શુદ્ધ દેસી રોમાન્સ

શુદ્ધ દેસી કન્ફ્યુઝન

***

હીરો પર હાવી થઇ જતી બે હિરોઇનવાળી આ ફિલ્મમાં અસલી હીરો છે લેખક જયદીપ સાહની.

***

shuddh20desi20romance202013એક છોકરી બે છોકરા અથવા તો બે છોકરી અને એક છોકરો અને ત્રણેય વચ્ચે સર્જાતો પ્રણય ત્રિકોણ. આ એક જ થીમ પર અત્યાર સુધીમાં અનેક ફિલ્મો બની રહી છે, પરંતુ છેલ્લે જબ વી મેટ પછીની આવી એકેય ફિલ્મ અદભુત છાપ છોડી જવામાં સફળ નથી રહી. બેન્ડ બાજા બારાત ફેમ ડિરેક્ટર મનીષ શર્મા અને ચક દે ઇન્ડિયા ફેમ લેખક જયદીપ સાહનીની ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ તાજી હવાની લહેરખી સમાન છે.

પ્યાર વહી, અંદાઝ નયા

ફિલ્મના પહેલા જ સીનમાં હીરો સુશાંત સિંઘ રાજપુત પ્રેક્ષકો સામે જોઇને કહે છે કે પોતે કેવો કન્ફ્યુઝ અને નર્વસ છે. પછીની પાંચ જ મિનિટમાં આપણને ખબર પડે છે કે ભાઇના તો લગ્ન થઇ રહ્યા છે, એ પણ બેહદ ખૂબસૂરત એવી (નવોદિત અભિનેત્રી) વાણી કપૂર સાથે. મંડપ ડેકોરેટર અને બેન્ડ બાજાવાળાનું કામ કરતા ઋષિ કપૂર ભાડૂતી જાનૈયા સપ્લાય કરવાનું પણ કામ કરે છે. આઇએએસની તૈયારી કરવા રાજસ્થાન આવેલી પરિણીતી ચોપરા આવી જ એક ભાડૂતી બારાતી છે. સુશાંત ભલે પરણવા જતો હોય, પણ પરિણીતીને જોતાં જ એને એની સાથે પહેલી નજરનો પ્રેમ થઇ જાય છે અને એની અસર હેઠળ એ પોતાના જ લગ્નમાંથી બાથરૂમ જવાનું બહાનું કાઢીને ભાગી છૂટે છે.

જયપુરમાં ટુરિસ્ટ ગાઇડ તરીકેનું કામ કરતા સુશાંતને ત્રણેક અઠવાડિયાં પછી ફરી પાછી પરિણીતી મળી જાય છે અને એક કપ કોફી અને ગુલાબજાંબુ ખાતાં ખાતાં બંને નક્કી કરી લે છે કે આપણે લિવ ઇનમાં રહીએ. પરિણીતી પાછી બિનધાસ્ત છોકરી છે. એના પપ્પા ગુવાહાટીમાં છે અને આ બહેન અહીં એકલાં રહે છે. બેફામ સિગારેટ્સ અને દારૂ પીવે છે. ત્રણ ત્રણ બોયફ્રેન્ડ્સ બનાવી ચૂકી છે, એકમાં તો છેક પ્રેગ્નન્સી સુધી વાત પહોંચેલી. બસ, આ જ ભૂતકાળ ખોતરવા જતાં પરિણીતી નારાજ થઇ જાય છે. પરંતુ આખરે બંનેને લાગે છે કે આપણે લગ્ન કરી લઇએ તો સારું. લગ્નની બધી જ તૈયારીઓ થઇ જાય છે, પણ છેક છેલ્લી ઘડીએ પરિણીતી ભાગી જાય છે. ત્યાં જ ‘બાથરૂમ બ્રેક’ના નામે ઇન્ટરવલ પડે છે અને ઇન્ટરવલ પછી ફરી પાછી પહેલી કન્યા વાણી કપૂર (જેની સાથેના લગ્નમંડપમાંથી અગાઉ સુશાંત ભાગી છૂટેલો એ) સુશાંતને દેખાઇ જાય છે અને શરૂ થાય છે કન્ફ્યુઝન પે કન્ફ્યુઝન.

