ચેન્નઈ એક્સપ્રેસ

રોમ્બા ટાઇમપાસ!

***

આ ફિલ્મ હિટ માટે મરણિયા થયેલા શાહરુખે રોહિત શેટ્ટી પાસે એની શ્ટાઇલમાં બનાવડાવેલી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની રિમેક જ છે!

***

chennai-express-new-posterશાહરુખની ‘બોકવાસ’ ડિક્શનરીમાં ઇમ્પોસિબલ જેવો શબ્દ નથી એ તો આપણે સાંભળી ચૂક્યા છીએ, પણ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ડિક્શનરીમાં ‘ઓરિજિનલ’ નામનો શબ્દ નથી એ વાત તમારી ફેસબુક વૉલ પર કોતરાવી રાખો. કેમ કે, એની બધી જ હિટ ફિલ્મો કોઇની અને કોઇની રિમેક જ છે. જેમ કે, ગોલમાલ-1 (ગુજરાતી નાટક ‘ધમાચકડી’), ગોલમાલ-2 (‘આજ કી તાઝા ખબર’), ગોલમાલ-3 (‘ખટ્ટામીઠા’ જૂનું), ‘સિંઘમ’ (તેલુગુ ‘સિંગમ’) અને ‘બોલ બચ્ચન’ (‘ગોલમાલ’ જૂનું). એ જ રીતે હિટ ફિલ્મ માટે મરણિયા થયેલા શાહરુખ માટે રોહિત શેટ્ટીએ બનાવેલી આ ‘ચેન્નઇ એક્સપ્રેસ’ વાસ્તવમાં શાહરુખની જ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે)ની રિમેક છે, પણ રંગ રંગ વાદળિયાં જેવા પડીકામાં પેક થયેલી રોહિત શેટ્ટી ‘શ્ટાઇલ’ની.

માલ શાહરુખનો, પેકિંગ રોહિત શેટ્ટીનું

રાહુલ (નેચરલી, શાહરુખ ખાન) ચાલીસ વર્ષનો વાંઢો હલવાઇ (કંદોઇ) છે, જે પોતાના દાદાની અસ્થિઓ એમની આખરી ઇચ્છા પ્રમાણે રામેશ્વરમના દરિયામાં વિસર્જિત કરવા નીકળ્યો છે. પરંતુ રાહુલનો મુખ્ય પ્લાન એવો છે કે રામેશ્વરમના નામે ચેન્નઇ એક્સપ્રેસમાં બેસીને નજીકના કલ્યાણ જંક્શને ઊતરી જવાનું અને ત્યાંથી પછી સીધું ગોવા જઇને ‘દિલ ચાહતા હૈ’વેડા કરવાના. સાહેબની ટ્રેઇન જેવી ઉપડે છે, કે તરત જ એને મીનમ્મા (દીપિકા પાદુકોણ) ટ્રેનની સાથે દોડતી દેખાય છે અને રાહુલ વાળમાં હાથ ફેરવીને ડીડીએલજે સ્ટાઇલમાં એને ટ્રેઇનની અંદર ખેંચી લે છે. પણ દીપિકાની પાછળ ચાર સાઉથ ઈન્ડિયન પઠ્ઠા પડ્યા છે. સ્ટાઇલ મારવા જતાં શાહરુખ એને પણ અંદર ખેંચી લે છે. પાછળથી ખબર પડે છે કે સાઉથ ઇન્ડિયન અમરીશ પુરી જેવા દીપિકાના બાપા (સત્યરાજ) ત્યાંના બહુ મોટા ડોન છે (ભલે એમને ગ્યારહ મુલ્કોં કી પુલિસ ઢૂંઢતી ન હોય!). એ પઠ્ઠાઓ પણ એના જ આદમી લોગ છે. સ્ટોરી એવી છે કે દીપિકાને એના બાપા ખલી જેવા એક સાત ફૂટિયા પહેલવાન સાથે પરણાવવા માગે છે. દીપિકાને એની સાથે લગ્ન નથી કરવાં એટલે એ ઘર છોડીને ભાગી આવી છે. પરંતુ હવે દીપિકાની સાથે હલવાઇ શાહરુખ પણ સલવાઇ ગયો છે અને એને પણ પકડીને ડોન કી અદાલતમાં હાજર કરવામાં આવે છે.

