ધ લંચબોક્સ

આને કહેવાય ઓસ્કર વિનર વાનગી

***

રિતેશ બત્રાની ફિલ્મ ધ લંચબોક્સ જો ભારત તરફથી ઓસ્કર માટે પસંદગી પામે તો એ આપણી ઓસ્કરની ભૂખ ભાંગે એવું કૌવત છે એમાં.

***

0ed7a0df9546047cb2fbb4eff7915a81કેટલીક ફિલ્મો માત્ર ફિલ્મ નથી હોતી, એ પ્યોર સિનેમા હોય છે. ડિરેક્ટર રિતેશ બત્રાની ફિલ્મ ‘ધ લંચબોક્સ’ આવી જ એક ફિલ્મ છે. મારધાડ અને માત્ર જંકફૂડ જેવી મસાલા ફિલ્મોના ઢગલા વચ્ચે આવી ફિલ્મો પણ આપણે ત્યાં બને છે એ જોઇને કોઇપણ સિનેમા પ્રેમીને હૈયે ટાઢક થાય.

રોમાન્સ ઓફ ધ એરર

આ ફિલ્મની સ્ટોરી કંઇક અંશે આપણને ‘પત્રમિત્રો’ (અંગ્રેજીમાં ‘લવલેટર્સ’) કે હોલિવૂડની ‘યુ હેવ ગોટ મેઇલ’ કે એના પરથી આપણે ત્યાં બનેલી ‘દિલ હી દિલ મેં’ કે ‘સિર્ફ તુમ’ની યાદ અપાવે, જે દરેકમાં બંને મુખ્ય પાત્રો એક બીજાને મળ્યા વિના જ એકબીજાના પ્રેમમાં પડી જાય છે.

ફિલ્મમાં વાત છે રિટાયરમેન્ટને આરે આવેલા વિધુર સાજન ફર્નાન્ડિસ (ઇરફાન ખાન) અને પતિ અને એક નાનકડી દીકરીની સંભાળમાં પોતાની જાતને ખોઇ બેઠેલી ગૃહિણી ઇલા (નિમ્રત કૌર)ની. આમચી મુંબઇના ક્યારેય ભૂલ ન કરતા હોવાનું કહેવાતા ડબ્બાવાળાઓની મદદથી નિમ્રત રોજ પોતાના પતિની ઓફિસે ટિફિન મોકલાવે. એ જ રીતે સરકારી વીમા કંપનીમાં સાડા ત્રણ દાયકાથી કામ કરતો ઇરફાન પણ એ જ રીતે એક રેસ્ટોરાંમાંથી ટિફિન મંગાવે છે. પરંતુ એક દિવસ ઇલાનું ટિફિન સાજન પાસે અને સાજનનું ટિફિન ઇલાના પતિદેવ (નકુલ વૈદ્ય) પાસે પહોંચી જાય છે. નકુલને પોતાની પત્ની સામે જોવાની પણ ફુરસદ નથી, કહો કે રસ પણ નથી. પરંતુ ટિફિન એક્સચેન્જ થઇ જવાની ભૂલને કારણે બંને વચ્ચે ટિફિનની સાથે રોજ એક ચિઠ્ઠીની આપ-લે કરવાનો વ્યવહાર શરૂ થાય છે.

ફિલ્મમાં બહુ થોડાં પાત્રો છે, પરંતુ દરેક પાત્રની બેક સ્ટોરી છે. જેમ કે, ઇરફાનની જગ્યાએ શેખ (નવાઝુદ્દીન સિદ્દીકી) નામનો કર્મચારી આવે છે, જેને ટ્રેઇન કરવાની જવાબદારી અફ કોર્સ ઇરફાન પર જ આવે છે. શેખ બકબકીયો છે, થોડો ઇરિટેટિંગ છે અને ભારે ચિપકુ છે. એનાં ટૂંક સમયમાં જ લગ્ન થવાનાં છે. આ તરફ નિમ્રત કૌર પોતાની ઉપરના ફ્લેટમાં રહેતાં આન્ટી મિસીસ દેશપાંડે સાથે ઘરમાં રહ્યે રહ્યે જ આખો વખત વાત કર્યા કરે છે. એ આન્ટી એમનાં ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઇડ છે, પરંતુ ફિલ્મમાં એમનો ચહેરો ક્યારેય બતાવતા નથી. માત્ર અવાજ પરથી આપણને ખબર પડે છે કે આ તો (‘વાગલે કી દુનિયા’વાળાં) ભારતી આચરેકર છે. એ આન્ટીના પતિદેવ વર્ષોથી કોમામાં છે. નિમ્રતના પપ્પાને ફેફ્સાંનું કેન્સર છે. ભૂતકાળમાં નિમ્રતના ભાઇએ નાની ઉંમરમાં જ આત્મહત્યા કરેલી. ઇન શોર્ટ, દરેક પાત્રને પોતાનાં દુઃખ છે, પરંતુ જીવ્યે જાય છે.