કન્ટેન્ટ ઇઝ કિંગ

આ ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ છે જયદીપ સાહનીનો સુપર્બ સ્ક્રીનપ્લે અને એનાં હટ કે શબ્દોવાળાં ગીતો. અહીં જે મસ્ત ઓરિજિનલ વનલાઇનર્સ અને શબ્દપ્રયોગો છે એનાં કેટલાંક ઉદાહરણઃ જાન ના પહેચાન ફ્રી કી સંતાન, બારાત તો ગેહને ચેક કરને કે લિયે હોતી હૈ, હમારી ઇન્ડિયન શાદીયોં મેં ઝૂઠ ઔર ડબલ સ્ટાન્ડર્ડ્સ કી બહાર આ જાતી હૈ, એક કોફી પીને મેં કૌન સી તુમ્હારી વર્જિનિટી ભ્રષ્ટ હો જાયેગી, એક ચમાટ મારેગી ઘુમા કે તો નાડા મુંહ મેં ઘુસ જાયેગા, તુમ પૈદા હી ચાલુ હુએ થે યા કોઉ ઇન્ફેક્શન લગ ગયી થી, બર્ગર મેં ટિક્કી ડાલને સે વો હેમ્બર્ગર નહીં બન જાતી, રહતી તો વો ટિક્કી બર્ગર હી હૈ… અહીં વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારાની જેમ માત્ર શબ્દરમત કરીને પરાણે બનાવાયેલાં વનલાઇનર્સ નથી, બલકે જયદીપ સાહનીનું ભારતીય સોસાયટી અને ભાષાનું શાર્પ ઓબ્ઝર્વેશન દેખાઇ આવે છે.

મોટે ભાગે આપણી ફિલ્મોમાં હિરોઇનોનું કામ માત્ર ફિલ્મમાં ગ્લેમર ઉમેરવાનું જ હોય છે. હિરોઇનની સશક્ત ભૂમિકા હોય એવું ભાગ્યે જ બને છે. અહીં (કાઇ પો છે ફેમ) સુશાંત સિંઘ રાજપૂતની દમદાર ભૂમિકા છે, પણ તમારા પર અસર તો ફિલ્મની બે લીડિંગ લેડીઝ એવી પરિણીતી ચોપરા અને વાણી કપૂર જ છોડી જાય છે. ફિલ્મમાં અતિશય ખૂબસૂરત દેખાતી પરિણીતી ચોપરાની એક્ટિંગ પણ ભારે કોન્ફિડન્ટ અને દમદાર છે. ઇમોશનલ સીનમાં પણ વેવલાવેડાં કર્યા વિના ઇમોશન દેખાડવા એ કાચાપોચા એક્ટરનું કામ નથી. એ રીતે આ ફિલ્મ ખાસ્સી વાસ્તવિક અને જીવંત લાગે છે.

ફિલ્મમાં ઠેકઠેકાણે બેકગ્રાઉન્ડમાં જૂની ફિલ્મોનાં હિટ ગીતો વગાડવામાં આવ્યાં છે. એનું પ્લેસમેન્ટ અને પસંદગી એટલાં મજેદાર છે કે આપણે આપણું હસવું રોકી જ ન શકીએ.

બટ ઓલ ઇઝ નોટ વેલ

પહેલી વાત, આ ફિલ્મનું નામ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ શા માટે છે? આપણી (ભલે સો કોલ્ડ) ‘શુદ્ધ દેસી લવ સ્ટોરીઝ’માં તો એવું હોય છે કે લડકા લડકી મિલે, ગાને વાને ગાયે અને શાદી વાદી કરે એન્ડ ધે લિવ્ડ હેપ્પીલી એવર આફ્ટર. જ્યારે અહીં તો એવું કશું જ નથી. તો ફિર કાયકુ યે નામ?!

આ ફિલ્મનાં પાત્રો એટલા બધા કન્ફ્યુઝ બતાવાયાં છે કે એમની સાથે આપણે પણ કન્ફ્યુઝ થઇ જઇએ કે ભઇ, આખિર યે હો ક્યા રહા હૈ? જો કે આ જ વાતને પોઝિટિવલી લઇએ તો એ ફિલ્મમાં કુતૂહલનું તત્ત્વ બરકરાર રાખે છે.