ત્યાં પોતાના ડોન પપ્પાની સામે દીપિકા ‘થમિળ’ લેંગ્વેજમાં ગપ્પું મારે છે કે આ રાહુલ (રિમેકના ‘ડોન’) સાથે એને ઇલુ-ઇલુ થઇ ગયું છે અને એ બંને કલ્યાણમ્ એટલે કે લગ્ન કરવા માગે છે. થોડી વાર તો શાહરુખને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે છે, પણ ત્યાં જ દીપિકાનો ઓરિજિનલ સાત ફૂટિયો મુરતિયો તંગબલ્લી (નીકિતન ધીર) ફૂટી નીકળે છે. એ સાથે જ શાહરુખની હાલત-વાનખેડેમાં પ્રવેશતી વખતે થયેલી-એવી થઇ જાય છે. એ સાત ફૂટિયો તંગબલ્લી શાહરુખ સામે ચેલેન્જ ફેંકે છે કે આપણે બંને કુશ્તી કરીએ અને જે જીતે એની સાથે દીપિકા કલ્યાણમ્ કરે. એટલે પોતાનું અચ્યુતમ્ કેશવમ્ થતું રોકવા માટે શાહરુખ પહેલાં દારુ પીને સાઉથની એક્ટ્રેસ એવી પ્રિયામણી સાથે ‘વનટુથ્રીફોર’નો ઢેકાઉલાળ ડાન્સ કરે છે અને પછી એ અને દીપિકા ભાગી છૂટે છે.

ત્યાં જ ઇન્ટરવલની લાઇટો થાય છે. એ પછીના સેકન્ડ હાફમાં ગીતોની વણઝાર, પકડાપકડી ચાલે છે. સાથે રોહિત શેટ્ટી સ્ટાઇલમાં ગાડીઓ ઊછળે છે અને ધબાધબી પણ થાય છે. આખરે સાંભારના ઠામમાં સાંભાર પડી રહે છે!

ઇડલી સાંભાર નહીં, ખીચડી સાંભાર

શાહરુખનો લોચો શું છે ખબર છે, એને તમે કોઇપણ પાત્ર આપો, એ બધામાં તમને એ શાહરુખ જ લાગવાનો. મતલબ કે એ પાત્રમાં ક્યારેય ઓતપ્રોત થશે જ નહીં. જ્યારે અહીં તો એણે પોતે પોતાની લવર બોયની ઇમેજ જ વટાવી છે. એટલું જ નહીં, પાછા પોતાના જ જાણીતા ડાયલોગ્સ બોલે છે. જેમ કે, ‘રાહુલ, નામ તો (નહીં) સુના હોગા’, ‘માય નેઇમ ઇઝ રાહુલ એન્ડ આઇ એમ નોટ અ ટેરરિસ્ટ’ વગેરે. થોડા સમય પહેલાં અમિતાભ બચ્ચનને અંજલિ આપતી ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’માં પણ આવું જ કરાયેલું. અમિતાભની બાબતમાં ઠીક છે, પણ શાહરુખ જ્યારે આવું કરે ત્યારે એ પોતાની જાત પર જ હસતો હોય એવું લાગે છે (પણ પ્રેક્ષક તરીકે આપણને એમાં જરાય હસવું નથી આવતું).

‘છેન્નઇ યેક્સપ્રેસ’માં લોકોને હસાવવા માટે બે રસ્તા અપનાવાયા છે. એક તો સાજિદ-ફરહાદ નામના ડાયલોગ રાઇટર્સે પ્રાસ મેળવીને બનાવેલા ડાયલોગ્સ અને દક્ષિણ ભારતનાં વર્ષો જૂનાં ચવાઇ ગયેલાં સ્ટિરિયોટાઇપ્સ. ‘તુમ ડોન કી નહીં, ડોન્કી કી લડકી હો’ ટાઇપના ડાયલોગ્સમાં તમને મજા આવતી હોય, ફિલ્મના ફર્સ્ટ હાફમાં તમને ખૂબ હસવું આવશે. બાકી થોડી વાર પછી તમને થશે કે આ શું આવું ચાગલું ચાગલું બોલે છે!

આપણે ત્યાં દક્ષિણ ભારતનાં નામે ‘ઐયૈયો’ ટાઇપના કેટલાય સ્ટિરિયોટાઇપ્સ ચાલે છે, એ બધા જ અહીં ઠપકારી દેવાયા છે. જેમ કે, લુંગી, નાળિયેર, ઇડલી, ખોટું હિન્દી વગેરે. અરે, તમિલનાડુમાં કેરળનો ડાન્સ (કથકલી) અને કેરળની યુદ્ધશૈલી (કલરીપયટ્ટુ) પણ અહીં ઘુસાડી દેવાયાં છે, બોલો! જાણે એમ કે કોને ખબર પડવાની છે! અને આ ફિલ્મમાં એટલું બધું તમિળ બોલાય છે કે આપણને થાય કે આ ફિલ્મ હિન્દીમાં છે કે તમિળમાં? અને પાછાં સબટાઇટલ્સ પણ નહીં! એટલે મોટા ભાગની ફિલ્મ સમજવામાં ઇલ્લૈ! કેટલાક કોમેડી સીન ખરેખર હસાવે છે (જેમ કે ગીતોમાં વાત કરવાના બે સીન), તો ઘણા બધા સાવ બમ્પર જાય છે (જેમ કે એક બટકા સાથે શાહરુખનો ‘ડિંગડોંગ’વાળો સીન).

