નશા

જો રાજ કપૂર આજે જીવતા હોત…

***

ચમડી બતાવીને દમડી ઉસેટવા માટે બનાવાયેલી આ ફિલ્મ એક વિદ્યાર્થી અને શિક્ષિકાના સંબંધો વચ્ચેની મર્યાદાની દીવાલ ઘ્વસ્ત કરી નાખે છે.

***

07-nasha‘જો ભારત વર્લ્ડ કપ જીતશે તો હું સરેઆમ સબ કે સામને સ્ટ્રિપટીઝ કરીશ (મતલબ કે કપડાં ઉતારીને મા જણી અવસ્થામાં આવી જઇશ)!’ પૂનમ પાંડે નામની મોડલે જ્યારે 2011ના ક્રિકેટ વર્લ્ડકપ વખતે આવી જાહેરાત કરી ત્યારે ચારેકોર ઉત્તેજના છવાઇ ગયેલી. પરંતુ શ્રીલંકાને હરાવીને ભારત ફાઇનલ જીત્યું એનો ઉન્માદ એટલો બધો હતો કે કોઇને પૂનમ પાંડે પાસે એની શરત પૂરી કરાવવાનું સૂઝ્યું જ નહીં. પરંતુ આ જ પૂનમ પાંડેની ગઇ કાલે રિલીઝ થયેલી પહેલી ફિલ્મ ‘નશા’ જોઇને ખ્યાલ આવ્યો કે અરે રે, બે વર્ષ પહેલાં પૂનમબેન તો એની ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી! અને હા, એણે આ ફિલ્મમાં પણ પોતાની ‘એ’ શરત તો પૂરી કરી જ છે!

ક્લાસરૂમને બદલે બેડરૂમનું શિક્ષણ

જો રાજ કપૂર સાહેબ આજે જીવતા હોત તો ‘નશા’ ફિલ્મ જોઇને એમના દિમાગની નસો ખેંચાઇ ગઇ હોત. ‘મેરા નામ જોકર’માં એમણે તરુણાવસ્થાના આકર્ષણની એ સમયે બોલ્ડ કહી શકાય એવી વાત કરેલી. એડોલેસન્ટ એજમાં પ્રવેશેલો ટીનેજર રાજુ (ઋષિ કપૂર) નદી કિનારે નહાતી-કપડાં બદલતી પોતાની શિક્ષિકા (સિમિ ગ્રેવાલ)ને જુએ છે અને એના મનમાં આકર્ષણ (ઇન્ફેચ્યુએશન) જન્મે છે. પરંતુ જે વાત રાજ કપૂરે આજથી 43 વર્ષ પહેલાં સાનમાં સમજાવી દીધેલી એની એ જ વાત કરવા માટે અગાઉ ‘જિસ્મ’ જેવી ઇરોટિક ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર અમિત સક્સેનાએ ‘નશા’ ફિલ્મ બનાવી છે. એટલું જ નહીં, એને સો કોલ્ડ મેચ્યોર વળાંક પણ આપ્યો છે.

આમ તો આ આખી ફિલ્મ પૂનમ પાંડેના શરીરના વળાંકોની જ આસપાસ આકાર લે છે. છતાં ફિલ્મમાં સ્ટોરી પણ છે! એમાં વાત છે પંચગનીની એક બોર્ડિંગ સ્કૂલની, જેમાં સોળથી અઢાર વર્ષનાં છોકરા-છોકરીઓને નાટક શિખવવા માટે નવાં અનિતા મેડમ (પૂનમ પાંડે) આવે છે. લવ-શવ પરનું નાટક કરવામાં ફિલ્મનો અઢાર વર્ષનો પ્રોટાગનિસ્ટ સાહિલ (શિવમ પાટિલ) મેડમની બોલ્ડ અદાઓ, શરીરનાં વળાંકો અને ભળતાં ચેનચાળાંથી આકર્ષાઇને એમના પ્રેમમાં પડી જાય છે. પરંતુ અઢાર વર્ષના સ્ટુડન્ટથી લગભગ દસેક વર્ષ મોટાં મેડમને એમનાથી પણ પાંચેક વર્ષ મોટો એક બોયફ્રેન્ડ છે. એન્જિન પાછળ ડબ્બા ખેંચાઇ આવે એમ એ પણ ત્યાં પંચગની આવી જાય છે અને મેડમની નાટ્યસાધનામાં ડબકાં મૂકવા માંડે છે. પોતાનો વિદ્યાર્થી પોતાના પ્રેમમાં છે એનો ખુદ મેડમને ખ્યાલ આવે એ પહેલાં તો એના બોયફ્રેન્ડને તેની ગંધ આવી જાય છે અને બોયફ્રેન્ડ અચાનક પઝેસિવ રૂપ ધારણ કરે છે. એ મેડમના નન્નામુન્ના આશિકને હેરાન કરવાનું શરૂ કરે છે. આખો દિવસ અનિતા મેડમના નામની માળા જપતો રહેતો સાહિલ દોસ્તોમાં પણ મજાકનું પાત્ર બની જાય છે. દોસ્તો સાથે લગાવેલી એવી જ એક શરત પૂરી કરવામાં સાહિલ મેડમને કઢંગી અવસ્થામાં જોઇ જાય છે અને મેડમની ખફગી વહોરી લે છે. બીજી બાજુ મેડમનો બોયફ્રેન્ડ પણ પોતાનાં લખ્ખણ ઝળકાવે છે અને અનિતા મેડમની જ સ્કૂલની સોળ વર્ષની એક વિદ્યાર્થિનીને ફોસલાવીને રેવ પાર્ટીમાં લઇ જઇને એની સાથે અડપલાં શરૂ કરે છે. પછી ટીચરનું એના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ અને ફિલ્મની ગાડી નો એન્ટ્રી ઝોનમાં ઘુસી જાય છે…

