છે. આવી જ એક કાર ચોરવાની ભાંજગડમાં રણબીરનો ભેટો થઇ જાય છે, પોલીસ દંપતી ઋષિ અને નીતૂ કપૂર સાથે. તે બંનેનાં નામ છે ચુલબુલ અને બુલબુલ ચૌટાલા. પરંતુ નિવૃત્તિને આરે આવેલા ઋષિ કપૂરને બે બીમારીઓ છે, એક તો જૂની કબજિયાત અને બીજી પ્રામાણિકતા. આ બંને બાબતે નીતૂ કપૂર એને આખો વખત મહેણાં-ટોણા માર્યા કરે છે. ત્રીજી બાજુ જાવેદ જાફરી એક ક્રૂર હવાલા કિંગ છે, જેને પોતાનું એક કાળું કામ પાર પાડવા માટે એક ચકાચક ચોરાઉ કારની જરૂર છે. એ કાર ચોરવાની સુપારી અપાય છે બેશરમ બબલી યાની કિ રણબીરને.

હવે રણબીર આથેલા લાલ મરચા જેવી તીખી તમતમાટ એવી તારા (પલ્લવી શારદા) પર ફિદા થઇ જાય છે. પરંતુ જાવેદ જાફરી માટે કાર ચોરતી વખતે એ ભૂલથી પોતાની જ હિરોઇન તારાની ચકાચક લાલ મર્સિડિઝ ચોરી બેસે છે અને તેને હવાલા કિંગ જાવેદ જાફરીને આપી પણ દે છે. એટલે એ પસ્તાવાનું વિપુલ ઝરણું વહાવવા માટે તારાને લઇને એની મર્સિડિઝ પાછી અપાવવા નીકળે છે. પ્લાન એવો કે જાવેદ જાફરી માટે ચોરેલી તારાબેનની મર્સિડિઝ ફરીથી જાવેદ જ પાસેથી ચોરવી. પરંતુ જાવેદ પાસેથી એના જ અડ્ડામાંથી કાર ચોરવી એટલે સિંહના મોંમાંથી મારણ પાછું કઢાવવું. ત્યાં જ લોચો વાગે છે અને હવાલા કિંગને ખબર પડી જાય છે કે રણબીર એની જ ચોરાઉ કાર લઇને ભાગી છૂટ્યો છે. એનાથીયે મોટો લોચો એ છે કે હવાલાના ત્રણેક કરોડ રૂપિયા એ જ કારની ડિકિમાં રહી ગયા છે. એટલે હવાલા કિંગ જાવેદ ઘાયલ સિંહની જેમ વિફરે છે અને ભરેલી બંદૂકડીઓ લઇને બેશરમ બબલીની પાછળ પડી જાય છે. પછી થાય છે ધમાધમી અને ભમાભમી.

ગાબડાંની વચ્ચે અધકચરી ફિલ્મ

આ ફિલ્મની સ્ટોરીનો પાયો લોરેલ એન્ડ હાર્ડીની ટચૂકડી કોમેડી ફિલ્મોની યાદ અપાવે છે, જેમાં લોરેલ એક કામ કરવા જાય અને એમાં લોચો મારે. એટલે એ જ કામ કરવા માટે હાર્ડી મેદાને પડે અને એનાથીયે મોટો લોચો મારે. પરંતુ સૌથી મોટા લોચા માર્યા છે ફિલ્મના સહલેખક અને દિગ્દર્શક અભિનવ કશ્યપે.

પહેલાં તો ફિલ્મનું નામ ‘બેશરમ’ શા માટે રાખ્યું છે? આખી ફિલ્મમાં રણબીર ચક્રમવેડા કરે છે, પણ જેને બેશરમની કેટેગરીમાં મૂકી શકાય એવું તો કશું જ કરતો નથી. ઇન ફેક્ટ, ફિલ્મના સેકન્ડ હાફમાં તો એ બિલકુલ ડાહ્યોડમરો થઇ જાય છે. કદાચ ઊંધું હશે, ફિલ્મનું નામ બેશરમ રાખવું હશે, એટલે રણબીર પાસે ગાંડાવેડા કરાવ્યા હશે! જે હોય તે, અભિનવ જાણે.

ફિલ્મના પ્લોટમાં પણ લોચા છે. ફોર એક્ઝામ્પલ, એક બાજુ હિરોઇનને ચોરાયેલી કાર માટે ઊતરાવેલા ઇન્સ્યોરન્સના પૈસા મળી જ જવાના હોય છે, તો પછી એ કાર પાછી મેળવવા માટે જીવ જોખમમાં શા માટે મૂકે?

ડિરેક્ટર અભિનવ કશ્યપને અમુક સવાલો એ પૂછવાનું મન થાય કે, ‘તમે ખરેખર અનુરાગ કશ્યપના ભાઇ છો? ના, આમ દેખાવે સરખા લાગો છો એ સાચું, પણ તમારા બંનેની ફિલ્મોમાં આભ-જમીનનો ફરક છે. તમારી પાસે રણબીર અને ઋષિ કપૂર જેવા સ્ટાર હોય તો તમે એમને આટલી કંગાળ ફિલ્મમાં વેડફી કઇ રીતે શકો?’ આમ તો રણબીર અભિનવના ભાઇ અનુરાગ કશ્યપની સાથે પણ ‘બોમ્બે વેલ્વેટ’માં પણ કામ કરી જ રહ્યો છે. એટલે એ રણબીર પાસેથી કેવું કામ કઢાવે છે એ પણ પરખાઇ જ જવાનું છે.