પત્રોમાં જેમ જેમ નિમ્રત અને ઇરફાન ખૂલતાં જાય છે, એમ એમ એમની વાતો વધુ અંગત થતી જાય છે. બંને પોતાનાં સુખ-દુઃખ ચિઠ્ઠીમાં વહેંચતાં થાય છે. નિવૃત્ત થયા પછી ઇરફાનની ઇચ્છા નાસિકમાં સેટલ થવાની છે, પરંતુ નિમ્રતનો સાથ મળવાની આશાએ એ નિવૃત્તિ પાછી ઠેલે છે. એક દિવસ બંને મળવાનું નક્કી કરે છે, પરંતુ ઇરફાનને અચાનક એક ઝટકા સાથે એક વાતનો ખ્યાલ આવે છે અને એ નિમ્રતને મળતો જ નથી. એ પોતાની નિવૃત્તિ ફરી વાર બહાલ કરાવીને નાસિક જવાની તૈયારી કરી લે છે. આ તરફ ગુસ્સે થયેલી નિમ્રતના જીવનમાં પણ એક સાથે બબ્બે ધરતીકંપ આવે છે.

એકે એક સીનમાં લાગણી

લેખક-દિગ્દર્શક રિતેશ બત્રા આ ફિલ્મ લખતાં અગાઉ ડબ્બા સર્વિસવાળાઓ સાથે એક અઠવાડિયું રહેલા. એ દરમિયાન એમને કેટલીયે રસપ્રદ સ્ટોરીઓ સાંભળવા મળેલી. એમાંથી જ એમને આ ફિલ્મ લખવાનો આઇડિયા આવ્યો. ‘ધ લંચબોક્સ’ ફિલ્મમાં ઘણી બધી જગ્યાએ ડાયલોગ્સ બોલાતા જ નથી. તેમ છતાં એ દૃશ્યો બહુ બધું કહી જાય છે. એનું કારણ છે એક્ટિંગના મહારથીઓ ઇરફાન અને નવાઝુદ્દીનની પરફેક્શનની નજીક પહોંચતી એક્ટિંગ. જેમ કે, વર્ષોથી એકલો રહીને થોડો ચીડિયો થઇ ગયેલો પરફેક્શનિસ્ટ એવો ઇરફાન પોતાના કામમાં ક્યારેય ભૂલ કરતો નથી. પરંતુ એ ચીકણો એવો કે પોતાનાં વાંચવાનાં ચશ્માં ક્યારેય જમીન પર ન મૂકે, બલકે એના કેસમાં જ મૂકે. પાડોશનાં બાળકો ક્રિકેટ રમતાં અવાજ કરે એમનો દડો પોતાને ત્યાં આવે એ એને ન ગમે, પણ પોતે રાત રાત ભર જાગીને એની પત્નીએ રેકોર્ડ કરેલી ‘યે જો હૈ ઝિંદગી’ના એકના એક એપિસોડ્સ જોયે રાખે.

એ જ રીતે એકની એક બીબાંઢાળ જિંદગીમાં ફસાયેલી નિમ્રત માત્ર પતિનું અટેન્શન મેળવવા માટે જ નવી નવી રેસિપી ટ્રાય કરતી રહે છે. એ ઇરફાનને કહે છે કે એના ઉપરવાળાં આન્ટીના કોમામાં રહેલા પતિ આખો વખત ઉપર ફરતા પંખાને જોયે રાખે છે, જ્યારે એનો પતિ સતત મોબાઇલમાં તાક્યા કરે છે, જાણે બંનેમાં કોઇ ફરક જ નથી.

નિમ્રત કૌરની માતા તરીકે લિલેટ દુબે માત્ર બે જ સીનમાં દેખાય છે, પણ એનું પાત્ર તમને છેક સુધી યાદ રહી જાય છે.

માત્ર બતાવે નહીં, વિચારતા કરે

આ પ્રકારની ‘પ્યોર સિનેમા’ની કેટેગરીમાં આવતી ફિલ્મોના દરેકે દરેક સીનને તમે ધ્યાનથી જુઓ તો એમાં કોઇને કોઇ વાત છુપાયેલી હોય છે. આ ફિલ્મમાં પણ એવું જ છે. તમે એના ડાયલોગ્સની, કલાકારોના અભિનયની, કેમેરા એન્ગલ્સની, જે વસ્તુ નથી બોલાતી કે કેમેરામાં નથી બતાવાતી એ પણ કેટલી અસરકારક રીતે કહેવાઇ જાય છે એ તમામ પાસાં ચર્ચા કરી શકો.

પરંતુ આ કમર્શિયલ સિનેમાની ફિલ્મ નથી. અહીં નાચગાના, ફાઇટ સીન, ડાયલોગબાજી, ફોરેન લોકેશન્સ વગેરે કશું જ નથી. એટલે એવી અપેક્ષાએ જશો તો નિરાશ થશો. પરંતુ ક્યારેક ડોક્યુડ્રામા જેવી બની જતી આ ફિલ્મને એક નિતાંત સંવેદનશીલ વાર્તા તરીકે જોશો તો એ તમને વિચારતા કરી મૂકશે કે આપણે કેટલી સહેલાઇથી આપણી આસપાસની દુનિયાને અવગણવા માંડીએ છીએ. આપણે રોજિંદી ઘટમાળમાં કેદ થઇને કેટકેટલું ગુમાવી બેસીએ છીએ એનો આપણને ખ્યાલ સુદ્ધાં નથી આવતો.

અત્યારે ઓસ્કર એવોર્ડ્સ માટે ભારત તરફથી કઇ ફિલ્મ મોકલવી જોઇએ એની ચર્ચા ચાલે છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં પહેલાં જ વાહવાહી મેળવી ચૂકેલી રિતેશ બત્રાની ‘ધ લંચબોક્સ’ જો ઓસ્કર માટે સિલેક્ટ થાય તો આપણી ઓસ્કરની ભૂખ ભાંગે એવું પૂરેપૂરું કૌવત છે એમાં.

રેટિંગઃ ****1/2 (સાડા ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s