ફટા પોસ્ટર નિકલા લોચા

સસ્તા પબ્લિસિટી સ્ટન્ટ્સ કરવામાં માહેર પૂનમ પાંડેનાં અંગપ્રદર્શન કરતા પોસ્ટરો માહિમમાં ફાટ્યાં-સળગ્યાં ત્યારથી જ સ્પષ્ટ થઇ ગયેલું કે આ ફિલ્મ ચમડી બતાવીને દમડી ઉસેટવા માટે જ બનાવાયેલી છે. ડાયરેક્ટર-પ્રોડ્યુસરનો આ ઇરાદો ફિલ્મના પહેલા જ દૃશ્યમાં બાથરૂમમાં નહાતી નંગુપંગુ પૂનમ પાંડેને જોઇને જ સાફ થઇ જાય છે. એટલું પૂરતું ન હોય એમ એ પછીના સીનમાં વિદ્યાર્થીઓને રેગિંગના નામે સાવ નાગુડિયા કરીને છોકરીઓની સામે ખૂલ્લા મૂકી દેવાય. આજથી અગિયાર વર્ષ પહેલાં શશિલાલ નાયરે મનીષા કોઇરાલાને લઇને ‘એક છોટી સી લવ સ્ટોરી’ બનાવેલી ત્યારે જબરો વિવાદ થયેલો, પરંતુ એક દાયકામાં આપણી ફિલ્મો (કે સમાજ?)માં એટલું બધું પરિવર્તન આવી ગયું છે કે એના કરતાં અનેક ગણી ઇરોટિક, લગભગ પોર્ન ફિલ્મ કહી શકાય તેવી આ ફિલ્મ બિન્દાસ કોઇ કકળાટ વગર માત્ર ‘એ’ સર્ટિફિકેટના નામે રિલીઝ થઇ શકી છે.

યુવાનીના ઉંબરે પગ મૂકેલા યુવકને પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી પ્રત્યે આકર્ષણ જન્મે એટલા પૂરતી સ્ટોરી ઠીક છે, પરંતુ ફિલ્મનો સેકન્ડ હાફ અને આખી ફિલ્મમાં જે ધડમાથાં વગરની સિચ્યુએશન્સ ઉમેરવામાં આવી છે એ દિમાગ પર નાળિયેરની જેમ અફળાય છે. જેમ કે, અઢાર વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવતી શિક્ષિકા આખી સ્કૂલમાં બિન્દાસ શોર્ટ્સ અને ક્લિવેજ દેખાય એવાં ટોપ પહેરીને ફરે, નાટકને નામે વિદ્યાર્થીઓને ફિલ્મમાં વિજાતીય પાત્રને સિડ્યુસ કરવાની કળા શીખવવામાં આવે, ડબલ મીનિંગવાળા એક ગીતમાં મેડમ વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરે અને પોતાની છાતી પર વિદ્યાર્થીઓને ઝૂકવા પણ દે, નવાં આવેલાં મેડમનો અચાનક ટપકી પડેલો બોયફ્રેન્ડ નાટકની પ્રેક્ટિસમાં ચાંચ મારવા માંડે, હીરો સ્ક્રીન પર હસ્તમૈથુન કરે, ઔર તો ઔર, મેડમ અને એનો આવારા કિસમનો બોયફ્રેન્ડ વિદ્યાર્થી છોકરા-છોકરીઓની હાજરીમાં જ ખુલ્લંખુલ્લા પ્રણયચેષ્ટાઓ કરે, મેડમનો એ જ બીએફ સ્કૂલની જ એક ટીનએજર છોકરીને રેવ પાર્ટીમાં લઇ જાય, બળાત્કારની કોશિશ કરે, પોલીસ સુદ્ધાં સુધી વાત પહોંચે અને સ્કૂલ મેનેજમેન્ટને કશી જ ખબર ન પડે… આ બધી વાતો જેમને હજમ થાય એને બેસ્ટ પાચનતંત્ર ધરાવનાર વ્યક્તિનો એવોર્ડ આપવો જોઇએ!

આટલા વાંધા છતાં આ ફિલ્મ સાવ સહન ન થાય એટલી ખરાબ નથી. એક સુરેખ સ્ટોરીલાઇનમાં ફિલ્મ આગળ વધતી રહે છે, જે તમારો રસ જાળવી રાખે છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અલગ પેરેગ્રાફ પાડીને નોંધ લેવી પડે એવું કોઇનું પરફોર્મન્સ નથી. દેખાવમાં સાધારણ એવી પૂનમ પાંડે પાસે જે કંઇ કળા હતી એ તમામ એણે પોતાની આ પહેલી ફિલ્મમાં બતાવી દીધી છે. હા, જુવાનડો હીરો શિવમ પાટિલ દેખાવમાં સારો લાગે છે. જિસ્મના ડાયરેક્ટરની ફિલ્મ છે, પણ જિસ્મમાં એમ. એમ. ક્રીમના સંગીતનો જે જાદૂ હતો એવું કશું અહીં જોવા મળતું નથી.

જો તમને બેફામ બેડરૂમ સીન્સ, એ જોઇને દર્શકો તરફથી ફેંકાતી અશ્લીલ કમેન્ટ્સ તથા એક વિદ્યાર્થી અને એની શિક્ષિકા વચ્ચે બેડરૂમમાં આકાર લેતા સંબંધો સામે કશો વાંધો ન હોય, તો જ આ ફિલ્મ જોવા જજો. નહીંતર આ અઠવાડિયે બીજા ઘણા વિકલ્પો થિયેટરોમાં રિલીઝ થયા છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s