અત્યાર સુધીની ફિલ્મોગ્રાફી જોઇએ તો રણબીર ફિલ્મોમાં પોતાની ભૂમિકા વિશે ખાસ્સો ચૂઝી રહ્યો છે. ત્યારે આવી તદ્દન વાસી અને ઊતરેલી કઢી જેવી ફિલ્મમાં કામ કરવાની એણે શા માટે હા પાડી હશે? કદાચ ઋષિ અને નીતૂ કપૂરે અભિનવ કશ્યપની એવી દલીલ પર હા પાડી હશે કે આમેય રણબીર ફિલ્મોના શૂટિંગ (કે કેટરીના સાથેનાં બિકિનીવાળાં વેકેશનો)માં બધે રખડતો જ રહે છે. તો જો એકાદ ફિલ્મ ત્રણેયે સાથે કરી હોય તો એ બહાને મહિનો દહાડો સાથે રહેવા તો મળે! જે હોય તે, રણબીર પરિવાર જાણે.

મીનિંગફુલ ફિલ્મો કરવા માટે જાણીતો રણબીર પણ જો અક્ષય, અજય કે સલમાન, શાહરુખની જેમ માત્ર બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને બનાવાયેલી મસાલા ફિલ્મો જ કરવા માંડશે તો આપણે એક સારા અભિનેતાને ગુમાવી બેસીશું.

મસાલા ફિલ્મ હોવા છતાં બેશરમના એકેય મસાલામાં મજા આવે એવું નથી. ઊલટાનું ઋષિ કપૂરને આ ઉંમરે કમોડ પર બેસીને પોટી કરતા જોઇને, રણબીરને નંગુપંગુ થઇને નાહતો જોઇને અને નીતૂ કપૂરને પતિદેવની મર્દાનગી પર બિલો ધ બેલ્ટ કમેન્ટ્સ કરતાં જોઇને આપણને ચીતરી ચડી આવે એવો હાલ છે.

એક તો લગભગ અઢી કલાક લાંબી ફિલ્મ અને એમાં એક પછી એક આવ્યે જ જતાં ઢંગધડા વિનાનાં ગીતો. એય પાછા જતિન-લલિત ફેઇમ લલિત પંડિતે ગઇ દિવાળીના વધેલા ફટાકડા વેચવા કાઢ્યા હોય એવાં સાવ ભંગાર ગીતો.

હિરોઇન પલ્લવી શારદાને પણ કોણ જાણે ક્યાંથી પકડી આવ્યા છે, રામ જાણે. હવાલા કિંગ બનેલા જાવેદ જાફરી સીધા બુગીવુગીના સેટ પરથી આવ્યા હોય એવાં કપડાં પહેરીને ફર્યે રાખે છે અને ‘થ્રી ઇડિયટ્સ’ના રોલની યાદ અપાવે એવી જ એક્ટિંગ એમણે કરી છે.

ધૂળ પર લીંપણ

ફિલ્મને સાવ અન્યાય ન થઇ જાય એટલા પૂરતું કહેવું પડે કે ફિલ્મનું રાઇટિંગ પ્રમાણમાં સારું છે. કેટલાક ડાયલોગ્સ ખરેખર હસાવી જાય છે. અને હા, બિલો ધ બેલ્ટ કમેન્ટ્સ બાદ કરો તો ઋષિ-નીતૂ કપૂરની નોકઝોંક ખરેખર મજેદાર બની રહે છે. પરંતુ એક પ્રામાણિક પતિ અને ભ્રષ્ટાચાર કરીને પણ મરણમૂડી ભેગી કરવામાં માનતી પત્ની વચ્ચેનો સંઘર્ષ (હબીબ ફૈઝલની ‘દો દૂની ચાર’ની જેમ) વધારે સારી રીતે બહાર આવી શક્યો હોય. એમાં પણ અહીં દાટ વાળ્યો છે.

કુલ મિલાકે, આ ફિલ્મ કોઇને ગમે એવી નથી. રણબીર કપૂરના ચાહકોએ તો આ ફિલ્મ જોવી જ નહીં (ભારોભાર દુઃખ થશે)! અત્યારે દેશનાં બધા જ થિયેટરોમાં એના જથ્થાબંધ શોઝનું કાર્પેટ બોમ્બિંગ કરાયું છે, પણ ફિલ્મ આ વીકએન્ડ પણ ખેંચી નાખે તોય ગનીમત છે. અને આ ફિલ્મ સુપર ડુપર ફ્લોપ જાય તે ‘એક્ટર’ રણબીર કપૂર માટે પણ સારું જ છે (ભવિષ્યમાં રોલ પસંદ કરવામાં ધ્યાન રાખશે). આ ફિલ્મને જે કંઇ થોડા ઘણા સ્ટાર્સ મળે છે એ માત્ર ઋષિ-નીતૂ કપૂર અને થોડા સ્માર્ટ સ્ક્રીનપ્લે માટે જ. રણબીર તો ચડાવ પાસ પણ થાય એમ નથી.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s