ઝંજીર

કમજોર કડી

***

જૂની ક્લાસિક ફિલ્મના નામે ફરીથી પૈસા રળવાના આવા ભંગાર ટ્રેન્ડને રોકવા માટે સત્વરે એક ફિલ્મ સિક્યોરિટી બિલ ઇન્ટ્રોડ્યુસ કરવું જોઇએ.

***

zanjeer1‘હિમ્મતવાલા’, ‘ચશ્મે બદ્દુર’ અને હવે ‘ઝંજીર’. એક જમાનામાં સુપરહીટ પુરવાર થયેલી ફિલ્મોની સફળતાને ફરીથી વટાવવાનો શોર્ટકટ હવે અટકે તો સારી વાત છે એવું અપૂર્વ લાખિયાની ઝંજીરની રિમેક જોયા પછી દૃઢપણે લાગે. ઓરિજિનલ ફિલ્મની મેલીઘેલી નબળી ઝેરોક્સ કોપી જેવી આ ફિલ્મો મૂળ ફિલ્મનો ચાર્મ પણ મારી નાખે છે.

જૂનો દારૂગોળો

સલીમ-જાવેદે ઝંજીર ફિલ્મથી અમિતાભ બચ્ચન રૂપે ભારતીય દર્શકોને એક ‘એન્ગ્રી યંગ મેન’ આપ્યો. આ ક્લાસિક ફિલ્મ ન જોઇ હોય એવા લોકો ભાગ્યે જ હોય. છતાં ધારી લઇએ કે તમારી યાદદાસ્ત જતી રહી હોય અથવા તો તમારો જન્મ ગ્લોબલાઇઝેશન પછીના યુગમાં થયો હોય અને તમે ઓરિજિનલ ઝંજીર ફિલ્મ નથી જોઇ. તો એની સ્ટોરી ટૂંકમાં જાણી લઇએ. એસીપી વિજય ખન્ના (રામ ચરન તેજા) એક નખશિખ પ્રામાણિક પોલીસમેન છે અને દુનિયાની સૌથી મહાન જોક પણ એને ન હસાવી શકે એવો એ સિરિયસ માણસ છે. નાની નાની વાતમાં એ ગુસ્સે થઇ જાય છે અને જીભનું કામ હાથ પાસેથી લે છે એટલે શોલેના અંગ્રેજ કે જમાને કે જેલરની જેમ વારેવારે એની ટ્રાન્સફર થયા કરે છે. હૈદરાબાદના એક એમએલએને ધોકાવવા બદલ એની ટ્રાન્સફર મુંબઇ થઇ જાય છે. વિજયની સ્ટોરી એવી છે કે એ જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે એની નજર સામે જ એનાં માતાપિતાનું એક અજાણ્યા માણસે ખૂન કરી નાખેલું. એ માણસના હાથ પરનું ઘોડાનું ટેટૂ એને આજેય સપનાંમાં આવીને હેરાન કરે છે.

માલા (પ્રિયંકા ચોપરા) એક એનઆરઆઇ ગુજ્જુ છોકરી છે, જે એક લગ્ન અટેન્ડ કરવા મુંબઇ આવે છે અને એક વ્યક્તિની હત્યા થતી જુએ છે. પોલીસનો કોન્ટેક્ટ કરીને એ હત્યારાને પકડાવવામાં મદદ પણ કરે છે. પરંતુ એ હત્યારો ઓઇલ માફિયા તેજા (પ્રકાશ રાજ)નો માણસ છે એટલે માલાને પતાવી નાખવાનો પ્રયાસ થાય છે. આખરે વિજય સેકન્ડ હેન્ડ કાર ડીલર શેર ખાન (સંજય દત્ત)ની મદદથી એ આરોપીને પકડી પાડે છે. પરંતુ એ આરોપીનું વિજયની કસ્ટડીમાં જ મોત થઇ જાય છે અને એના આરોપસર વિજયને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ રીતે વિજય અને ઓઇલ માફિયા તેજા બંને સામસામે આવી જાય છે. આ કામમાં વિજયને એક પત્રકાર જયદેવ (અતુલ કુલકર્ણી)ની પણ મદદ મળે છે. અંતે વિજયને ખબર પડે છે કે…

આખિર વોહી હુઆ જિસકા ડર થા

આ ફિલ્મમાં ગણ્યા ગાંઠ્યા દેખીતા ફેરફારોને બાદ કરતાં આખી ફિલ્મ બેઠ્ઠી ઓરિજનલની ઝેરોક્સ જ છે. જો એવું જ કરવું હતું તો રિમેક કરવાની જરૂર જ શી હતી? ઓનેસ્ટ પોલીસમેન વર્સસ કરપ્ટ સિસ્ટમની વાત સિત્તેરના દાયકાની શરૂઆતમાં નવી હતી, જ્યારે અત્યારની દબંગ, રાઉડી રાઠોડ કે સિંઘમ જેવી ફિલ્મોમાં આપણે જોઇ જ ચૂક્યા છીએ. અને બીજું, આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ શું છે? જૂની ઝંજીરના ચાહકો તો આજેય એ ફિલ્મના પ્રેમમાં હશે. જ્યારે નવી જનરેશનને સિંઘમ ગમે છે. તો પછી અહીં નવું શું છે? એમાંય પ્રકાશ રાજની ભૂમિકા અને એક્ટિંગ તો અદ્દલ સિંઘમના જયકાંત શિક્રે જેવી જ છે, તો અગેઇન, કોઇ આ ફિલ્મ શું કામ જુએ?