જયપુર જેવા રૂઢિચુસ્ત અને પ્રમાણમાં નાના શહેરમાં છોકરો છોકરી આ રીતે ખુલ્લે આમ લિવ ઇનમાં રહે અને પોતાની દીકરીને જાણવા છતાં પરિણીતીના પપ્પા (એનાં લગ્ન થતાં હોય તો પણ) એને મળવા સુદ્ધાં ન આવે એ તો કાયમચૂર્ણ ખાઇને ફિલ્મ જોઇએ તો પણ હજમ ન થાય. વળી, નાનાં શહેરોમાં લગ્નની બારાતમાં ભાડુતી જાનૈયાઓ હોય તો કોઇને ખબર પણ ન પડે?

લડકી (યાની કિ પરિણીતી) ગમે તેટલી મોડર્ન હોય, ગમે તેટલાં બ્રેક અપ્સ થયાં હોય, પણ એ છોકરાને આખી બસની વચ્ચે (ભલે બધાં સૂતાં હોય) કિસ કરે ખરી? એ પણ લગ્ન કરવા જઇ રહેલા દુલ્હાને? વ્હાય?

અન્ટ ડિપાર્ટમેન્ટ્સ

આગળ કહ્યું એમ ફિલ્મમાં ફુલ માર્ક્સ તો જયદીપ સાહનીના રાઇટિંગને જ આપવા પડે. એ અને ડિરેક્ટર મનીષ શર્માના મેજિક ટચને કારણે જ ફિલ્મ આટલી તરોતાજા લાગે છે. જોકે મનીષ શર્મા હજી પોતાની અગાઉની ફિલ્મો બેન્ડ બાજા બારાત અને લેડીઝ વર્સસ રિક્કી બહલની અસરમાંથી બહાર આવ્યા હોય એવું લાગતું નથી, કેમ કે એ બંનેની ઘેરી અસર આ ફિલ્મ પર દેખાઇ આવે છે.

પરિણીતી ચોપરા જેટલી સારી દેખાય છે એટલી જ મસ્ત એક્ટિંગ પણ એ કરી જાણે છે. કાય પો છેમાં ઇન્ટેન્સ ભૂમિકા ભજવનારા સુશાંત સિંઘ રાજપુતે પણ અહીં એક કન્ફ્યુઝ્ડ પ્રેમીની અને વિદેશી પ્રવાસીઓને ઉલ્લુ બનાવતા ટુરિસ્ટ ગાઇડ તરીકેની ભૂમિકાને આત્મસાત્ કરી છે. નવોદિત વાણી કપૂરનું આગમન પણ સોડાબોટલની જેમ આત્મવિશ્વાસથી ફાટફાટ થાય છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઋષિ કપૂર. આ માણસે પોતાની કારકિર્દીની સેકન્ડ ઇનિંગ્સમાં એકથી એક ચડિયાતી ભૂમિકાઓ ભજવવાનું નક્કી કર્યું હોય એમ અહીં પણ એ પોતાના પાત્રમાં છવાઇ ગયા છે. આ ઉપરાંત દમદાર અભિનેતા એવા રાજેશ શર્મા બિચારા નાનકડા રોલમાં વેડફાયા છે.

જયદીપ સાહનીએ લખેલાં ગીતોને સચિન-જિગરે સારી રીતે કમ્પોઝ કર્યાં છે અને ફિલ્મમાં એ ક્યાંય ગતિને અવરોધતાં નથી કે માથા પર વાગતાં પણ નથી.

કુલ મિલા કે

લવ ટ્રાયેંગલના જૂના પ્લોટની વાર્તાને પણ અનોખી તરોતાજા રીતે કેવી રીતે કહી શકાય એ જોવા માટે આ ફિલ્મ જોવી પડે. પરંતુ ફિલ્મને અંતે આ ફિલ્મમાં લિવ ઇન રિલેશનશિપની કોઇ દેખિતા કારણ વિના તરફેણ કરવામાં આવી છે, જે આંખને ખટકે છે. પ્રેમની બાબતમાં કન્ફ્યુઝ યુવાનો લિવ ઇન રિલેશનશિપ પસંદ કરે એ માનવું અજૂગતું છે. આ કારણોસર ફિલ્મના રેટિંગમાંથી અડધો સ્ટાર કાપી લઇએ તો પણ ફિલ્મ મસ્ટ વોચની કેટેગરીમાં તો આવે જ છે. અને હા, જયદીપ સાહની પાસે કોઇ વધારે ફિલ્મો લખાવો, યાર!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s