ફિલ્મનો મહત્ત્વનો માઇનસ પોઇન્ટ એ છે કે તે સાવ પ્રીડિક્ટેબલ છે. તેમ છતાં છેલ્લાં અઠવાડિયાઓમાં આવેલી ગંદાં-ગોબરાં દૃશ્યોવાળી ફિલ્મોની સરખામણીમાં તો આ એકદમ સાફસુથરી ફરાળી વાનગી જેવી ફેમિલી એન્ટરટેઇનર છે!

આ ફિલ્મ બધી રીતે શાહરુખની છે એટલે બધી જ ફ્રેમમાં શાહરુખ દેખાય છે, પણ એના કરતાં દીપિકા બધી રીતે વધારે સારી લાગે છે. બાકી શાહરુખનાં દાદી બનતાં કામિની કૌશલ હોય કે પેલા સાઉથ ઇન્ડિયન પઠ્ઠાઓ, કોઇનાં પાત્રો જોઇએ એટલાં ડેવલપ કરાયાં જ નથી. હા, થોડી વાર માટે આવતા તમિળ બોલતા પંજાબી પોલીસવાળાના રોલમાં અભિનેતા મુકેશ તિવારી બેઘડી હસાવી જાય છે. શરૂઆતમાં દાદાજી તરીકે આવતા ફિલ્મ મેકર લેખ ટંડન પણ જરા તરા હસાવીને સચિન તેંડુલકરની સાથે ‘આઉટ’ થઇ જાય છે.

એક તો સંગીતકાર વિશાલ અને શેખરે ‘તિતલી’ અને ‘તેરા રસ્તા છોડું ના’ એ બે ગીતો સિવાય તદ્દન વેઠ ઉતારી છે. છેલ્લે આવતું ‘થલૈવા’ પણ ‘ભૂલૈવા’ એટલે કે ભૂલી જવા જેવું જ છે. ઉપરથી લાંબા રૂટની ટ્રેનમાં અજાણ્યાં સ્ટેશનો આવતાં હોય એમ ઇન્ટરવલ પછી એક પછી એક ગીતો આવતાં જ રહે છે. હા, ફિલ્મના ટાઇટલ સોંગમાં એસ. પી. બાલાસુબ્રહ્મણિયમનો અવાજ ઘણા સમયે સાંભળવા મળ્યો, એટલા પૂરતી એમની નોંધ લેવી પડે. બાકી ફિલ્મની સિનેમેટોગ્રાફી ખરેખર સારી છે. ખાસ કરીને એરિયલ શોટ્સ તો કમાલના શૂટ થયા છે.

શાહરુખે ફિલ્મનો ખર્ચો કાઢવા માટે વિવિધ કંપનીઓની એડ્સ લીધી હોય એ તો સમજાય, પણ ફિલ્મમાં નોકિયાના ફોનની એટલી બધી જાહેરાત કરાઇ છે કે એનાં તમામ ફીચર્સ અને એક્ઝેક્ટ કિંમત પણ બોલે છે, બોલો! હા, ફિલ્મનાં ક્રેડિટ્સમાં શાહરુખે અગાઉ વચન આપેલું એમ હિરોઇન દીપિકાનું નામ પોતાના નામની પહેલાં મૂક્યું છે એટલો એ જબાનનો પાક્કો ખરો.

‘ચેન્નઇ એક્સપ્રેસ’માં શાહરુખની જ અગાઉની ફિલ્મોના એટલા બધા સંદર્ભો આવે છે કે અમુક સીનમાં તો આપણે બોલી જ ઊઠીએ કે ‘હેલ્લો (સાઉથ ઇન્ડિયન) સેનોરિટા’ અથવા તો ‘જા સિમરન જા’ કાં પછી ‘મદન ચોપડા, અબ સૈલાબ આયેગા…!’ એટલે જો તમે શાહરુખના ફેન હશો તો તમને મજા આવશે, બાકી કહેશો કે આ શાહરુખ અરીસાના મીન્સ કે પોતાના પ્રેમમાં પડી ગયો છે!

અત્યારે ઇદ પર શાહરુખના નામે આ ફિલ્મ કરોડોનો વકરો તો કરી લેશે, પણ આવતા અઠવાડિયે વિલનની (‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ… અગેઇન’)ના અક્ષયની એન્ટ્રી થશે પછી આ ‘સુપર હીરો’ની ફિલ્મનું શું થાય છે એ ખબર પડી જશે. બાકી શાહરુખની ફિલ્મ છે એટલે બચ્ચાઓ જિદ્દ કરતા હોય તો એક વાર જઇ અવાય, પણ હા તમારું મગજ અને અપેક્ષાઓ બંનેને ડીપ ફ્રિજમાં મૂકીને જજો. પણ જરા જલ્દી કર જો, વર્ના કહીં (થિયેટર સે) નિકલ ન જાયે, ચેન્નઇ એક્સપ્રેસ!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s