ફિલ્મનું કાસ્ટિંગ સરસ છે. રામ ચરન, પ્રિયંકા, સંજય દત્ત, પ્રકાશ રાજ, અતુલ કુલકર્ણી અને માહી ગિલ, બધા જ પોતપોતાની જગ્યાએ સરસ છે, પણ ફિલ્મ એટલી બધી પ્રીડિક્ટેબલ છે દર્શક માટે ભાગ્યે જ કશું નવું બચે છે. આટલું પૂરતું ન હોય એમ ઇન્ટરવલ પહેલાં કુલ પાંચ ગીતો આવે છે, જે ફિલ્મની ગતિમાં પંક્ચર પાડવા માટે પૂરતાં છે. પાછું એકેય ગીતમાં કશી ભલીવાર નહીં. મૂળ ફિલ્મમાં જયા બચ્ચના પાત્રના ઇન્ટ્રોડક્શન માટે વપરાયેલું ‘ચપ્પુ છુરિયાં તેઝ કરા લો’ ગીત અહીં ‘પિંકી હૈ પૈસેવાલોં કી’ જેવા સસ્તા આઇટેમ સોંગમાં કન્વર્ટ કરી નંખાયું છે એ જોઇને આપણા હૃદય પર ચપ્પુ છુરિયાં ચાલે એવું દુઃખ થાય.

હજી આટલું પૂરતું ન હોય એમ ફિલ્મમાં લોજિકનાં એટલાં મોટાં ગાબડાં છે કે એમાંથી આખા ડાયનોસોર પસાર થઇ જાય. જેમ કે, મૂળ ફિલ્મમાં અજિતના હાથમાં રહેલી ઘોડાવાળી સાંકળ વિજયને સપનાંમાં દેખાય છે અને એટલે ફિલ્મનું નામ ઝંજીર રખાયું હતું. જ્યારે અહીં તો એ સાંકળને સ્થાને ઘોડાનું ટેટૂ આવી ગયું છે, તો પછી ફિલ્મનું નામ ઝંજીર શા માટે છે એનું કોઇ લોજિક ખરું? ક્રાઇમ રિપોર્ટર જયદેવ જૂની ફાઇલો ઉથલાવીને વિજયના પપ્પાની હત્યાની વિગતો શોધી કાઢે છે, તો એસીપી જેવી ઊંચી પોસ્ટ પર હોવા છતાં એ વિચાર ખુદ વિજય એટલે કે રામ ચરનને કેમ નહીં આવ્યો હોય? પોતે ખૂનખાર ઓઇલ માફિયા સાથે ટક્કર લઇ રહ્યો છે એ જાણવા છતાં પત્રકાર જયદેવ એને ખુલ્લા પડકારો ફેંકતો શા માટે ફરતો હશે?

પોતે જાણે મોટે ઉપાડે જૂની ફિલ્મને ટ્રિબ્યુટ આપતા હોય એમ ફિલ્મના એક સીનમાં પ્રકાશ રાજ અને મોના ડાર્લિંગને ઓરિજિનલ ઝંજીરમાં પોતાનો જ સીન જોતા બતાવ્યા છે! અને આ જ સીનમાં તેજાની અને એના ગુરુની બેકસ્ટોરી ઊભડક સમાવી દીધી છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનો પ્રયાસ સિન્સિયર છે, પણ એનું કામ પેલી મોના ડાર્લિંગ જેવું જ બનીને રહી જાય છે. સૌથી મોટા આઘાતની વાત તો એ છે કે ફિલ્મના અંતે મુખ્ય પાત્રોની વાત પરથી આપણને એવો અણસાર આપવામાં આવે છે કે હજી આ ઝંજીરની સિક્વલ પણ બનવાની છે.

આ આખી રેઢિયાળ ફિલ્મમાં શાતા આપનારી વાત એક જ છે કે ક્રાઇમ રિપોર્ટર જયદેવના પાત્ર તરીકે ‘મિડ ડે’ના બાહોશ પત્રકાર જે. ડેને ગરિમાપૂર્ણ અંજલિ અપાઇ છે. એટલું જ નહીં, જે. ડેની હત્યા બાદ બનાવાયેલું અમૂલનું હોર્ડિંગ પણ અહીં ડિસ્પ્લે થાય છે.

કુલ મિલા કે

જૂની ફિલ્મોની સફળતાને વટાવીને એની રિમેકના નામે ચરી ખાવાને બદલે આપણા ફિલ્મવાળાઓ કશુંક ઓરિજિનલ બનાવે તો સારું. આ ફિલ્મ તેલુગુમાં ‘તૂફાન’ના નામે પણ બનાવાઇ છે. ત્યાંના લોકોએ આ ફિલ્મ ન જોઇ હોય તો ત્યાં ચાલી જાય, પરંતુ અહીં તો આ ભંગાર ટ્રેન્ડ બંધ થાય એ જ આશા રાખીએ.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s